સામાન્ય નોકરીથી શરૂઆત કરનાર કીર્તિદાન ગઢવીને લોકોના દિલ સુધી પહોંચતા જરા પણ વાર ન લાગી

Tue, 22 Sep 2020-4:13 pm,

આણંદ જિલ્લાના વાલોળ ગામમાં 23  ફેબ્રુઆરી 1975 ના રોજ કીર્તિદાન ગઢવીનો જન્મ થયો હતો. 12 ધોરણ પાસ કર્યા બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે ખાનગી કોલેજમાં બીકોમનો અભ્યાસ શરૂ કર્યો હતો અને બાદમાં વર્ષ 1995 માં વડોદરાની MS યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ પરર્ફોમિંગ આર્ટ્સ ખાતે સંગીતની તાલીમ લેવાનો નિર્ણય કર્યો હતો. અહીં રાજેશ કેલકર, ભરતભાઇ મહંત, ઈશ્વરભાઈ પંડિત અને દ્વારકાનાથજી ભોંસલે જેવા સંગીત તજજ્ઞો પાસેથી સંગીતના "સા , રે , ગ , મ , પ" શીખ્યા હતા. બાદમાં સિંહોર ખાતે ધોળકિયા મ્યુઝિક કોલેજમાં નોકરી સ્વીકારી હતી. આ દરમિયાન ભાવનગર ખાતે તેઓની મુલાકાત સ્વ. ઇશ્વરદાનભાઇ ગઢવી સાથે થઇ હતી અને બે વર્ષ સુધી તેઓની સાથે અલગ અલગ જગ્યા પર ડાયરાના કાર્યક્રમ કર્યા હતા. રાજકોટ, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકસંગીત અને ડાયરાના કાર્યક્રમો કરી બાદમાં તેઓએ રાજકોટમાં સ્થાયી થવા મન મક્કમ કર્યું હતું.

કીર્તિદાન ગઢવી સંગીત દુનિયામાં આગળ ન વધે તેવું તેમના માતા પિતા ઇચ્છતા હતા. કારણ કે ડાયરાના કલાકારોથી કાયમી ઘર ન ચાલી શકે આ પ્રકારનો ભય સતાવતો હતો. પરંતુ કીર્તિદાન ગઢવી માટે સંગીત એ જ એમની દુનિયા હતી અને તેઓ એ તરફ મન મક્કમ કરી આગળ વધતા ગયા. એક બાદ એક ગામ, શહેર, દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવતા ગયા. કીર્તિદાન ગઢવીએ વર્ષ 2003 માં સોનલબેન સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2006 માં તેઓ રાજકોટમાં સ્થાયી થયા હતા અને આ સમયે તેમનો મોટો પુત્ર કૃષ્ણ માત્ર 8 માસનો હતો. આમ છતાં સોનલબેને ઘરની બધી જવાબદારી ઉઠાવી કીર્તિદાન ગઢવીને સંગીત ક્ષેત્રે આગળ વધવા સંપૂર્ણ સહયોગ કર્યો હતો.   

કીર્તિદાન ગઢવી લોકસંગીતને પણ અલગ અંદાજમાં રજૂ કરી આજની યુવા પેઢીને હૈયે હિલોળા લઇ રહ્યાં છે. ગુજરાતી લોકડાયરો હર હંમેશ માટે યુવાન રહેશે એવું તેઓનું માનવું છે. આજે ગુજરાતનું યુવાધન પણ લોકસંગીત તરફ પ્રેરિત થયું છે તેનું ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ નહિ તેમનું લાડકી સોંગ છે. કીર્તિદાન ગઢવીએ કોક સ્ટુડિયોમાં ‘લાડકી’ ફ્યુઝન સોંગ ગાયું ત્યારે સૌ કોઈ આશાસ્પદ હતા અને ગણતરીના દિવસોમાં જ આ ગીત એટલું પ્રચલિત થયું કે સૌ કોઈ લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો. 

કીર્તિદાન ગઢવીએ એક પ્રસંગ વાગોળતા કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં તેઓનો કાર્યક્રમ હતો અને આ સમયે એક ગુજરાતી પરિવારે તેમને ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું. આ પરિવારની માત્ર 8 માસની માસૂમ દીકરી લાડકી સોંગ સાંભળ્યા બાદ સૂતી હતી અને અચાનક તેના મૃત્યુ બાદ પરિવારની ઈચ્છા હતી કે તેના ફોટા સામે દિપ પ્રગટાવી આ ગીત ગાશે તો તેમની દીકરીને મોક્ષ મળી જશે. એ સમયે લાડકી ગીત ગાવાની શરૂઆત કરતા સાથે આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.

કીર્તિદાન ગઢવી માટે સંગીત એ દુનિયા છે. દુનિયામાં એક બાદ એક ડગ આગળ વધતા દેશ અને દુનિયામાં નામના મળ્યા બાદ વર્ષ 2018 માં તેમના ઘરે બીજા પુત્રનો જન્મ થયો હતો. સંગીતની દુનિયામાં હૃદય એટલે કે રાગ હોય છે. આ માટે જ કીર્તિદાન ગઢવીએ તેમના બીજા પુત્રનું નામ "રાગ" રાખ્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link