Photos : શક્તિપીઠ અંબાજીમાં શ્રીકૃષ્ણના બાળપણની ખાસ વિધિ કરાઈ હતી

Thu, 20 Sep 2018-4:33 pm,

આમ, તો દર મહિનાની પૂનમે ભાવિકભક્તો મંદિરમાં દર્શન કરવા આવે છે, પરંતુ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી મહિનાની પૂર્ણિમા સૌથી મહત્‍વનો તહેવાર ગણાય છે. અંબાજીમાં વર્ષે ત્રણ જેટલા મેળા યોજાતા હોય છે. અહીં ભાવિક ભક્તો શ્રદ્ધાથી ધજા ચઢાવે છે. અહીંનો ભાદરવી પૂનમનો મેળો જોવા માટે વિદેશોથી પણ શ્રદ્ધાળુઓ આવે છે. અંબાજી જતા માર્ગ પર લાખો શ્રદ્ધાળુઓ ધજા લઈને ચાલતા દેખાય છે. 

આરાસુર માતાજીના હૃદયનો ભાગ આ જગ્યા પર પડ્યો હોવાની માન્યતા છે. તો ભાગવત પુરાણમાં એમ પણ ઉલ્લેખ છે કે, ભગવાન શ્રીકૃષ્ણના માથાના વાળ ઉતારવાની વિધિ પણ અહીં જ થઈ હતી. આ પ્રસંગે માતા યશોદાએ માતાજીના સ્થાનક પર જવેરા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજીમાં રહ્યા હતા. અહીં અંબાજી માતાની મૂર્તિની જગ્‍યાએ એક પિત્તળની થાળી છે. જંત્ર આંકડા સાથે ભરેલી આ થાળી માતાના જન્‍મનું પ્રતિક છે. ભક્તો તેના દર્શન કરીને આનંદ પામે છે.   

ગબ્બરની ટોચે આવેલ અંબાજી મંદિરમાં જવા માટે 999 પગથિયા ચઢીને જવા પડે છે. માતા આરાસુરી અંબિકાના નીજ મંદિરમાં રહેલા શ્રી વિસાયંત્રની સામે હંમેશા અખંડ દીવો પ્રજ્વલ્લિત રહે છે. અંબાજીમાં શિશ નમાવતા અનેક શ્રદ્ધાળુઓને આ વાતની ખબર નહિ હોય કે, માતાજીના રિયલ સ્થાનકમાં મૂર્તિ નથી, પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભુષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર, બપોર ને સાંજે જાણે કે વાઘ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે. બિલકુલ આ માતાજી આગળ વર્ષોથી ઘીના બે અખંડ દીવા બળે છે. અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે.  

અંબાજીમાં વર્ષે ચાર વાર નવરાત્રિનો ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં શરદ (આસો), વસંતિક (ચૈત્ર), મહા અને અષાઢની નવરાત્રિ ઉજવાય છે. શક્તિ સંપ્રદાય મુજબ, વસંતિક નવરાત્રિના તમામ આઠ દિવસ અને નવ રાત્રિનું વિશેષ  મહત્ત્વ હોય છે.   

ગબ્બરની નજીક સનસેટ પોઈન્ટ છે. ભાદરવી પૂનમ ભરનારા શ્રદ્ધાળુઓ અહીંથી અચૂક સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો માણતા હોય છે. આ સિવાય પર્વતની ગુફા, માતાજીના ઝૂલા માણતા માણતા મેળામાંથી નીકળે છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link