અહીં દેવાધિદેવ મહાદેવ પણ આવે છે સ્નાન કરવા, જાણો કુંભના મેળામાં શાહી સ્નાનનો શું છે મહિમા
કુંભની તારીખ બૃહસ્પતિ, સૂર્ય અને ચંદ્રમાની રાશિ ચક્ર પર નિર્ભર કરે છે. શાસ્ત્રો અને પુરાણોમાં સમુદ્ર મંથનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કુંભનો અર્થ છે કે કળશ કે જેમાં અનંત જીવન રૂપી અમૃત છે. એવું માનવામાં આવે છે ભગવાન અને રાક્ષસો ક્ષીર સાગરના કિનારે એકઠા થયા. બન્નેએ મળીને અમૃત કાઢવાનો નિર્ણય લીધો. બન્ને વચ્ચે સમજૂતિ થઈ કે અમૃત બરાબરની ભાગીદારીમાં લેવામાં આવશે. મંદરાચલ પર્વતને મંથનના વલોણાં તરીકે અને નાગના રાજા વાસુકીને મંથનના દોરડાના રૂપમાં ઉપયોગ કરતાં તેમણે પ્રક્રિયા શરુ કરી. આ મંથનમાં પહેલા ઝેર નિકળ્યું જેને શિવજીએ પીધું, તેમના પર ઝેરની કોઈ અસર ન થઈ તે ઝેર શિવજીએ તેમના કંઠમાં રાખ્યું જેથી તેમનો કંઠ નિલા રંગનો થયો માટે તેમને નિલકંઠ પણ કહેવાય છે જેની ઉજવણી એટલે શિવરાત્રિ.
સમુદ્ર મંથનમાંથી 14 રત્નો મળ્યાં હતાં. આ રત્નમાં કાલકૂટ વિષ. કામધેનુ, ઉચ્ચૈશ્રવા ઘોડા, એરાવત હાથી, કૌસ્તુભ મણિ, ક્લપવૃક્ષ, અપ્સરા રંભા, મહાલક્ષ્મી, વારૂણી દેવી, ચંદ્ર, પારિજાત વૃક્ષ, પાંચજન્ય શંખ, ભગવાન ધન્વંતરી તેમના હાથમાં અમૃત કળશ લઇને બહાર આવ્યાં હતાં. પરંતુ દેવતાઓને રાક્ષસો પર ભરોસો ન હતો અને તેમણે અમૃતનો કળશ બળજબરીથી છીનવીને ચાર દેવતાઓને સોંપ્યો આ ચાર દેવતા બૃહસ્પતિ, સૂર્ય, શનિ અને ચંદ્ર હતા. રાક્ષસોને જ્યારે જાણ થઈ કે તેમને અમૃત નહીં આપવામાં ત્યારે તેઓ દેવતાઓની પાછળ ભાગ્યા. આ યુદ્ધ 12 દિવસ ચાલ્યું. 12 દિવસ એટલે મૃત્યુંલોકમાં 12 વર્ષ એટલે જ 12 વર્ષે એકવાર કુંભનો મેળો યોજાય છે. આ અથડામણમાં કળશમાંથી અમૃતના ચાર ટીપા પૃથ્વી પર પડ્યા હતા. આ અમૃતના ટીપા પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં પડ્યા. અમૃતના ટીપા પડ્યા બાદ આ જગ્યાઓ પર રહસ્યમય શક્તિ હોવાનું પણ મનાય છે. ત્યારબાદથી આ ચાર જગ્યાએ યોજાય છે કુંભ મેળો. કુંભ મેળા શબ્દનો સૌથી પહેલો ઉલ્લેખ 1695 અને 1759માં ખૂલ્સત-ઉત-તારીખ અને ચાહર ગુલશનના હસ્તલેખમાં મળે છે.
શાહી સ્નાનનો કોઈ ચોક્કસ ઈતિહાસ નથી. પરંતુ હા લોહિયાળ ઈતિહાસ જરૂર છે. શાહીસ્નાન માટે નાગા સાધુઓ વચ્ચે ભૂતકાળમાં ઘર્ષણ સર્જાયું હતું. જે લોહિયાળ સાબિત થયું. આ ઘર્ષણ બાદ 13 અખાડાઓ બનાવવામાં આવ્યા અને તેમાં શાહી સ્નાન માટે સમય અને ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવે છે. આ મેળામાં 13 અખાડા સાથે સંકળાયેલા નાગા સાધુઓ ત્રિવેણી સંગમ, ગંગા, જમના અને સરસ્વતી નદીઓના સંગમ તરફ જાય છે. કેટલાક પાલખીમાં શણગારેલા અમુક રંગબેરંગી ઘોડાઓ પર ભજનના નાદ સાથે ત્યાં પહોંચે છે. કુંભની ઓળખ છે 'ત્રણ પારંપરિક શાહી સ્નાન' જેમાંથી કોઈ પણ એકમાં પણ ભાગ લેવામાં આવે તો ભક્તો અમર બની જાય છે. કહેવાય છે કે શાહી સ્નાનમાં સ્વયં ભોલેનાથ ઉપસ્થિત રહે છે. આ કુંડમાં નાગા સાધુ સ્નાન કરવા જાય છે તેમાંથી એક સાધુ બહાર આવતા નથી અને તે ભોલેનાથ હોય છે. એવું તો શું હશે મૃગીકુંડમાં કે ખુદ ભગવાન પણ તેમાં સ્નાન કરે છે.
એક કથા અનુસાર ભગવાન શિવજી પાર્વતિને કોઈ સવાલ પર વાર્તા કહે છે. 'કાન્યકુબ્જ દેશમાં ચંદ્રવંશી રાજભોજ રાજ કરતો હતો. અને તે તેની પ્રજાને ખૂબ પ્રેમ કરતો હતો. તેના મહત્તમ સેવકો જંગલમાં અને પર્વતોમાં રહેતા હતા. એક દિવસ હરણનું ટોળું જંગલમાંથી પસાર થઈ રહ્યું હતું. તેમા એક મૃગમુખી સુંદરી પણ હતી. રાજા મૃગ મુખીને પોતાની સાથે રાજમહેલમાં લઈ આવ્યો. રાજાએ તે સ્ત્રીને ઘણા સવાલ પૂછ્યા, પરંતુ તેને કોઈ ઉત્તર આપ્યો નહીં. જેથી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા બ્રાહ્મણોએ આ સુંદરીને સવાલો પૂછ્યા જેના ઉત્તરમાં સુંદરીએ પોતાના અસ્તિત્વની વાતો કરી કહ્યું 'હું પૂર્વ જન્મમાં વાંગ દેશના રાજાની કુંવરી હતી. મારા પિતાજીએ મને આ રાજાના હાથમાં સોંપી હતી પરંતુ આ રાજા અવડે રસ્તે ચડી ગયો હતો. આ રાજા યુદ્ધમાં દુશ્મનોના હાથે મરાયો હતો અને હું તેની પાછળ સતી થઈ હતી. ત્યારબાદ બીજો જન્મ થયો હતો. જેમાં આ બ્રાહ્મણ હતા અને હું તેમની પત્ની હતી પરંતુ તે ખૂબ લાલચુ અને ત્રાસ આપનારો હતો. ત્યારબાદ મગર તેમજ અન્ય સ્વરૂપે પણ મારો જન્મ થયો અને એક જન્મમાં એક ઋષિએ મને કહ્યું કે તું રેવતાચળ પર્વત પાસે જ્યાં અને ત્યાં તારો મોક્ષ થશે એટલે હું અહીં રેવતાચળમાં આવી છું' રાજા મૃગલીની આ વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો અને મૃગલીને પોતાની પટરાણી બનાવી લીધી. જેથી મૃગમુખી સુંદરીનો મોક્ષ થઈ ગયો જેના કારણે રાજાએ ત્યાં એક કુંડ બનાવ્યો જેનું નામ 'મૃગીકુંડ' પાડવામાં આવ્યું. આ કુંડમાં સ્નાન કરનારને મુક્તિ મળે છે તેવું મહાત્મ્ય ત્યારથી શરૂ થયું. આ મૃગીકુંડમાં કરોડો તીર્થ વસેલા છે અને તેમાં ગંગેશ્વર, સહસ્ત્રબિંદુ, સુવર્ણરેખા નદી વહે છે જે પાપનો નાશ કરે છે. આમ જુના સમયમાં ત્યાં તરતા પથ્થરો પણ જોવા મળતા હતા.