લોકમેળામાં ઉમટ્યું માનવ મહેરામણ, રાજકોટના રસરંગ લોકમેળાનો નજારો જોઈ તમને પણ મન થઈ જશે જવાનું
આ વર્ષે પણ રાજકોટના લોકમેળાનો દબદબાભેર પ્રારંભ થયો છે. પહેલા જ દિવસે લોકમેળાની મુલાકાત 50000 થી વધુ લોકોએ લીધી હતી. પાંચ દિવસ દરમિયાન આ લોકમેળાની મુલાકાત 15 લાખથી વધુ લોકો લે તેવી સંભાવના છે.
આ વર્ષે રસ રંગલોકમેળામાં આકર્ષણનું કેન્દ્ર અવનવી રાઈટ્સ બની છે. સાતમ આઠમના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્ર ભરમાંથી મોટી સંખ્યામાં લોકો લોકમેળાની મુલાકાતે આવે છે. પાંચ દિવસ દરમિયાન લાખો લોકો આ મેળાની મુલાકાત લેતા હોવાથી તંત્ર દ્વારા લોકમેળામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.
9 સપ્ટેમ્બર સુધી ચાલનાર આ લોક મેળામાં 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 178 સ્ટોલ રમકડાના, 14 સ્ટોલ ખાણીપીણીના, મધ્યમ ચકરડીના ચાર પ્લોટ અને નાની ચકરડી ને 48 પ્લોટ ફાળવવામાં આવ્યા છે.
આ વર્ષે લોકમેળામાં લોકોના મનોરંજન માટેની નાની મોટી અનેક રાઈડ્સ જોવા મળી છે. રાજકોટના રસરંગ મેળાની રંગત રાતે સૌથી વધુ જામે છે. મોટી સંખ્યામાં લોકો રાત્રે મેળાની મુલાકાત લેવા પહોંચે છે.
લોકોના મનોરંજન માટે લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન પણ કરવામાં આવ્યું છે. અહીં શહેરની સામાજિક સંસ્થાઓ લોકોને માર્ગદર્શન પણ પૂરું પાડે છે.