કચ્છનું અસલી ઘરેણું એટલે ‘રોગન આર્ટ’ : કલાકારોની અસલી ચેલેન્જ તેને જીવંત રાખવામાં છે
કચ્છના નખત્રણા તાલુકામાં રોગન કળા ધબકી રહી છે. કેટલાક પરિવારના સભ્યો રોગન કળાથી પોતાનું પેટીયું રળી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, રોગન કળા દ્વારા આવક મેળવવા નહીં પણ તેને બચાવવા માટે મરણીયા પ્રયાસો થઇ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.
આ કળાના ઈતિહાસ વિશે જોઈએ તો, રોગન કળા આજથી ત્રણસો-ચારસો વર્ષ પહેલા ભારતમાં આવી હતી. રોગન કળા રંગો અને કાપડ સાથે સંકળાયેલી કળા છે. આ કળા કાપડ પર પાથરવા માટે એક ઘટ્ટ દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. જેને રોગન કહેવામાં આવે છે. કંઈક અંશે ગુંદર જેવા આ દ્રાવણમાં કુદરતી રંગો ભેળવવામાં આવે છે. બાદમાં લાકડાની સળી દ્વારા કાપડ પર ડિઝાઈન કરવામાં આવે છે.
સ્ત્રીઓ હાથ પર જે રીતે મહેંદી મૂકે એ રીતે આ કળામાં કાપડ પર ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે. જો કે, મહેંદીની સરખામણીમાં આ કળા ભારે એકાગ્રતા માંગી લે છે. રોગન આર્ટના કાપડથી બારીના પડદા, વોલ પીસ, સાડી કે હેન્ડ બેગ જેવી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે.
આજે દેશવિદેશમાં રોગન આર્ટના ચાહકોનો મોટો વર્ગ છે, ત્યારે આ રોગન આર્ટ કળા વિસરાઇ નહિ તે માટે કેટલાક કચ્છીઓ આજે પણ આ કલાને જીવંત રાખવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.