એક જંગલમાં બે રાજા! ગીર જંગલમાં જોવા મળ્યા દીપડાના ટોળેટોળા, અદભૂત દ્રશ્યો કેદ
જુનાગઢના સાસણના દેવળીયા પાર્કની અદભૂત તસવીરો સામે આવી છે. અહીં પ્રવાસીઓ સિંહ નિહાળવા આવે છે, પરંતું આશ્ચર્ય વચ્ચે પ્રવાસીઓએ સિંહ અને ભાગ્યે જ જોવા મળતા મોટી સંખ્યામાં દીપડા નિહાળવા મળ્યા. પ્રવાસીઓએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યાં છે.
ગુજરાતમાં દીપડાઓની વસ્તી સતત વધી રહી છે, પરંતુ ગીરનું જંગલ દીપડાનું ઘર બન્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પહેલીવાર ગુજરાતમાં રીતે દીપડાઓના ટોળા જોવા મળ્યાં છે.
ગુજરાતમાં જંગલમાં શિકાર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવાના પ્રયાસોની ફળશ્રૂતિએ દીપડાની વસ્તી નોંધપાત્ર વધી ગઇ છે. ગુજરાત વન વિભાગના આંકડા અનુસર ગુજરાતમાં દીપડાની વસ્તી છેલ્લા 12 વર્ષમાં 96 ટકા વધી છે. રાજયમાં વર્ષ 2016માં દીપડાની વસ્તી 1395 હતી, જે વર્ષ 2023માં 2274 થઇ છે. તો ગુજરાતમાં વર્ષ 2011માં 1160 અને વર્ષ 2006માં 1070 દીપડા નોંધાયા હતા. આમ વર્ષ 2011થી 2023 સુધીમાં રાજ્યમાં દીપડાની વસ્તી 96 ટકા વધી છે.
ગુજરાતમાં જિલ્લાવાર દીપડાની વસ્તીની વાત કરીયે તો જુનાગઢમાં સૌથી વધારે છે. જુનાગઢમાં વર્ષ 2016માં દીપડાની વસ્તી 354 હતી, જે વર્ષ 2023માં વધીને 578 પહોંચી ગઇ છે. ત્યારબાદ 257 દીપડા સાથે ગીર સોમનાથ બીજા અને 200 દીપડા સાથે દાહોદ ત્રીજા ક્રમે છે.
ભારતમાં દીપડાની કુલ વસ્તી 13874 (રેન્જઃ 12,616 થી 15,132 ) હોવાનો અંદાજ છે. વર્ષ 2018માં 12852 (12172થી 13,535 વચ્ચે)ની તુલનાએ વસ્તી સ્થિર છે. એટલે કે દિપડાની વસ્તીમાં કોઈ વધ-ઘટ થઈ નથી. આ અંદાજ દીપડાના વસવાટની 70 ટકા આબાદી દર્શાવે છે. દીપડાની ગણતરી સમયે હિમાલય અને દેશના અડધાસુકા વિસ્તારોના નમુના લેવામાં આવ્યાં નથી, કારણ કે, આ વાઘોનું નિવાસ સ્થાન નથી.