Photos : ગુજરાતના આ મંદિરમાં માતાજીનું ત્રિશૂળ દર વર્ષે વધે છે તેવું કહેવાય છે

Tue, 01 Oct 2019-9:54 am,

મોરબીના વાંકાનેર હાઈવેથી સાત કિલોમીટર અંદરના ભાગમાં માટેલ ગામ આવેલું છે. કહેવાય છે કે, આ ગામનું ખોડિયાર માતાનું મંદિર લગભગ 110૦ વર્ષ કરતા પણ વધુ પ્રાચીન છે. મંદિરના મહંત રણછોડભાઈ દૂધરેજિયા કહે છે કે, હાલમાં લોકો જેને ખોડિયાર માતાજીના નામથી જાણે છે તે ખોડિયાર માતાજીનું સાચું નામ જાનબાઈ હતું. નાનપણમાં જાનબાઈ એટલે કે ખોડિયાર માતાજી તેમની સાત બેહનો અને ભાઈની સાથે રમતા હતા, ત્યારે ખોડીયાર માતાજીના ભાઈને સાપ કરડી ગયો હતો. ભાઈને સજીવ કરવા માટે માતાજી હાલમાં માટેલ મંદિરની સામેના ભાગમાં જે માટેલીયો ધારો આવેલો છે, તેમાંથી પાતાળલોક ગયા હતા.

લોકવાયકા એવી પણ છે કે, માટેલ ગામે ભૂરો ભરવાડ હતો, જેની એક ગાય રોજ એક જગ્યાએ દોરવાઈ જતી હતી. એક દિવસે ગાય માટલીયા ધરામાં જવા લાગી ત્યારે ભૂરા ભરવાડે ગાયનું પૂછડું પકડ્યું હતું. જેથી ગાયની સાથે તે પણ માટલીયા ધરામાં ગયો હતો. અંદર જઈને જોયું તો ધરામાં સોનાનું મંદિર હતું અને માતાજી હિંડોળા ઉપર ઝૂલે ઝૂલતા હતા. તેની ગાય રોજ દોરવાઈ જતી હોવાથી તેણે માતાજી પાસેથી વળતર માંગ્યું હતું. ત્યારે માતાજીએ ભૂરા ભરવાડને જારના આપ્યા હતા. જોકે ભૂરા ભરવાડે જારના ફેંકી દીધા હતા. પરંતુ એક તેના ધાબળામાં ચોટી ગયું હતું, જે સોનાનું હતું. હાલમાં જે જગ્યાએ માતાજીનું મંદિર આવેલ છે ત્યાં જારનું ઝાડ આવેલ છે અને તેમાં માતાજીનું ત્રિશુલ છે. જે દર વર્ષે ચોખ જેટલું વધે છે તેવું કહેવાય છે. 

માતા ખોડિયારનું  હાલ જે જગ્યાએ મંદિર છે ત્યાં જ માતાજી પ્રગટ થયા છે. ખાસ કરીને રવિવાર અને મંગળવારે માતાજીના દર્શન કરવા માટે દૂરદૂરથી યાત્રાળુઓ આવતા હોય છે. લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયેલા માટેલ ખોડિયાર ધામમાં દર વર્ષે ભક્તોની સંખ્યા વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને મંદિરમાં યાત્રાળુઓ માટે સતત સુવિધ વધારવામાં આવે છે. હાલમાં મંદિરમાં બહાર ગામથી આવતા માઈભક્તો માટે 110 રૂમની રહેવા માટેની અને બંને ટાઇમ જમવા માટે અન્નક્ષેત્રની સુવિધા છે. આ ઉપરાંત 140 ગાય મંદિરની ગૌશાળામાં છે.  

એવું કેહવાય છે કે ભૂરો ભરવાડ માટલીયા ધરામાં સોનાનું મંદિર જોઈ ગયો હોવાથી તેને વાત કરતા રાજાએ ધરામાંથી સોનાનું મંદિર બહાર કાઢવા માટે 999 કોસ મુકાવ્યા હતા. કાળા ઉનાળે માટલીયા દરની બાજુમાં જ ભાણેજીયો ધરો આવેલ છે, તેમાં પાણી લઇ ગયા હતા, તો પણ ધરામાં પાણી ખાલી થયું ન હતું. આજે પણ માટેલ ગામના લોકો માટલીયા ધરાનું પાણી ગાળિયા વગર જ પીવા માટે ઉપયોગ કરે છે. લોકો માને છે કે, આ ગામના લોકો પાણીજન્ય બીમારીનો ભોગ બનતા નથી. ઉપરાંત માટલીયા ધરાનું પાણી પણ ઘણા લોકો પોતાની સાથે લઇ જતા હોય છે. મોરબી તથા આસપાસના વિસ્તારમાંથી ઘણા પદયાત્રીઓ માટેલ સુધી ચાલીને આવતા હોય શનિવારે રાતે પદયાત્રીઓની સેવા કરવા માટે ઘણા સેવાભાવીઓ મોરબી વાંકાનેર હાઈવે પર કેમ્પ કરતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા માટેલ મંદિરનો સમાવેશ પવિત્ર યાત્રાધામમાં કરવામાં આવ્યો છે, જેથી આ મંદિરની વિકાસ માટે સરકારે એક કરોડ રૂપિયા પણ ફાળવી દીધા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link