ગામની દીકરી આર્મી ટ્રેનિંગથી પરત ફરતા લોકોએ વાજતેગાજતે સ્વાગત કર્યું, દીકરીના વધામણાં કર્યાં
આણંદ જિલ્લાનાં અંતરીયાળ ગામ લુણેજની દીકરી આરતી મહીપતભાઈ મકવાણાને નાનપણથી જ દેશની રક્ષા કાજે આર્મીમાં ભરતી થવાનું સ્વપ્ન હતું. સશસ્ત્ર સીમા દળમાં ભરતી માટે તક મળતા જ આરતી ભરતી થયા બાદ ટ્રેનિંગ માટે મધ્યપ્રદેશમાં ગઈ હતી અને ટ્રેનીંગ પૂર્ણ થયા બાદ ફરજ પર હાજર થઈ છે. બે વર્ષ બાદ આરતી વતનમાં પરત ફરતા તેનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ખંભાતના અખાતને અડીને આવેલા લૂણેજ ગામ જ નહિ, પરંતુ સમગ્ર તાલુકામાંથી આર્મીમાં જોડાનાર આરતી પ્રથમ દીકરી છે. ત્યારે ગ્રામજનોમાં ખૂબ જ ગર્વની લાગણી જોવા મળી છે. લુણેજ ગામમાં આઝાદી બાદ કોઈ સરકારી નોકરીમાં ન હતું. પરંતુ છેલ્લા દસ વર્ષમાં ગામમાં શિક્ષણનું પ્રમાણ વધતા હાલમાં પોલીસ, શિક્ષક આર્મી સહિત જુદા જુદા વિભાગોમાં સાત જેટલા યુવક યુવતીઓ સરકારી નોકરીમાં જોડાયેલા છે.
આરતી આર્મીમાં ભરતી થઈને ટ્રેનીંગ માટે ગઈ હતી. તેનાં દસ દિવસ બાદ તેનાં સગા દાદાનું નિધન થયું હતું. પરંતુ આરતીએ આર્મીની તાલીમ મેળવવાનો દ્ઢ નિશ્ચર્ય કર્યો હોઈ દાદાનાં મૃત્યુને લઈને લાગેલા આઘાતને પણ વ્રજતાથી પચાવી લીધી હતી, અને વતનમાં પરત આવી ન હતી. તે તાલીમ પૂરી કરીને જ પરત આવી હતી.
બે વર્ષ બાદ ઘરે પરત આવ્યા બાદ તેણે સૌથી પહેલા પોતાનાં દાદાને શ્રદ્ધાંજલી અર્પી હતી. બે વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી દીકરી ઘરે પરત આવતા મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકત્ર થઈ દીકરીને આવકારી હતી. દીકરી પર ગુલાબનાં ફુલોનો વરસાદ કરી સ્વાગત કર્યું હતું.