આજના યુગમાં ક્યાંય ઘીની નદીઓ વહે છે, તો તે છે ગુજરાતનું આ ગામ

Tue, 16 Oct 2018-2:57 pm,

ગાંધીનગરમાં રૂપાલ ગામે આસો સુદ વદના રાત્રે માતાની પલ્લીનો પ્રારંભ થાય છે. આ મહોત્સવ જગજાણીતો છે. જ્યાં અનેરી આસ્થાના દર્શન થાય છે. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થાય છે. આ દરેક ચોકમાં પલ્લી પર ઘી રેડાતું રહે છે. આ માટે ગામમાં આવેલ માતાના સ્થાનકને રોશનીથી સજાવાય છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનાની સાથે માતાના જવેરા વાવવામાં આવે છે. જેના બાદ નોમના દિવસે રાત્રે પલ્લી નીકળે છે. ઉનાવાના ઠાકોર સમાજના લોકો જ આ પલ્લીને પ્રસ્થાન કરાવે છે. ગામના દરેક ચોકમાં એટલી મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટે છે કે, જોઈને ઘડીક બીક લાગે. પરંતુ આજ દિન સુધી પલ્લીમાં કોઈ અનિચ્છીનીય બનાવ બન્યો નથી.   

પલ્લી શું છે, એવો સવાલ બધાને થાય છે. પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવીઓએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યાર બાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંતી પલ્લી બનાવી હતી, તેવો ઉલ્લેખ છે. હાલ રૂપાલની પલ્લી બનાવાવ માટે બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર કોમ સાથે મળીને બનાવે છે. એમ કહો કે, આ પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતિક છે. 

પલ્લી બનાવવા માટે ગામના વાલ્મીકિ ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે. તેમાંથી ગામના ભાઈઓ માનો પલ્લીરથ ઘડીને તૈયાર કરે છે. બાદમાં વાળંદભાઈઓ વરખડાના સોટા લાવી રથને ચારેબાજુ બાંધીને કલાત્મક રીતે શણગારે છે. પછી પલ્લીરથને પલ્લીવાળા વાસમાં માનો ગોખ તથા માની છબી ત્યાં લઈ જઈ મૂકવામાં આવે છે. તે જગ્યાને અબોટ કરી ગંગાજળ તથા ગાયના છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકવામાં આવે છે. ત્યારબાદ કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કૂંડા પલ્લી ઉપર છાંદી જાય છે. પછી પિંજારો કપાસ પૂરે છે. પંચાલ ભાઈઓ લાકડાના ખીલા આપે છે. માળી ભાઈઓ માતાજીને ફૂલહારથી શણગારે છે, અને આમ માનો સુંદર પલ્લીરથ તૈયાર થાય છે. માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે તથા ખીચડો નૈવેધ ધરાવવાની છાબ વાલ્મીકિ સમાજના ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે. આમ ગામમાં વસતા અઢારે આલમના લોકો માની શકિત મુજબ સેવા કરે છે.

પલ્લીની પ્રથા એવી છે કે, જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય, તેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેવી મહિલાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે. તો ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે. અને ગામાન યુવનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. સૌપ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરાય છે. પલ્લી મંદિરમાં નીકળીને ચોકમાં આવે એટલે તેના પર ઘી રેડવાનું શરૂ કરાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથા ટેકવાય છે. 

પલ્લી નીકળી ગયા બાદ પણ ગામમાં અનેરુ દ્રશ્ય જોવા મળે છે. ગામના વાલ્કી સમાજના લોકો ડોલ, ટબ લઈને ચઢાવાયેલા ઘીને એકઠું કરતા જોવા મળે છે. કહેવાય છે કે, અર્પણ કરાયેલા ઘીનો ઉપયોગ માત્ર ગામના વાલ્મીકી સમાજના લોકો જ કરી શકે છે. અન્ય કોઈ પણ સમુદાય ઘીનો પ્રસાદ લેતા નથી. પલ્લી જ્યારે ગામમાં નીકળે છે, ત્યારે ગામના લોકો અભિષેક કરતા નથી. બીજા દિવસે દશેરા પર પલ્લી મંદિરમાં મૂકાયા બાદ તેઓ ઘી અર્પણ કરે છે. 

માતાની પલ્લી એટલે માનો રથ. જેની ઉપર પાંચ પાંડવોના પ્રતિમ સમી જ્યોત ઝળહળતી હોય છે. આ રથમાં સ્વંય માતા બિરાજમાન હોય છે. માતાજીની પલ્લીમાં ગામના અઢારે આલમના લોકો સેવા આપે છે. આ પલ્લીના ઈતિહાસ અને મહ્ત્ત્વ વિશે લખાયેલું છે કે, દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જાત પહેલા પોતાના અસ્ત્ર-શસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડીને તેની રક્ષા માટે માતા વરદાયિનીની પ્રાર્થના કરી હતી. આ ખીજડાના ઝાડ નીચે માનું સ્થાનક હતું. એ વખતે રૂપાલ અને આજુબાજુના પંથકમાં ગાઢ જંગલ જ હતું. ગુપ્તવાસ પૂરો કરી પાંડવો પરત પુન: માના સ્થાનકે પાછા ફર્યા હતા અને એમનાં અસ્ત્ર-શસ્ત્ર છુપાવ્યાં હતાં તે પરત મેળવી માના આશીર્વાદ લીધા અને ત્યાં પંચબલિ યજ્ઞ કરી સોનાની પંચદીપ પલ્લી બનાવી મા પાસે મૂકી હતી. આમ પલ્લીનો પ્રારંભ મહાભારત કાળથી પાંડવોએ કર્યો હતો. આ પલ્લીયાત્રા પાંડવાકાળથી ચાલી આવે છે. મા વરદાયિનીનો સાક્ષાત્કાર જોઈને માને નમન કરવા લાખો માઈભક્તો નવરાત્રિ દરમિયાન અને પલ્લીના દિવસે ખાસ રૂપાલ આવે છે.

આ પલ્લીની ઘી ચઢાવવાની પ્રથાનો અનેકવાર વિરોધ પણ થયો છે. કેટલાક સામાજિક કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો કે, ધર્મના નામે આ પ્રથામાં લાખો લિટર ઘી વેસ્ટ થાય છે, તેથી આ પ્રથા બંધ કરાવવી જોઈએ. પરંતુ હજી પણ આ પ્રથા અકબંધ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link