Captain Vikram Batra ની અદભૂત લવ સ્ટોરી, કારગિલ યુદ્ધમાં થયા હતા શહીદ
કેપ્ટન વિક્રમ બત્રા જ્યારે પંજાબ યુનિવર્સિટીથી ઈંગ્લિશ વિષયમાં એમએ કરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત તેમના પ્રેમ સાથે થઈ. પહેલા મિત્રતા થઈ અને ત્યારબાદ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. બંનેએ એક બીજા સાથે લગ્ન કરવાના અને જીવન વિતાવવાના વાયદા આપ્યા હતા.
કેપ્ટન વિક્રમ બત્રાના પિતા જીએલ બત્રાએ જણાવ્યું કે કેપ્ટન વિક્રમ બત્રાએ ઘરમાં તેની પસંદ અંગે બધાને જણાવી દીધુ હતું કે તેમના માટે છોકરી ન ગોતવામાં આવે. તેઓ જ્યારે પણ લગ્ન કરશે ત્યારે તે તેમની ખાસ મિત્ર સાથે લગ્ન કરશે. પરિવારે પણ કેપ્ટન વિક્રમ બત્રા અને તેમની મિત્ર સાથે વાતચીત કરીને આ વાતનું આશ્વાસન મેળવી લીધુ હતું કે બંને એક બીજા પ્રત્યે 100 ટકા સમર્પિત છે. પરિવારે નિર્ણય લીધો હતો કે જ્યારે કેપ્ટન વિક્રમ બત્રા કારગિલ યુદ્ધમાંથી પાછા ફરશે ત્યારે તેમના લગ્ન કરી નાખવામાં આવશે.
પરંતુ નિયતિને કઈ બીજુ જ મંજૂર હતું. કપ્ટન વિક્રમ બત્રા જ્યારે કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયા ત્યારે તેમની ઉંમર 25 વર્ષ હતી. માતા પિતા તેમના લગ્નની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ કેપ્ટન વિક્રમ બત્રા તિરંગાના કફનમાં લપેટાઈને પાછા આવ્યા. કેપ્ટન વિક્રમ બત્રાની શહાદત બાદ તેમની પ્રેમિકા તેમને અંતિમ વિદાય આપવા માટે પાલમપુર આવી. અહીં કેપ્ટન વિક્રમ બત્રાના માતા પિતાએ પહેલીવાર તે યુવતી સાથે મુલાકાત કરી અને અહી તે યુવતીએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો કે તે વિક્રમ બત્રાની શહાદત બાદ હવે કોઈની પણ સાથે લગ્ન કરશે નહીં. માત્ર 22 વર્ષની ઉંમરે યુવતી માટે આખુ જીવન એકલા જીવવાનો નિર્ણય લેવો તે સરળ નહતું.
કેપ્ટન વિક્રમ બત્રાના પિતા જીએલ બત્રા બંનેના પ્રેમને સાચો પ્રેમ ગણાવે છે. જેની મિસાલ આજકાલના જમાનામાં મળતી નથી. શહીદના પિતાએ જણાવ્યું કે આજ સુધી તે યુવતીએ લગ્ન કર્યા નથી. તેણે નિર્ણય લીધો છે કે તે હવે આખું જીવન વિક્રમ બત્રાની યાદોને સહારે પસાર કરશે.
એવું નથી કે પરિવારે દબાણ નથી કર્યું. કેપ્ટન વિક્રમ બત્રાના માતા પિતાએ તે યુવતીને ખુબ સમજાવી. ફરીથી લગ્ન કરી લેવાનો આગ્રહ કર્યો પરંતુ કોઈ ભલામણ, કોઈ પણ દબાણ યુવતી પર કામ ન કર્યું. કેપ્ટન વિક્રમ બત્રાને હંમેશા પોતાના મનમાં વસાવી ચૂકેલી આ યુવતીની પ્રતિજ્ઞાને કોઈ તોડી શક્યું નહીં. તેમણે કેપ્ટન વિક્રમ બત્રાના માતાપિતાને કહ્યું કે તે કોઈની પણ સાથે લગ્ન કરી શકે તેમ નથી. તેનું આખું જીવન હવે કેપ્ટન વિક્રમ બત્રાની યાદોને જ સમર્પિત છે.
તે યુવતી નહતી ઈચ્છતી કે તેમની તસવીર દુનિયા સામે આવે એટલે અમે આ રિપોર્ટમાં તેમનું નામ અને ઓળખ જણાવી નથી. આજે કારગિત યુદ્ધને 22 વર્ષ પૂરા થયા. કેપ્ટન વિક્રમ બત્રાની શહાદતને પણ 22 વર્ષ થયા. ભલે કેપ્ટન વિક્રમ બત્રાની પ્રેમ કહાની અધૂરી રહી ગઈ પણ તેમના પ્રેમની પ્રતિજ્ઞા, સમર્પણ અને બલિદાને તેમની પ્રેમ કહાનીને હંમેશા માટે અમર બનાવી દીધી છે. દેશ માટે પોતાનું બધુ ન્યોછાવર કરવાનો જુસ્સો ધરાવતા યુવા કારગિલ યુદ્ધમાં કેપ્ટન વિક્રમ બત્રાની વીરતા અને સાચા પ્રેમની કહાનીથી હંમેશા પ્રેરણા લેતા રહેશે.