કચ્છની ધરતી ફરી એકવાર સોનાની સાબિત થઈ, ડાયનાસોર કરતા પણ મોટા કદનો સાપ મળ્યો

Sat, 20 Apr 2024-6:52 pm,

કચ્છની જમીન ફરી એકવાર સોનાની સાબિત થઈ છે. આ ધરતી પર કરોડો વર્ષો જૂનો ધરબાયેલો ઈતિહાસ હવે બહાર આવી રહ્યો છે. કચ્છની જમીન ભલે બંજર લાગતી હોય, પરંતું તેમાં એવો ઈતિહાસ છુપાયેલો છે જે જાણીને આશ્ચર્ય પામી જવાય. અહીં વૈજ્ઞાનિકોએ સંશોધનમાં સાપની કરોડરજ્જુના 27 જેટલા અવશેષો બહાર કાઢવામાં આવ્યા છે અને તેને વાસુકી ઇન્ડિકસ નામ આપવામાં આવ્યું છે. ઓડિશાની રૂરકી IITના બે નિષ્ણાત સંશોધકો દેબાજીતે દત્તા અને સુનીલ બાજપાઈ દ્વારા કચ્છના પાન્ધ્રોમાં લિગ્નાઈટ ખાણમાંથી વાસુકીના અવશેષો મળ્યાં હોવાનું જાહેર કરતું એક સંશોધન સાયન્સ જર્નલ ‘સાયન્ટીફિક રીપોર્ટસ’ માં પ્રગટ કરવામાં આવતાં સમગ્ર- વિશ્વનું આ બાબતે ધ્યાન ખેંચાયું છે. આ બંને પેલિઓન્ટોલોજીસ્ટ ભૂતકાળમાં નામશેષ થઈ ગયેલી સજીવસૃષ્ટિના અશ્મિઓને ખોદકામ કરીને શોધી, તેનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ-કરી લાખો કરોડો વર્ષ પૂર્વે કેવા પ્રકારની સજીવસૃષ્ટિ વિકસેલી હશે તેનો અભ્યાસ કરે છે.

આ અંગે વધુ માહિતી આપતા કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના હેડ ડૉ. સુભાષ ભંડારીએ જણાવ્યું હતું કે, વર્ષ 2005માં દેબાજીત દત્તા અને સુનીલ બાજપાઈને કચ્છના પાનધ્રો લિગ્નાઈટ ખાણમાંથી વાસુકી નાગના 27 જેટલા અવશેષ કરોડરજ્જુના મળી આવ્યા છે. આ અવશેષોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતાં તેઓ એ તારણ પર આવ્યાં છે કે આ અવશેષો અંદાજે 47 મિલિયન વર્ષ અગાઉ પૃથ્વી પર વિચરતાં મહાકાય વાસુકી સાપના હોવાનું સામે આવ્યું છે. 

વાસુકીનું નામ હિંદુ દેવતા શિવ સાથે સંકળાયેલા સાપના રાજાના નામ પરથી રાખવામાં આવ્યું છે. વાસુકી સાપ કદમાં એટલું મોટું છે કે તે વર્ષ 2009માં કોલંબિયામાં કોલસાની ખાણમાંથી મળી આવેલા ટિટનોબોઆ નામના બીજા વિશાળ પ્રાગૈતિહાસિક સાપને ટક્કર આપે છે. ટિટનોબોઆ અંદાજિત 42 ફૂટ લાંબો હોવાનું અનુમાન છે.જે 60 મિલિયન વર્ષો પહેલા જીવ્યા હતા. વાસુકીના મળી આવેલા અવશેષો પરથી આગામી સમયમાં આવા સાપોની રહેણીકરણી કેવી હતી, શું ખોરાક હતો, કંઈ રીતે શિકાર કરતા હતા. ક્યાં પ્રકારના વાતાવરણમાં રહેતા હતા વગેરે જેવી માહિતી પર સંશોધન કરવામાં આવશે.  

ગુજરાતમાં દુનિયાના સૌથી મોટા સાપના જીવાષ્મી મળી આવ્યા છે. જેનું કદ કદાચ એક સ્કૂલ બસ જેટલું હોઈ શકે છે. ભારતના વૈજ્ઞાનિકોએ એક મોટી અને અદભૂત શોધ કરી છે. લગભગ 50 મિલિયન વર્ષો પહેલા ભારતમાં એક સાપ ફરતો હતો જે બસ કરતા લાંબો હતો. આ સાપ એટલો વિશાળ હતો કે આજના સૌથી મોટા અજગર અને એનાકોન્ડા પણ તેની સામે બાળકો જેવા દેખાતા હશે. વૈજ્ઞાનિકોએ તેને 'વાસુકી ઈન્ડીકસ' નામ આપ્યું છે. જેને આપણે વાસુકી નાગ તરીકે ઓળખીએ છીએ.

2005 માં, ઉત્તરાખંડના રૂરકીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ના વૈજ્ઞાનિકોને ગુજરાતના કચ્છમાં કોલસાની ખાણમાંથી 27 મોટા હાડપિંજરના ટુકડા મળ્યા હતા. કેટલાંક હાડકાં એક સાથે જોડાયેલાં પણ જોવા મળ્યાં હતાં. ત્યારથી અત્યાર સુધી આ અવશેષોને વિશાળ મગર જેવા જીવના અવશેષો માનવામાં આવતા હતા. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે તે ખરેખર વિશ્વમાં જોયેલા સૌથી મોટા સાપમાંનો એક હતો. અભ્યાસ જણાવે છે કે અલગ અલગ મળેલા આ હાડપિંજરના ટુકડાઓ સંપૂર્ણ વિકસિત પુખ્ત સાપના છે. 

રસપ્રદ વાત એ છે કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સાપની ઉત્પત્તિ ભારતમાં જ થઈ હોવી જોઈએ. લાખો વર્ષો પહેલા, આ સાપની પ્રજાતિ દક્ષિણ યુરેશિયા થઈને ઉત્તર આફ્રિકા પહોંચી હશે. આ સાપ એવા સમયે રહેતા હતા જ્યારે પૃથ્વીનું વાતાવરણ ગરમ હતું, એટલે કે સરેરાશ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હશે. આટલો મોટો સાપ ફક્ત આવા ગરમ વાતાવરણમાં જ જીવી શકે છે. આ રિપોર્ટ લુપ્ત થઈ ગયેલા સાપ 'Madtsoideae'ના વિશેષ જૂથ વિશે છે. એવો દાવો કરવામાં આવે છે કે લગભગ 100 મિલિયન વર્ષો પહેલા ક્રેટેસિયસ સમયગાળાના અંતથી પ્લેઇસ્ટોસીન સમયગાળા સુધી આ સાપ પૃથ્વી પર જોવા મળ્યા હતા. તેઓ મુખ્યત્વે ગોંડવાના ખંડમાં રહેતા હતા (ખૂબ જૂનો ખંડ જે પાછળથી અલગ ખંડોમાં તૂટી ગયો હતો). ક્રેટેસિયસના અંતના સમયગાળા દરમિયાન, આ સાપ મેડાગાસ્કર, દક્ષિણ અમેરિકા, ભારત, આફ્રિકા અને યુરોપના દ્વીપસમૂહમાં જોવા મળ્યા હતા. પરંતુ પછીના સમયમાં તેઓ માત્ર ઉત્તર આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ભારત અને ઓસ્ટ્રેલિયા પૂરતા જ મર્યાદિત રહ્યા.

મેડસોઇડી સાપ પ્રાચીન સમયમાં પૃથ્વી પર જોવા મળતા હતા. હવે તેમના અવશેષો વિવિધ ખંડોમાં જોવા મળે છે. વૈજ્ઞાનિકો એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે આ સાપ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે પહોંચ્યા, કેવી રીતે ફેલાય અને અમુક જગ્યાએ કેવી રીતે લુપ્ત થઈ ગયા. હવે આ નવા સાપ 'વાસુકી ઇન્ડિકસ'ની શોધ સાથે આ રહસ્ય વધુ જટિલ બની ગયું છે.

અગાઉના અંદાજો સૂચવે છે કે વાસુકી 10.9 મીટર અને 12.2 મીટરની વચ્ચે ઊંચો હશે. બીજી પદ્ધતિના આધારે, એવો અંદાજ છે કે તેની લંબાઈ 14.5 મીટરથી 15.2 મીટરની વચ્ચે હશે. જો કે, આ પરિણામોને સંપૂર્ણપણે સાચા ગણી શકાય નહીં. કારણ કે વૈજ્ઞાનિકોને કરોડરજ્જુના કેટલાક ભાગો મળ્યા નથી. ઉપરાંત, તે જાણી શકાયું નથી કે મેડસોઇડ સાપની કરોડરજ્જુમાં કેટલો તફાવત હતો તેથી અત્યાર સુધીનું અનુમાન છે કે વાસુકી ઇન્ડિકસ એક વિશાળ સાપ હતો અને તે અત્યાર સુધીના સૌથી મોટા સાપમાંનો એક હતો.

વૈજ્ઞાનિકોએ અવલોકન કર્યું કે વાસુકી ઇન્ડિકસના કરોડરજ્જુના હાડકાં ટાઇટેનોબોઆ (જેને અત્યાર સુધીનો સૌથી મોટો સાપ માનવામાં આવે છે) ના હાડકાં કરતાં થોડો નાનો છે. તેમ છતાં તેમની ગણતરી મુજબ વાસુકી ઇન્ડિકસની લંબાઈ ટિટાનોબોઆ કરતા વધારે હશે.

મેડસોઇડી સાપ ભારતના એક જૂના મેડસોઇડિયા સાપ અને ઉત્તર આફ્રિકામાં જોવા મળતા એક પ્રકારના સાપ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આનાથી પ્રશ્ન થાય છે કે શું લાખો વર્ષો પહેલા ભારત અને આફ્રિકા વચ્ચે ખરેખર કોઈ જમીની માર્ગ હશે જેના દ્વારા આ સાપ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે? આ સંશોધનો બાદ હવે નવી ચર્ચાઓ જાગી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link