લોકસભા ચૂંટણી 2019: જૂઓ કયા જાણીતા ચહેરા આ ચૂંટણીમાં જોવા નહીં મળે
ભારતીય જનતા પાર્ટીમાં સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ પદે રહેલા એલ.કે. અડવાણીએ પાર્ટીના ઉદયમાં સૌથી મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમને આ વખતે લોકસભા ચૂંટણી લડવા માટે ટિકિટ અપાઈ નથી. 91 વર્ષના એલ.કે. અડવાણીએ લોકસભામાં 2 સભ્યો ધરાવતી પાર્ટીને સત્તા સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ 1998થી લોકસભા ગુજરાતની રાજધાની ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડતા આવ્યા છે. આ વખતે તેમને ટિકિટ નહીં આપીને પાર્ટીના વર્તમાન અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર ખાતેથી ચૂંટણી લડી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે, એક સમયે અડવાણીની ગાંધીનગરની ચૂંટણીની જવાબદારી અમિત શાહના શીરે રહેતી હતી.
વર્તમાન સરકારમાં વિદેશ મંત્રીનું પદ ભોગવી રહેલા અને એક સફળ વિદેશ મંત્રી તરીકે સાબિત થયેલા સુષમા સ્વરાજે લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં જ નવેમ્બર, 2018માં જાહેરાત કરી દીધી હતી કે તેઓ આગામી 2019ની લોકસભા ચૂંટણી નહીં લડે. સુષમાએ જણાવ્યું હતું કે, "મેં આગામી લોકસભા ચૂંટણી ન લડવાનું મન બનાવી લીધું છે. મારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે." ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓમાંના એક એવા 66 વર્ષના સુષમા સ્વરાજે 2016માં કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી દ્વારા 75 વર્ષથી મોટી ઉંમરના નેતાઓને ચૂંટણી માટેની ટિકિટ ન આપવાનો નિર્ણય લેવાયો હતો. આથા, પાર્ટીના સંસ્થાપક અને ભૂતપૂર્વ અધ્યક્ષ એવા મુરલી મનોહર જોશીને પણ આ વખતે ટિકિટ અપાઈ નથી. 85 વર્ષના મુરલી મનોહર જોશીએ 2014માં કાનપુર ખાતેથી લોકસભા ચૂંટણી લડી હતી અને તેમણે વડાપ્રધાન મોદી માટે 2014માં વારાણસીની બેઠક ખાલી કરી હતી.
મધ્યપ્રદેશના પોરીથી સાંસદ એવા ભૂવન ચંદ્ર ખંડૂરીએ પણ આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને 2019ની લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના એક સમયના ફાયર બ્રાન્ડ નેતા એવા ઉમા ભારતીએ પણ 2018માં જ જાહેરાત કરી દીધી હતી કે તેઓ આગામી 2019ની લોકસભાની ચૂંટણી નહીં લડે. તેમણે પણ ચૂંટણી ન લડવા પાછળનું કારણ તબિયતને જણાવ્યું છે. ઉમા ભારતીએ જણાવ્યું હતું કે, "હું મારો વધુને વધુ સમય ગંગા નદીના સ્વચ્છતા અભિયાન પાછળ ગાળવા માગું છું. જોકે, લોકસભા ચૂંટણીના પ્રચાર માટે હું ઉપલબ્ધ રહીશ અને ભાજપ દ્વારા જે કોઈ જવાબદારી સોંપવામાં આવશે તે કરતી રહીશ."
મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી સળંગ 8 વખતથી સાંસદ તરીકે ચૂંટાતા રહેલા સુમિત્રા મહાજને જ્યારે ભાજપ દ્વારા ઇન્દોરના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત કરવામાં સમય લેવામાં આવ્યો ત્યારે તેમણે પણ જાહેરાત કરી કે, તેઓ હવે ચૂંટણી લડવા માગતા નથી. ભાજપે 75 વર્ષથી મોટી ઉંમરના નેતાઓને ચૂંટણીની ટિકિટ ન આપવાનો નિર્ણય લીધો હોવાને કારણે 76 વર્ષના સુમિત્રા મહાજનને એ ચિંતા હતી કે પાર્ટી તેમને ટિકિટ આપશે કે નહીં આપે. પાર્ટી દ્વારા પણ આ બેઠક માટે યોગ્ય સમય સુધીમાં ઉમેદવારની જાહેરાત કરવામાં ન આવતાં અને તેમનો કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવામાં ન આવતા તેમણે સ્વેચ્છાએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, "પાર્ટીમાં અસમંજસની સ્થિતી હતી. આથી પાર્ટી તેમની મરજીનો ઉમેદવાર પસંદ કરી શકે તેના માટે હું સ્વેચ્છાએ આગામી લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરું છું."
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(NCP)ના સ્થાપક અને અધ્યક્ષ એવા શરદ પવારે પણ માર્ચ, 2019માં જાહેરાત કરી દીધી હતી કે તેઓ આગામી લોકસભા ચૂંટણી નહીં લડે. 78 વર્ષના ભારતીય રાજકારણના અઠંગ ખેલાડી એવા શરદ પવારે કહ્યું હતું કે, "હું 14 વખત ચૂંટણી જીતી ચૂક્યો છું, આથી હવે આ વખતે મેં ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. પરિવારમાં બે લોકો ચૂંટણી લડતા હોય ત્યારે એક વ્યક્તિએ બેસી જવું જોઈએ અને આથી મેં નિર્ણય લીધો છે કે હવે યુવાનોને તક આપવી જોઈએ. મને લાગે છે કે, ચૂંટણી ન લડવાનો નિર્ણય લેવાનો આ સાચો સમય છે." જોકે, આ અગાઉ તેમણે એવી જાહેરાત કરી હતી કે તેઓ મહારાષ્ટ્રની માધા બેઠક પરથી ચૂંટણી લડશે.