ભારતીય મૂળના અબજપતિએ નામ ડૂબાડ્યું, નોકરો કરતા કૂતરા પર વધુ ખર્ચો કરનારા હવે જેલમાં જશે, જાણો હિન્દુજા બ્રધર્સ વિશે

Sat, 22 Jun 2024-3:40 pm,

નોકરો પાસે 18 કલાક કામ કરાવવું, કામ ન છોડવાની મજબૂરી, ન પૈસા, ન ઘરમાંથી બહાર જવાની છૂટ... હિન્દુજા પરિવાર પર આરોપોની આ યાદી એટલી લાંબી છે કે સ્વિટ્ઝરલેન્ડની અપરાધિક કોર્ટે અબજોપતિ પરિવારને સાડા 4 વર્ષ જેલની સજા ફટકારી દીધી. શુક્રવારે હિન્દુજા પરિવારને એ સમયે મોટો ઝટકો મળ્યો જ્યારે કોર્ટે પરિવારના ચાર સભ્યોને નોકરો સાથે ક્રુરતા આચરવાના મામલામાં દોષિત માન્યા અને તેમને જેલની સજા સંભળાવી. ભારતીય મૂળના ઉદ્યોગપતિ પ્રકાશ હિન્દુજા, તેમના પત્ની, પુત્ર અને પુત્રવધુને નોકરો સાથે ક્રુરતા આચરવા તથા અમાનવીય વ્યવહાર કરવાના આરોપમાં જેલની સજા ફટકારી છે. 

હિન્દુજા પરિવારના ચાર સભ્યો પર પ્રકાશ હિન્દુજા, તેમના પત્ની કમલા હિન્દુજા, પુત્ર અજય અને પુત્રવધુ નમ્રતા પર નોકરો સાથે અભદ્રતા, ક્રુરતા કરવાનો આરોપ લાગ્યો છે. તેમના પર આરોપ લાગ્યો હતો કે તેઓ પોતાના ઘરેલુ સહાયકો, કર્મચારીઓના પાસપોર્ટ જપ્ત કરી લેતા હતા જેથી કરીને તેઓ કામ છોડીને જઈ શકે નહીં. તેમને વિલાની બહાર જવાની પણ મંજૂરી નહતી. સ્વિટ્ઝરલેન્ડમાં તેમને ખુબ જ ઓછા પગારમાં વધુ કલાકો સુધી કોઈ પણ રજા વગર કામ કરવું પડતું હતું. 

જો કે આવું પહેલીવાર નથી બન્યું. આ અગાઉ વર્ષ 2007માં પ્રકાશ હિન્દુજાને આ જ પ્રકારના આરોપો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ વખતે પણ તેઓ એવા જ કઈક આરોપોમાં ઘેરાયા. તેમના પર આરોપ લાગ્યા કે હિન્દુજા પરિવારે પોતાના કૂતરા પર એક નોકર કરતા વધુ ખર્ચ કર્યો. સ્ટાફને 654 રૂપિયા રોજ એટલે કે વાર્ષિક લગભગ 2.38 લાખ રૂપિયા આપવામાં આવ્યા જ્યારે ઘરના કૂતરાની દેખભાળ અને ખાણીપીણી પર વાર્ષિક લગભગ 8 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવતા હતા. નોકરોને ભારતીય રૂપિયામાં પગાર આપવામાં આવતો હતો. જેથી કરીને તેઓ બહાર કશું ખરીદી શકે નહીં. તેમને નોકરી છોડવા સુદ્ધાની મંજૂરી નહતી. ઘરના નોકરોને તો ન રજા મળતી કે કામના કલાકો પણ નક્કી નહતા. 

બ્રિટનના સૌથી અમીર પરિવાર હિન્દુજા પરિવાર ભારતીય મૂળના છે. હિન્દુજા ગ્રુપની કમાન હિન્દુજા બ્રધર્સ સંભાળે છે. વર્ષ 1914માં ભારત સિંધ પ્રાંતના શિકારપુર જિલ્લામાં જન્મેલા દીપચંદ હિન્દુજાએ હિન્દુજા ગ્રુપનો પાયો નાખ્યો. ત્યારબાદ વર્ષ 1919માં તેમણે કંપનીની પહેલા ઈન્ટરનેશનલ ઓફિસ ઈરાનમાં ખોલી પરંતુ 1979માં ઈસ્લામિક ક્રાંતિ બાદ કંપનીનું હેડક્વાર્ટર લંડન શિફ્ટ થઈ ગયું. ત્યારથી કંપની લંડનથી ચાલે છે. દીપચંદ હિન્દુજાના ચારેય પુત્રો શ્રીચંદ હિન્દુજા, ગોપીચંદ, પ્રકાશ અને અશોક હિન્દુજા કંપની સંભાળે છે. શ્રીચંદ, હિન્દુજા સમૂહ, હિન્દુજા બેંક ઓફ સ્વિટ્ઝરલેન્ડ તથા હિન્દુજા ફાઉન્ડેશનની જવાબદારી સંભાળતા હતા પરંતુ ગત વર્ષે તેમનું નિધન થઈ ગયું.  ગોપીચંદને આહુજા ઓટોમોટિવ લિમિટેડની જવાબદારી મળી. આ પ્રકારે પ્રકાશ હિન્દુજા, હિન્દુજા સમૂહ (યુરોપ)ના કારોબારને તો અશોક હિન્દુજા હિન્દુજા ગ્રુપ ઓફ કંપનીઝ (ઈન્ડિયા)ની જવાબદારી સંભાળતા રહ્યા. 

હિન્દુજા ગ્રુપનો વેપાર લગભગ 50 જેટલા દેશોમાં ફેલાયેલો છે. કંપનીમાં દોઢ લાખથી પણ વધુ કર્મચારીઓ  છે. ભારતમાં આ ગ્રુપની છ કંપનીઓ છે. જેમાં અશોક લેલેન્ડ, ગલ્ફ ઓઈલ લિમિટેડ, ઈન્ડસઈન્ડ બેંક, હિન્દુજા ટેક, હિન્દુજા ફાઈનાન્સ સામેલ છે. ફોર્બ્સના રિયલ ટાઈમ આંકડા મુજબ હિન્દુજા ફેમિલીની વર્તમાન સંપત્તિ 20 બિલિયન અમેરિકી ડોલર છે. હિન્દુજા ગ્રુપનો કારોબાર ટેલિકોમ, ઓઈલ એન્ડ ગેસ, પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયાલિટી, ઓટો, હેલ્થકેર વગેરે સેક્ટર્સમાં છે.   

હિન્દુજા ફેમિલી બ્રિટનથી પોતાનો કારોબાર ચલાવે છે. આ પરિવાર દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ છે. ફોર્બ્સના જણાવ્યાં મુજબ 2023માં હિન્દુજા પરિવારની કુલ સંપત્તિ 20 બિલિયન ડોલર હતી. સંડે ટાઈમ્સના જણાવ્યાં મુજબ હિન્દુજા પરિવાર બ્રિટનનો સૌથી અમીર પરિવાર છે. હિન્દુજા પરિવારના ગોપી હિન્દુજા બ્રિટનના સૌથી અમીર વ્યક્તિ છે. દુનિયાના ટોપ 200 અમીરોની યાદીમાં તેમનું નામ સામેલ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link