D Roopa: એક મુખ્યમંત્રીની ધરપકડ કરનારા IPS ઓફિસર, તેમનું નામ સાંભળીને ભલભલા બદમાશોના ટાંટિયા ધ્રુજે છે
ડી રૂપા કર્ણાટક કેડરના વર્ષ 2000ની બેચના આઈપીએસ અધિકારી છે અને હોમ ગાર્ડ એન્ડ એક્સ ઓફિસિઓ એડિશનલ જનરલ, સિવિલ ડિફેન્શમાં એડિશનલ કમાન્ડેન્ટના પદ પર કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ટ્રાફિક એન્ડ રોડ સેફ્ટી વિભાગમાં કમિશનર અને કર્ણાટક જેલ વિભાગમાં ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલનો પદભાર પણ સંભાળી ચૂક્યા છે. ડી રૂપા દેશના પહેલા મહિલા પોલીસ અધિકારી છે જેમને 2013માં પોલીસ ડિવિઝનમાં સાઈબર ક્રાઈમની કમાન સોંપવામાં આવી હતી. ડી રૂપાની ઓળખ એક કડક પોલીસ અધિકારી તરીકે થાય છે. બદમાશો તેમના નામથી થર થર કાંપે છે.
ડી રૂપાનો જન્મ કર્ણાટકના દેવણગેરેમાં થયો હતો અને તેમનો શરૂઆતનો અભ્યાસ પણ ત્યાં થયો. તેમના પિતા જે એસ દિવાકર એક એન્જિનિયર હતા જે હવે રિટાયર થઈ ગયા છે. ડી રૂપિાએ કુવેન્પુ યુનિવર્સિટી (Kuvempu University) થી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેમણે બેંગ્લુરુ યુનિવર્સિટીથી સાઈકલોજીમાં એમએ કર્યું. એમએ બાદ તેમણે નેટ-જેઆરએફની પરીક્ષા પાસ કરી અને સાથે સાથે યુપીએસસીની તૈયારીઓ પણ કરી.
ડી રૂપાએ 24 વર્ષની ઉંમરે યુપીએસસી પરીક્ષા પાસ કરી અને ઓલ ઈન્ડિયા 43મો રેંક મેળવ્યો. ત્યારબાદ તેમની પાસે આઈએએસ બનવાની તક હતી પરંતુ તેમણે પોલીસ સેવાની પસંદગી કરી. કારણ કે તેમનું સપનું આઈપીએસ ઓફિસર બનવાનું હતું.
ડી રૂપાની ઓળખ એક કડક પોલીસ અધિકારી તરીકે થતી હતી અને તેઓ એક તત્કાલિન મુખ્યમંત્રીની પણ ધરપકડ કરી ચૂક્યા છે. વર્ષ 2004માં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ઉમા ભારતી વિરુદ્ધ 10 વર્ષ જૂના કેસમાં બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પડ્યું હતું. વાત જાણે એમ હતી કે 15 ઓગસ્ટ 1994ના રોજ કર્ણાટકના હુમબલીમાં ઉમા ભારતીએ એક ઈદગાહમાં તિરંગો ફરકાવ્યો હતો અને ત્યારબાદ તેમના પર સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનો આરોપ લાગ્યો હતો. હુબલી કોર્ટથી વોરન્ટ જાહેર થયું તે સમયે ડી રૂપા કર્ણાટકના ધારવાડ જિલ્લાના એસપી હતી અને વોરન્ટ મળતા જ તેઓ મુખ્યમંત્રી ઉમા ભારતીની ધરપકડ કરવા માટે મધ્ય પ્રદેશ રવાના થયા હતા. જો કે ધરપકડ થઈ તે પહેલા જ ઉમા ભારતીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.
વર્ષ 2017માં જયલલિતાની પાર્ટી એઆઈએડીએમકેના નેતા વી કે શશિકલા જેલમાં હતા ત્યારે ડી રૂપા જેલ વિભાગમાં ડીઆઈજીના પદ પર પોસ્ટેડ હતા. તેમણે તે જેલની મુલાકાત લીધી જ્યાં શશિકલાને રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ડી રૂપાએ એક રિપોર્ટ સમબિટ કર્યો જેમાં આરોપ હતો કે શશિકલાને જેલમાં વીઆઈપી ટ્રિટમેન્ટ આપવામાં આવે છે. તેમણે શશિકલાને પાંચ જેલના રૂમ બરાબરનો વરન્ડો અને એક અલગ કિચન ફાળવી આપ્યું હોવાનો ખુલાસો કર્યો હતો. રૂપાએ આરોપ લગાવ્યો હતો કે આ બધી સુવિધાને બદલે જેલ અધિકારીઓને 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
આઈપીએસ ઓફિસર હોવાની સાથે સાથે ડી રૂપામાં અન્ય પ્રતિભા પણ છે. તેઓ એક સારા ભરતનાટ્યમ ડાન્સર છે અને ભારતીય સંગીતની ટ્રેનિંગ પણ લીધી છે. તેમણે બયાલાતાડા ભીમઅન્ના નામની કન્નડ ફિલ્મમાં એક પ્લેબેક સિંગર તરીકે ગીત પણ ગાયુ છે. આ ઉપરાંત ડી રૂપા શાર્પ શૂટર પણ રહી ચૂક્યા છે અને શૂટિંગમાં અનેક પુરસ્કાર પણ જીત્યા છે.