Photos : જાડેજાઓએ બનાવેલું ‘જામનગર’ ગુજરાતના વિકાસનો ધબકાર છે

Sun, 27 Jan 2019-10:44 am,

આ જિલ્લામાંથી હવે દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ પાડવામાં આવ્યો છે. પરંતુ દ્વારકામાં દ્વારકા અને ઓખા બે જ તાલુકા સમાવિષ્ટ હોવાથી તેની ગણતરી હજુ ય જામનગર જિલ્લામાં જ કરવી પડે. સમૃદ્ધ દરિયાકાંઠો અને ફળદ્રુપ જમીન ધરાવતા જામનગર જિલ્લામાં સંખ્યાની દૃષ્ટિએ આહિર, સથવારા, ક્ષત્રિય અને શહેર વિસ્તારમાં લોહાણા તેમજ પાટીદારોનું પ્રભુત્વ ગણાય છે. જિલ્લાની રાજનીતિમાં આહિર સમાજ સંખ્યા અને જાગૃતિની દૃષ્ટિએ અગ્રેસર હોવાથી દરેક રાજકીય પક્ષમાં તેને પ્રતિનિધિત્વ મળતું રહે છે. દ્વારકા, ઓખામંડળ વિસ્તારમાં વાઘેર સમાજ પણ એટલો જ પ્રભાવશાળી ગણાય છે. રિફાઈનરી, એસ્સાર, જીએસએફસી જેવા મોટા ઉદ્યોગોના કારણે જિલ્લામાં રોજગારીનો પ્રશ્ન એટલો નડતરરૂપ નથી. પરંતુ સંકુચિત દૃષ્ટિના કારણે આ વિસ્તારમાં હજુ જોઈએ એવો વિકાસ થઈ શક્યો ન હોવાનો કચવાટ પણ વ્યાપક છે.   

જામનગર આઝાદી પહેલા નવાનગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું એક રજવાડું હતું. જામનગરની સ્થાપના જામ રાવળના હસ્તે ઇ.સ. 1540માં રંગમતિ અને નાગમતિ નદીઓના કિનારે થઈ હોવાનું ઇતિહાસકારો માને છે. તેથી જ આ પ્રદેશ બહુ જૂનો પણ નહિ, અને બહુ નવો પણ નહિ એવું કહી શકાય. કચ્છમાંથી આવેલા જાડેજા વંશના ક્ષત્રિયોએ કચ્છના કિનારેથી નાનું રણ ઓળંગીને સેના સાથે આવી અહીંના જેઠવા, દેદા, ચાવડા અને વાઢેર શાખાના રાજપુતોને હરાવીને નવાનગર રાજ્યની સ્થાપના કરી હતી. સૌરાષ્ટ્ર પ્રદેશમાં જાડેજાના સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટા રજવાડું રાજ્યો પૈકીનું એક હતું.

અખંડ ભારતને એક કરવામા સરદાર પટેલની મોટી ભૂમિકા છે. ત્યારે માત્ર સૌરાષ્ટ્રના 222 નાના-મોટા દેશી રજવાડાઓને એક મંચ પર લાવીને સરદાર વલ્લભભાઈ પટેલે આજથી 70 વર્ષ પહેલા જામનગર ખાતે દરબાર ગઢથી યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડનું રૂપ આપીને એક કર્યા હતા. સંયુક્ત રાજ્યના નિર્માણના બે મહિના બાદ આ પ્રાંતને સૌરાષ્ટ્રનું બિરુદ આપ્યું હતું. 

જામનગરથી ૩૦ કિલોમીટર દૂર દરિયાઈ જીવસૃષ્ટિ જોવા લાયક છે. આ સ્થળ મરીન નેશનલ પાર્ક તરીકે ડેવલપ કરાયું છે.  જુદી જુદી જાતના ૫ક્ષીઓને જોવાનું સ્થાન પણ અહી વિકસાવાયું છે. નવાનગરના મહારાજાનો આ નાનો મહેલ લખોટા તળાવની મધ્યમાં એક ટાપુ પર આવેલો છે જેને હાલમાં સંગ્રહાલયમાં ફેરવવામાં આવેલો છે.  પ્રભાવશાળી વિલિંગડન ક્રેસન્ટનું નિર્માણ જામ રણજિતસિંહે કરાવ્યું હતું, જે તેમના યુરોપીયન પ્રવાસથી પ્રેરિત હતું. જામ સાહેબની પ્રતિમા અર્ધચંદ્રાકારની મધ્યમાં આવેલી છે. ૨૦૦૧ના ગુજરાત ભૂકંપથી આ શોપિંગ વિસ્તારમાં થોડું નુકસાન થયું હતું. પ્રતાપ વિલાસ મહેલ મહારાજા રણજીતસિંહજીના શાસન દરમિયાન બાંધવામાં આવેલો. તેમાં ભારતીય કોતરણી સાથે યુરોપિયન સ્થાપત્ય છે જે તેને સંપૂર્ણપણે અલગ બનાવે છે. તે કલકત્તાની વિક્ટોરિયા મેમોરિયલ ઇમારતના અનુગામી તરીકે બાંધવામાં આવ્યો હતો, ધરતીકંપથી તેના કેટલાક ભાગને ઘણું નુકશાન થયું હતું. મહેલ મુલાકાતીઓ ફક્ત બહારથી જ જોઈ શકે છે, અંદર પ્રવેશ આપવામાં આવતો નથી.  

એક સમયે અહીં લોકસભાની બેઠક કોંગ્રેસની ગણાતી હતી અને રાજવી પરિવારના દોલતસિંહ જાડેજા (પૂર્વ ક્રિકેટર અજય જાડેજાના પિતા) સળંગ ત્રણ ટર્મ અહીં ચૂંટાયા હતા. કોંગ્રેસ સમર્થિત બેઠક હોવાથી તેને સલામત ગણીને ચીમનભાઈ પટેલના પત્ની ઉર્મિલાબહેન પણ અહીંથી ઉમેદવારી કરવા લલચાયા હતા, પરંતુ ભાજપના યુવા ઉમેદવાર ચંદ્રેશ પટેલ (કોરડિયા) સામે હાર પામ્યા હતા. ત્યારથી જામનગર લોકસભા બેઠક ભાજપને મળતી રહી છે. ચંદ્રેશ પટેલની ત્રણ ટર્મ પછી પણ આ બેઠક પરથી ભાજપના ઉમેદવારો જીતતા રહ્યા છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં જોકે પવનની દિશા બદલાઈ હતી. જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક કોંગ્રેસે જીતી હતી. આમ છતાં સ્થાનિક સ્તરે હજુ ય ભાજપના સાંસદ પુનમબહેન માડમની લોકપ્રિયતા અકબંધ જણાઈ રહી છે. કોંગ્રેસ જો મજબૂત ઉમેદવાર પસંદ ન કરે અને જ્ઞાતિ સમીકરણો સંતુલિત ન કરી શકે તો પુનમબહેનની જીત નિશ્ચિત ગણાય.  

નવાનગરના જામ સાહેબ અને ઈંગ્લેન્ડના જાણીતા ખેલાડી કુમાર રણજીતસિંહજીના નામ પરથી આ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી તરીકે ઓળખાય છે. જામસાહેબ ટેસ્ટ ક્રિકેટના ઉમદા પ્લેયર હતા. તેઓ ઈંગ્લેન્ડની ટીમ વતી ક્રિકેટ રમ્યા હતા. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી પ્રથમ કક્ષાનું ક્રિકેટ અને સસેક્સ પરગણાં તરફથી કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યા હતા. તેમણે ક્રિકેટની સુધરતી જતી પીચનો લાભ લઇને બેકફૂટ પ્રકારની ક્રિકેટ શૈલીનો ઉપયોગ કર્યો હતો અને તેમણે લેગ ગ્લાન્સની શોધ કરી હતી. તેમજ તેને લોકપ્રિય બનાવ્યો હતો.   

સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલો જામનગર જિલ્લો ગુજરાત રાજ્યનો 355 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. બંદરીય ઉદ્યોગો અને સંરક્ષણની બાબતમાં આ જિલ્લો દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત મરિન નેશનલ પાર્ક અને પેટ્રોલિયમ ઉદ્યોગો પણ અહીં મોટાપાયે વિકસ્યા છે. અહીંનો લઘુ અને હસ્તકળા ઉદ્યોગોની ખ્યાતિ ચોમેર પ્રસરેલી છે. તો બાંધણી અને બ્રાસપાર્ટના ઉદ્યોગોમાં જામનગરે કાઠું કાઢયું છે. આ ઉપરાંત ખાંડ તેમજ ઊનની નિકાસ માટે પણ જામનગર પ્રખ્યાત છે. 

જામનગરનું સૌથી પ્રખ્યાત ફૂડ એટલે ઘુઘરા. આજે આ ઘુઘરા આખા ગુજરાતમાં મળે છે, પણ જામનગરમાં તેનો અદ્દલ સ્વાદ ખાવા મળે છે. તો બીજી તરફ, હવે જામનગરમાં લખોટા તળાવની આસપાસ કોનમાં મળતી પાવભાજી પણ ફેમસ થવા લાગી છે. કોર્ન પાવભાજી જામનગરનું બીજું આઈકોનિક ફૂડ બની ગયું છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link