Statue Of Unity: નર્મદા કાંઠે કિરણ રિજીજુ સહિત વિવિધ રાજ્યોના કાયદા મંત્રીઓએ પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો, જુઓ તસવીર

Sun, 16 Oct 2022-3:10 pm,

જયેશ દોશી/નર્મદા: કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રીજીજુ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર સ્થિત ટેન્ટસિટી નં-2 ખાતે ચાલી રહેલી વિવિધ રાજ્યો અને સંઘ પ્રદેશોના કાયદા મંત્રીઓ અને સચિવઓની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લઈ રહેલા મહેમાનો સાથે સરદાર સાહેબની વિશ્વની વિરાટતમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.   

મંત્રીઓએ સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના જીવન-કવન અંગેનું તસ્વીરી પ્રદર્શન પણ તેઓએ રસપૂર્વક નિહાળ્યું હતું. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી લોકમાતા નર્મદા તથા વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો હતો.

માં નર્મદાના દર્શનથી પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ પણ તેઓએ કરી હતી. આ તકે પ્રતિમાના નિર્માણના તકનીકી પાસાંઓ સહિતની જરૂરી વિગતો ગાઈડ દ્વારા પુરી પાડવામાં આવી હતી. ત્યારબાદ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાની નત મસ્તકે ભાવવંદના કરી હતી.  

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉન્નત વિચારો અને વિચક્ષણ માર્ગદર્શન હેઠળ આ સૌથી વિરાટ સરદાર સાહેબની પ્રતિમાના નિર્માણ સાથે શરૂઆતથી સંકળાયેલા રહેવાનું ગૌરવ વ્યક્ત કરતાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રીજીજુએ યાદ કર્યું હતું કે "સમગ્ર ભારતની ભાવના આ પ્રતિમા સાથે જોડવા અમે ગામેગામથી ઓજારો એકત્ર કર્યા હતા."

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એકતા અને તાકાતનું પ્રતિક છે તેવી લાગણી વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, આ સ્થળની મારી આ પાંચમી મુલાકાત છે અને આ જગ્યાની પ્રત્યેક મુલાકાત નવી પ્રેરણા આપે છે. હું જ્યારે જ્યારે અહીં આવ્યો ત્યારે ત્યારે કોઈ નવા આકર્ષણને ઉમેરાયેલું મેં જોયું છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ મેનેજમેન્ટ ટીમ તેની શ્રેષ્ઠ જાળવણી અને નૂતન સજાવટ કરી રહી છે તેમ તેઓએ ઉમેર્યું હતું. 

આ સ્થળ માત્ર ભારતીયો માટે જ નહીં પણ સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કારણ કે આ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા તો છે જ, તેની સાથે એની સૌથી શ્રેષ્ઠ જાળવણી અને અભિનવ સજાવટ પણ કરવામાં આવે છે. તેના નિર્માણ સાથે સંકળાયેલા રહેવાનું મને ગૌરવ છે. એક ભારતીય તરીકે તેના માટે હું ખૂબ ગૌરવ અનુભવું છું તેમ તેમણે લાગણીભર્યા શબ્દોમાં જણાવ્યું હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link