લગતા હૈ શહર મે ચુનાવ આ ગયા... મતદારોને રીઝવવાની લ્હાયમાં રાજકોટમાં રસોડા ધમધમતા થયા
રાજકોટમાં ભજીયા પાર્ટીઓ શરૂ થઈ છે. શહેરના રાજકીય પક્ષો ભજીયા પાર્ટી કરીને મતદારોને રીઝવી રહ્યા છે. વોર્ડ નંબર 1ના ભાજપના કાર્યક્રમ અને વોર્ડ નંબર 18ના કોંગ્રેસના કાર્યક્રમમાં પાર્ટી યોજાઈ હતી. જેમાં કોરોનાની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંધન જોવા મળ્યું હતું.
રાજકીય પાર્ટીઓના તામઝામ જોતા કેટલાક મીમ્સ પણ વાયરલ થયા છે
સાથે જ ચૂંટણી પંચની ગાઇડલાઇનનું પણ ઉલ્લંધન જોવા મળ્યું. રાજકોટમાં મતદારોને રીઝવવા ઠેરઠેર રસોડા શરૂ થયા છે. જ્યાં મફતમાં જમવા લોકોના ટોળેટોળા ઉમટી રહ્યાં છે. આવામાં કોરોના ફરી વકરે તેવી શક્યતા છે. રાજકીય પક્ષો કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય એવી ચર્ચા ઊઠી હતી. જમણવારમાં મોટાભાગના લોકો માસ્ક વગર જ જોવા મળ્યા છે.
રાજકીય પક્ષો દલા તરવાડીની જેમ કરી રહ્યાં છે. જાતે જ નિયમો બનાવે છે, અને જાતે જ તેનું ઉલ્લંઘન કરે છે. જ્યારે વાત પક્ષના કાર્યક્રમોની આવે ત્યારે બધા નિયમો નેવે મૂકાઈ જાય છે. તેની જગ્યાએ કોઈ સામાન્ય માણસો હોય તો પ્રશાસન પણ કાર્યક્રમો બંધ કરતા ખચકાતી નથી.