અમદાવાદથી રેલવે મુસાફરી કરનારા ખાસ જાણી લે આ અપડેટ, ડાયવર્ટ કરાઈ 47 ટ્રેન, નહિ તો પડશે ધક્કો
નવનિર્માણની કામગીરીને લીધે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી 47 ટ્રેનને અન્ય સ્ટેશન પર ડાઈવર્ટ કરાશે. આગામી દિવસોમાં તેને ઉચ્ચકક્ષાએથી મંજુરીની મહોર લાગ્યા બાદ તબક્કાવાર ટ્રેનો વિવિધ સ્ટેશને ટ્રાન્સફર કરાશે.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ હાથ ધરવામાં આવ્યું. ઉત્તરાયણ પછી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7થી 9 બંધ કરવામાં આવશે. જેના કારણે કાલુપુરથી ઉપડતી ટ્રેનો સાબરમતી, મણિનગર, અસારવા, વટવા ખાતે શિફ્ટ કરવામાં આવશે. જ્યારે કેટલીક ટ્રેનો કાલુપુર સ્ટેશનને બદલે સાબરમતી અને મણિનગર સ્ટેશને ઊભી રહેશે. અમુક હોલિડે સ્પેશિયલ ટ્રેન બંધ કરવામાં આવે તેવી શક્યતા છે. કર્ણાવતી, ડબલ ડેકર, વડોદરા ઈન્ટર સિટી મણિનગર ખાતે શિફ્ટ કરાશે. એક્સપ્રેસ ટ્રેનોને વટવા સ્ટેશને જ અટકાવી દેવાશે.
જ્યારે અમદાવાદથી પસાર થતી 37 ટ્રેનને મણિનગર, સાબરમતી સ્ટેશન પર ડાયવર્ટ કરીને વૈકલ્પિક વ્યસ્થા ગોઠવવાની કવાયત રેલવે વિભાગે હાથ ધરી છે. જોકે હજુ વિવિધ ટ્રેનને જેતે સ્ટેશન પર ડાઈવર્ટ કરવાનું પ્રાથમિક આયોજન જ કરાયું છે. આગામી દિવસોમાં તેને ઉચ્ચકક્ષાએથી મંજુરીની મહોર લાગ્યા બાદ તબક્કાવાર ટ્રેનો વિવિધ સ્ટેશને ટ્રાન્સફર કરાશે.
અમદાવાદ રેલવે સ્ટેશનના નવીનીકરણની વાતો વચ્ચે અમદાવાદ રેલવે વિભાગે 36 મહિનામાં રીડેવલોપમેન્ટનું કામ પૂરું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દિલ્લી, મુંબઇ સહિતના એરપોર્ટને ટક્કર મારશે તેવું અમદાવાદનું નવું રેલવે સ્ટેશન બનશે. અમદાવાદનું નવનિર્મિત રેલવે સ્ટેશન મોઢેરા સૂર્યમંદિરની થીમ પર બનશે.
ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન એટલે કાલુપુર રેલવે સ્ટેશન. જેની આગામી વર્ષોમાં આ રેલવે સ્ટેશનની કાયાપલટ થવાની છે. કારણ કે આ રેલવે સ્ટેશન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અદ્યતન સુવિધાથી સજ્જ રેલવે સ્ટેશનમાં ફેરવાઇ જશે. દેશભરમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આવા 1 હજાર 275 રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે પસંદ કરાયા છે. જેમાં ગુજરાતના 87 રેલવે સ્ટેશનનો સમાવેશ છે. અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસના કામનો પ્રારંભ થઇ ગયો છે. રિડેવલપમેન્ટનું કામ 36 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.