Pics: મોદી સરકારમાં મંત્રી છે પુરુષોત્તમ રૂપાલા, શું મેળવતા હશે પગાર-ભથ્થા, સગવડો એ પણ ખાસ જાણો
લોકસભા ચૂંટણી ઢૂંકડી છે અને એવા સમયે ગુજરાતમાં હાલ મોદી સરકારમાં મંત્રી અને રાજકોટના ભાજપના ઉમેદવાર સામે ક્ષત્રિયોએ બાંયો ચડાવેલી છે. ક્ષત્રિય સમાજનો આક્રોશ દિન પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે. ત્યારે એવા સમયે એ જોવાનું રહેશે કે રૂપાલા મુદ્દે ભાજપ શું કોઈ નિર્ણય લેશે કે નહીં કારણ કે ક્ષત્રિયો તો રૂપાલાની ટિકિટ કપાય તે માંગણી સાથે મક્કમ છે. રૂપાલાએ જો કે ઉમેદવારી તો નોંધાવી દીધી છે પરંતુ કાલ સુધીમાં જો તેમની ટિકિટ વિશે કોઈ નિર્ણય ન લેવાય તો ક્ષત્રિયો વધુ ઉગ્ર આંદોલન કરે એવા પૂરા એંધાણ છે. અને ભાજપની વિરુદ્ધમાં પણ મતદાન કરી શકે છે. રૂપાલા સામે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી મેદાનમાં છે. તેઓ લેઉઆ પાટીદાર છે અને સામે કડવા પાટીદાર રૂપાલા. ત્યારે અહીં એ પણ જોઈએ કે રૂપાલાને હાલ ભારત સરકાર તરફથી એક સાંસદ તરીકે શું પગાર અને સગવડો મળતી હશે. અને જો તેઓ ટિકિટ ગુમાવે તો શું ગુમાવી શકે છે.
પરશોત્તમ રૂપાલા હાલ રાજ્યસભા સાંસદ છે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. અગાઉ તેઓ અમરેલીથી વિધાનસભા સભ્ય પણ રહી ચૂક્યા છે અને ગુજરાત સરકારમાં પણ સેવા આપી હતી. હાલ મોદી સરકારમાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પણ છે. મૂળ તેઓ અમરેલીના છે. ક્ષત્રિય સમાજ સામે કેટલીક વાંધાજનક ટિપ્પણીઓે લઈને હાલ ખુબ ચર્ચામાં છે. એક સાંસદ તરીકે તેમને શું પગાર અને ભથ્થા મળતા હશે તે પણ ખાસ જાણો.
રાજ્યસભા સાંસદનો કાર્યકાળ 5 વર્ષ નહીં પરંતુ 6 વર્ષ માટે હોય છે. વિધાયકોના મતથી ચૂંટાઈ આવનારા રાજ્યસભા સાંસદોને અનેક પ્રકારની સરકારી સુવિધાઓ, પગાર, ઘર અને ગાડી આપવામાં આવે છે. વિસ્તારથી સમજો કે રાજ્યસભાના સાંસદ કઈ સુવિધાઓના હકદાર હોય છે.
રાજ્યસભાના સાંસદોનો પગાર અને ભથ્થા મળીને કુલ 2 લાખ 10 હજાર રૂપિયા મહિને મળતા હોય છે. જેમાં અનેક પ્રકારના ભથ્થા ઉપરાંત 20 હજાર રૂપિયા ઓફિસ ખર્ચ પણ સામેલ હોય છે. મૂળ વેતન તરીકે ફક્ત 16000 રૂપિયા જ મળતા હોય છે. આ ઉપરાંત જેટલા પણ દિવસ કાર્યવાહી ચાલે તે પ્રમાણે પ્રતિ દિન 1000 રૂપિયાનું વધારાનું ભથ્થું મળે છે.
રાજ્યસભાના સાંસદોને 34 રૂપિયા પ્રતિ કિલોમીટરના હિસાબે મુસાફરી ભથ્થું પણ મળે છે. આ ઉપરાંત રેલવે ટિકિટ અને હવાઈ મુસાફરીમાં પણ રાજ્યસભા સાંસદોને છૂટ મળે છે. દર મહિને ફર્સ્ટ એસી અને સેકન્ડ એસીના એક એક પાસ મળે છે. ફ્લાઈટની ટિકિટના ફક્ત 25 ટકા જ પૈસા આપવાના હોય છે.
સાંસદ માટે વીજળી, પાણી અને ફોનની સુવિધા વિનામૂલ્યે હોય છે. એટલે કે એકદમ મફત. આ સાથે સરકારી ઘર, ગાડી, ફર્નિચર, પડદા અને મેડિકલ સંલગ્ન સુવિધાઓ પણ મળે છે.
કાર્યકાળ પૂરો થાય ત્યારબાદ સાંસદ રહી ચૂકેલા નેતાને પેન્શન તરીકે દર મહિને 25000 રૂપિયા મળે છે.