વડોદરામાં હાર્દિક પંડ્યાના રોડ શોમાં ભીડ બેકાબૂ થતા રેલિંગ તૂટી, યુવતી ઘાયલ
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા રોડ શોમાં હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. રોડ શોમાં રેલિંગ તૂટતા યુવતી ઈજાગ્રસ્ત થઈ હતી. નવલખી સોલાર પેનલ નીચે પબ્લિકના ઘસારામાં રેલીંગ તૂટી પડી હતી. રેલીંગ પર ઉભા રહેલા તમામ લોકો રેલીંગ સાથે નીચે પડ્યા હતા. રેલીંગ તૂટતા યુવતીને પગમાં અને કમરમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે યુવતીને સારવાર માટે લઈ જવાઈ હતી.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આજે ટી20 વર્લ્ડકપમાં જીત બાદ સૌપ્રથમ વખત વતન વડોદરામાં આવી પહોંચ્યો છે. ઓપન બસમાં હાર્દિક પંડ્યા, ભાઈ કૃણાલ પંડ્યા અને માતા નલિની પંડ્યા સાથે જોવા મળ્યા. આ માહોલ જોઈને લોકોને મુંબઈની વિક્ટરી રેલી યાદ આવી ગઈ.
હાર્દિક પંડ્યાની ઝલક મેળવવા મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ઉમટી પડ્યા છે. માંડવી વિસ્તારમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. ટી 20 ક્રિકેટ વિશ્વ કપ (ICC Men’s T20 World Cup) જીત્યા બાદ ભારતીય ટીમના પ્લેયર અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનું વડોદરા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.
વડોદરામાં ક્રિકેટર હાર્દિક પંડ્યાના ભવ્ય સ્વાગતની તૈયારી કરાઈ છે. ટી 20 વિશ્વ કપ જીત્યા બાદ પહેલીવાર વડોદરા આવ્યો છે હાર્દિક પંડ્યા. ત્યારે ઓપન ડબલ ડેકર બસમાં હાર્દિક પંડ્યાનો રોડ શો નીકળ્યો છે. બસની ચારે બાજુ હાર્દિક પંડ્યાના પોસ્ટર લગાવાયા છે. ક્રિકેટપ્રેમીઓમાં બસ આકર્ષણનું કેન્દ્ર બની છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં રોડ શોને લઈ પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. કેટલા રસ્તાઓ બંધ રહેશે તેના વિશે જાણકારી આપી હતી.
હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા મૂળ વડોદરાના ક્રિકેટર્સ છે. બંને ભાઈઓનો વડોદરા પ્રત્યેનો પ્રેમ અનેરો છે. તેઓ સમયાંતરે વડોદરા આવતા રહે છે.