Ambalal Patel: ભુક્કા કાઢતો વરસાદ ગુજરાતમાં ક્યાં ખોવાયો? હવે ધોધમાર વરસાદ પડશે કે કેમ? જાણો નવી આગાહી
હાલ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વાદળા ઘેરાયા છે. જોકે, અમદાવાદમાં વરસાદની શક્યતા નહીંવત છે. હવામાન વિભાગના ડાયરેક્ટ ડો.મનોરમા મોહન્તીએ જણાવ્યું કે, હાલ ભલે વાદળછાયુ વાતાવરણ હોય પણ અમદાવાદમાં વરસાદની સંભાવના નથી. શહેરના કેટલાંક વિસ્તારોમાં ખાલી સામાન્ય વરસાદી છાટાં પડી શકે છે. પણ ભારે વરસાદની કોઈ સંભાવના હાલ નથી.
આગામી પાંચથી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સંભાવનાઓ નથી. ત્યારે એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની હતી તે ઉત્તર-પશ્ચિમ તરફ રવાના થઈ ગઈ છે જેની રાજ્ય પર સામાન્ય અસર જોવા મળી હતી. રાજ્યમાં આગામી દિવસો દરમિયાન કેવો વરસાદ રહેશે અને ક્યાં રહેશે તે અંગે પણ વિગતો આપી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર, મનોરમા મોહન્તીએ જણાવાયુ છે કે, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી ચાર દિવસ વાતાવરણ કોરું જ રહેશે. એટલેકે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી. કેટલાંક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદને બાદ કરતા વાતાવરણ સાવ કોરું જ રહેશે. વધુમાં તેમણે જણાવ્યુંકે, જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વધારે વરસાદ નહીં થાય. એકાદ બે જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે.
23મી ઓગસ્ટના રોજ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે.
24મી તારીખે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે.
અંબાલાલ પટેલે પણ વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું છેકે, વરસાદી સિસ્ટમ મંદ પડી છે. જોકે, 25 ઓગસ્ટ બાદ ફરી એકવાર વરસાદની સિસ્ટમ એક્ટીવ થતી જણાઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. પરંતુ હાલ પુરતો અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદે વિરામ લઈ લીધો છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. જેમાં હવામાન વિભાગે હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં ભારે વરસાદની કે માછીમારો માટેની કોઈ વોર્નિંગ કે એલર્ટ આપવામાં આવ્યા નથી. ગુજરાતમાં સિઝનનો 24 ટકા વધુ વરસાદ થયો છે.