જ્યોતિરાદિત્ય સિંધિયા VS વરૂણ ગાંધી: અજબનો સંયોગ, બીજેપીમાં વધતા- ઘટતા કદની એક દિલચશ્પ કહાની આ પણ છે
જ્યોતિરાદિત્ય સિંધિયા ગયા વર્ષે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેના કારણે મધ્ય પ્રદેશની વિધાનસભાની ચૂંટણી હારી ગયેલા ભાજપે રાજ્યમાં સત્તા હાંસલ કરી. નવી સરકારમાં મંત્રીઓ નક્કી કરવામાં સિંધિયાનો દબદબો જોવા મળ્યો. તેમના સમર્થક ધારાસભ્યોને શિવરાજ કેબિનેટમાં જગ્યા પણ મળી. પરંતુ વર્ષ કરતાં વધારે સમય થયો હોવા છતાં સિંધિયાને બીજેપી સંગઠન કે મોદી સરકારમાં કોઈ જવાબદારી સોંપવામાં આવી નહીં. કોંગ્રેસે કટાક્ષ પણ કર્યો કે બીજેપીમાં તે હંમેશા બેકબેન્ચર જ રહેશે. પરંતુ આ વર્ષે જૂનમાં ભાજપે તેમને રાજ્યસભાની ટિકિટ આપી. અને એક મહિના પછી તેમની મહેનતનું ફળ આપતાં સિવિલ એવિએશન મિનિસ્ટર બનાવી દીધા. તેમને એવું મંત્રાલય સોંપવામાં આવ્યું જેને તેમના પિતા પણ સંભાળી ચૂક્યા હતા. હવે બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પણ તેમની એન્ટ્રી થઈ ગઈ છે. સમર્થકોમાં મહારાજાના નામથી જાણીતા લોકપ્રિય જ્યોતિરાદિત્ય સિંધિયાનું બીજેપીમાં રાજકીય કદ સતત વધી રહ્યું છે.
વરૂણ ગાંધીએ બીજેપીમાં જ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. 2009માં માત્ર 29 વર્ષની ઉંમરમાં તેમણે યૂપીની પીલીભીત બેઠક પરી બીજેપીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી જીતી. ચૂંટણી પ્રચાર દરમિયાન એક સભામાં તેમના ભડકાઉ નિવેદન પર ઘણો વિવાદ થયો હતો. તે સભામાં તેમણે કહ્યું હતું કે હિંદુઓ સામે ઉઠનારા હાથને તે કાપી નાંખશે. જો કોઈ હિંદુ વોટ નહીં આપે તો તે પોતાના ધર્મની સાથે વિશ્વાસઘાત કરશે. તેમના આ ભડકાઉ ભાષણની સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. યૂપીની તત્કાલીન માયાવતી સરકારે તેમની સામે એનએસએ પણ લગાવ્યો અને તેમને જેલ પણ જવું પડ્યું. પછી સુપ્રીમ કોર્ટના આદેશ પર તેમના પરથી એનએસએ હટાવી લેવામાં આવ્યો અને નીચલી કોર્ટમાંથી પણ તે છૂટી ગયા.
તેના પછી બીજેપીમાં વરૂણ ગાંધીનું કદ ઝડપથી વધ્યું. તેમની ગણતરી ફાયર બ્રાન્ડ નેતાઓમાં થવા લાગી. આ તે સમય હતો જ્યારે યૂપીમાં બીજેપી સતત નબળી પડી રહી હતી. તેવા સમયમાં વરૂણ ગાંધીનો ઉદભવ એક યુવા અને કટ્ટર હિંદુત્વના મસીહા તરીકે થયો. તેમને ભવિષ્યના મોટા નેતા તરીકે જોવામાં આવવા લાગ્યા. ત્યાં સુધી કે તેમને યૂપીમાં સીએમ કેન્ડિડેટ તરીકે જોવામાં આવવા લાગ્યા. 2013માં તે બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા. 2014માં વરૂણ ગાંધી ફરી લોકસભા પહોંચ્યા પરંતુ આ વખતે તે સુલતાનપુર બેઠક પરથી. પરંતુ ત્યાં સુધી વરૂણ ગાંધીએ કટ્ટર હિંદુત્વવાદીની છબિમાંથી પોતાને ધીમે-ધીમે મુક્ત કરી લીધા. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બીજેપીની પૂર્ણ બહુમતવાળી સરકાર બની પરંતુ વરૂણને તેમાં જગ્યા મળી નહીં.
વરૂણ ગાંધી વચ્ચે-વચ્ચે વિવાદોના કારણે ચર્ચામાં આવતાં રહ્યા. 2016માં વરૂણ ગાંધી પર આર્મ્સ ડીલર અભિષેક વર્માને ડિફેન્સ સીક્રેટ લીક કરવાનો ગંભીર આરોપ લાગ્યો. જોકે યૂએસ બેસ્ડ વ્હીસલ બ્લોઅર સી. એડમંડ એલને વિવાદિત આર્મ્સ ડીલર અભિષેક વર્માના વિરોધમાં પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદ પર વર્મા સામે તપાસ શરૂ થઈ હતી. એલને પીએમઓને લખેલા પત્રમાં વરૂણ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે દાવો કર્યો કે ગાંધીએ હની ટ્રેપનો શિકાર થયા પછી ડિફેન્સ સિક્રેટને લીક કરી છે.
છેલ્લી લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ વરૂણ ગાંધીને સુલતાનપુરની જગ્યાએ પીલીભીતથી ચૂંટણી લડાવી. જ્યાંથી પણ તે ચૂંટણી જીત્યા. મોદી 2.0માં પણ વરૂણ ગાંધીને જગ્યા મળી નહીં. આ વર્ષે જુલાઈ મહિનામાં જ્યારે મોદી 2.0 મંત્રીમંડળનું પહેલીવાર વિસ્તરણ થઈ રહ્યું હતું ત્યારે સંભવિત મંત્રીઓમાં વરૂણ ગાંધીનું નામ ચર્ચામાં હતું. પરંતુ તેમને નિરાશ થવું પડ્યું. હવે બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી પણ તેમની છૂટ્ટી થઈ ગઈ છે. તેની વચ્ચે વરૂણે ખેડૂત આંદોલનને લઈને પાર્ટીના સત્તાવાર સ્ટેન્ડથી અલગ વલણ અપનાવીને બીજેપીને અનેકવાર મુશ્કેલીમાં મૂકી દીધી. ખેડૂતોના મુદ્દાને લઈને તેમણે માત્ર યૂપીના સીએમ યોગી આદિત્યનાથને પત્ર જ ન લખ્યો પરંતુ લખીમપુર ખીરી કાંડ પછી તેમણે યોગી સરકાર સામે એક રીતે મોરચો ખોલી નાંખ્યો. હવે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે મેનકા અને વરૂણ ગાંધી બીજેપીથી અલગ રસ્તો પકડી શકે છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસનો વર્ષો જૂનો સાથ છોડીને ભાજપમાં સફળતાની સીડીઓ ચઢી રહ્યા છે. તો શું વરૂણ ગાંધી હવે રાજકીય સફળતાનો ગ્રાફ ઉંચે લઈ જવા માટે સિંધિયાનો રસ્તો અપનાવવાના છે એટલે કે પાર્ટી છોડી કોઈ બીજો વિકલ્પ અજમાવવા જઈ રહ્યા છે? આ એવો સવાલ છે જેનો જવાબ આવનારા સમયમાં સામે આવી જશે.