Vocal for Local : 70 કિલોનો વ્યક્તિ પણ ચાલે તો પણ તૂટે નહિ તેવા માટીના ફટાકડા બનાવાયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના સૂત્ર સ્વદેશી વસ્તુ અપનાવો દેશ બચાવો એટલે કે લોકલ ફોર વોકલના અભિયાનને વેગવંતુ બનાવવા દેશભરમાંથી પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે વડોદરાના પ્રજાપતિ સમાજનું એક નવું અભિયાન જોવા મળ્યું છે. પરિવાર ફાઉન્ડેશન દ્વારા માટી ઉદ્યોગને વેગ મળે તે માટે વિસરાઈ ગયેલું દેશી દારૂખાનું એટલે કે માટીના ફટાકડા (crackers) બનાવવામાં આવ્યા છે.
જેમાં માટીની કોઠી, કાગળ ની ભોંય ચકરડી, અને વાંસની હાથ છડી, પોપઅપ, ભોંય ફટાકડા સહિતની વસ્તુઓ માટી ઉદ્યોગકારો પાસે બનાવવામાં આવી છે અને તે ફટાકડા માર્કેટમાં વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
પરિવાર ફાઉન્ડેશનના નિતલ ગાંધી દ્વારા 6 માસના રિસર્ચ બાદ ફટાકડા તૈયાર કરાયા છે. લોકોમાં પણ માટીના ફટાકડાને લઈ ઉત્સુકતા પણ જોવા મળી રહી છે. સામાન્ય ફટાકડા કરતા માટીના ફટાકડા સુરક્ષિત છે. 70 કિલોનો વ્યક્તિ પણ માટીના ફટાકડા ઉપર ચાલે તો તે કોઠી તૂટતી નથી. એટલે કે તે એકદમ સુરક્ષિત છે.
માટીના ફટાકડાની ખાસિયત એવી છે કે, તે ફાટશે નહિ. માટી ઉદ્યોગને વેગ મળશે તો ઇકો ફ્રેન્ડલી દિવાળી પણ થશે. વડોદરાના લોકો મોટી સંખ્યામાં માટીના ફટાકડા ખરીદવા પહોંચી રહ્યા છે. પરિવાર ફાઉન્ડેશન દ્વારા આ ફટાકડા વેચી તેનો નફો સમાજ સેવામાં વાપરવામાં આવશે.