PICS: નારી તું નારાયણી! 18 વર્ષની વયે પતિએ છોડી દીધી, પરિવારે કાઢી મૂકી, છતાં સંજોગો સામે લડી બની SI
એની શિવા કાંજીરામકુલમના એએનએમ ગવર્મેન્ટ કોલેજથી ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા ત્યારે તે દરમિયાન તેમણે પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. જો કે એક બાળકને જન્મ આપ્યા બાદ તેમના પતિએ તેમને છોડી દીધા. ત્યારબાદ તેઓ ઘરે આવ્યા તો પરિવારે પણ સ્વીકારવાની ના પાડી દીધી અને 6 મહિનાના પુત્ર શિવસૂર્યા સાથે ઘરમાંથી કાઢી મૂક્યા (ફોટો-એએનઆઈ)
ઘરમાંથી કાઢી મૂક્યા બાદ એની શિવાએ પોતાના પુત્ર અને દાદી સાથે ઘરની પાછળ બનેલી ઝૂપડીમાં રહેવાનું શરૂ કર્યું. પુત્રને ઉછેરવા અને ઘર ચલાવવા માટે તેણે અનેક નાના મોટા કામ કર્યા. આ દરમિયાન આઈસ્ક્રિમ અને લીંબુ પાણી પણ વેચ્યું. ઘરે ઘરે જઈને ડિલિવરીનું કામ કર્યું તથા હેન્ડિક્રાફ્ટ પણ વેચ્યા. પરંતુ બધુ ફ્લોપ થઈ ગયું. (તસવીર-ફેસબુક)
કપરા સમયમાં પણ એની શિવાએ અનેક નાના મોટા કામ કર્યા, પણ સાથે સાથે પુત્રની જવાબદારી સંભાળવા ઉપરાંત અભ્યાસ પણ ચાલુ રાખ્યો. તેમણે સમાજશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું (તસવીર-ફેસબુક)
એની શિવાએ વર્ષ 2014માં તિરુવનંતપુરમના કોચિંગ સેન્ટરમાં એડમિશન લીધુ અને એક મિત્રની મદદથી સબ ઈન્સ્પેક્ટરની પરીક્ષા આપી. 2016માં એનીને સફળતા મળી અને તે એક પોલીસ અધિકારી બની. ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2019માં તેણે સબ ઈન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી અને હવે લગભગ દોઢ વર્ષની ટ્રેનિંગ બાદ તેણે વર્કલા પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનરી સબ ઈન્સ્પેકટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. (તસવીર-ફેસબુક)
એની શિવાએ જણાવ્યું કે મને ખબર પડી કે મારું પોસ્ટિંગ થોડા દિવસ પહેલા જ વર્કલા પોલીસ સ્ટેશનમાં થયું છે, આ એક એવી જગ્યા છે જ્યાં મે મારા નાના બાળક સાથે આંસુ વહાવ્યા અને ત્યારે મારો સાથ આપનાર કોઈ નહતું. એનીની કહાની કેરળ પોલીસે પણ શેર કરી છે અને ટ્વીટ કરીને કહ્યું કે 'ઈચ્છાશક્તિ, અને આત્મવિશ્વાસનું એક સાચું મોડલ. એક 18 વર્ષની યુવતી જેને પતિ અને પરિવારે છોડી દીધા બાદ 6 મહિનાના બાળક સાથે રસ્તા પર આવી ગઈ, તે હવે વર્કલા પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ્પેક્ટર બની છે.'