મળો આ ગુજરાતની પેડ ગર્લને, ગરીબ યુવતીઓ માટે શરૂ કર્યું આ અભિયાન

Thu, 14 Mar 2019-9:56 am,

બોલીવુડના સુપર સ્ટાર અક્ષયકુમારની પેડમેન ફિલ્મ રજૂ થયા બાદ અનેક લોકોને મહિલાઓને માસિક ધર્મ દરમિયાન પડતી તકલીફો અંગે માહિતી મળી. વાસ્તવિકતા એ છે કે હજી પણ ગરીબ અને અશિક્ષિત યુવતીઓ અને મહિલાઓ પિરિયડ્સના તે દિવસોમાં કપડાનો ઉપયોગ કરી રહી છે. મોંઘી કિંમતના બેક્ટેરિયા મુક્ત સેનેટરી નેપકીન્સ આ બહેનો ખરીદી શકતી નથી અને અજાણતા જ ગંભીર બીમારીઓની ઝપેટમાં આવી જાય છે. શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર રહેતી પ્રીતિ રૂચવાની નામની મહિલાએ આવી યુવતીઓ અને મહિલાઓને નિઃશુલ્ક પેડ્સ વહેંચવાનું અનોખું અભિયાન આદર્યું છે.

પ્રીતિ રૂચવાણીને વર્ષ 2018માં ડાયાબીટીસની બીમારી હોવાની જાણ થઇ હતી. તેમને આ બીમારીમાં ખૂબ યાતનાઓ ભોગવી અને નિયમિત દવાઓ અને યોગ્ય સારવાર લીધા બાદ પુનઃ તેઓ તંદુરસ્ત બન્યા. પરંતુ આ બીમારી દરમિયાન તેમને જે શારીરિક તકલીફો વેઠી તેને લઈને એક અનોખા અભિયાનનો જન્મ થયો. પ્રીતિ જ્યારે બીમાર હતા તે વખતે તેમને વિચાર આવ્યો કે સુગરની બીમારીમાં જો હું આટલી તકલીફો સહી રહી છું, તો સમાજની ગરીબ અને અશિક્ષિત મહિલાઓ તેમના માસિક ધર્મને લઈને કેટલી તકલીફોનો સામનો કરતી હશે.

બસ આ વિચારથી જ પ્રીતિ રૂચવાનીના અભિયાનની શરૂઆત થઈ. તેમને ગરીબ અને અશિક્ષિત મહિલાઓને મળવાનું શરૂ કર્યું અને તેમની સ્ત્રી રોગ સંબંધી ફરિયાદો જાણવાનો પ્રયાસ પણ કર્યો. મહિલાઓ સાથે વાતચીત કર્યા બાદ પ્રીતિને લાગ્યું કે માસિક ધર્મ દરમિયાન આ મહિલાઓ જે રીતે કપડાનો ઉપયોગ કરે છે તેને કારણે જ તેઓ બીમારીનો ભોગ બને છે. આ વિચાર આવતાં જ પ્રીતિએ માસિક ધર્મ અંગેની સમજણ અને જાગૃતતા ફેલાવવાનું અભિયાન હાથ ધર્યું. તેઓએ ગરીબ અને અશિક્ષિત કિશોરીઓ, મહિલાઓ અને યુવતીઓનો સર્વે શરૂ કર્યો હતો.

આવી તમામ મહિલાઓ અને યુવતીઓને નિઃશુલ્ક સેનેટરી નેપકીન્સ વહેંચવાની શરૂઆત કરી. હરણી વારસિયા રિંગ રોડ પર રહેલી અને વૈભવી લાઈફ સ્ટાઇલમાં જીવતી પ્રીતિ રૂચવાનીએ શરૂ કરેલા અભિયાનને મહિલાઓ અને યુવતીઓનો સહકાર મળવા લાગ્યો. ગત દિવાળીથી શરૂ કરેલા આ અભિયાનને લઈને પ્રીતિએ અત્યાર સુધીમાં અનેક જરૂરિયાતમંદ મહિલાઓને નિઃશુલ્ક પેડ્સ આપ્યાં છે. પ્રીતિના અભિયાનની ખૂબ જ સટીક અસર શહેરના અન્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. પ્રીતિ જે વિસ્તારમાં આ પ્રકારે નિઃશુલ્ક પેડસનું વિતરણ કરે છે તે જ વિસ્તારમાં રહેતી મહિલાઓ તેને અન્ય મહિલાઓ અંગેની માહિતી આપે છે.

પ્રીતિના આ અભિયાનની ખાસિયત એ પણ છે કે તેઓ માત્ર નિઃશુલ્ક પેડ્સ એકલા નથી વહેંચતા પરંતુ અભીયાનની સાથે સાથે તેઓ મહિલાઓને માસિક ધર્મ અંગેની સમજણ અને સ્ત્રી રોગ અંગેની ગંભીરતા પણ સમજાવે છે. પ્રીતિના આ અભિયાનને કારણે તેને સારી નામના પણ મળી રહી છે, તો બીજી તરફ નિઃશુલ્ક પેડ્સ મેળવનાર યુવતીઓની માતાઓ અભિયાનને લઈને ખુશ પણ છે. સામાન્ય રીતે રોજ કમાઈને રોજ ખાનાર શ્રમિક લોકો સેનેટરી પેડ્સ ખરીદી નથી શકતા. ત્યારે પ્રીતિ આવી યુવતીઓને નિઃશુલ્ક પેડ્સ વહેંચે તે મોટી બાબત હોવાનું સ્વીકારે છે.

સામાન્ય રીતે સ્ત્રીઓમાં માસિક ધર્મ દરમિયાન જો ગંદા કપડાનો ઉપયોગ કરવામાં આવે તો ઇન્ફેક્શન સહિત ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. તેવા સમયે મહિલાઓ સારી ગુણવત્તાવાળા સેનેટરી નેપકીન્સનો ઉપયોગ કરે તેવું તબીબો પણ કહી રહ્યા છે. જો કે ગુણવત્તાસભર નેપકીન્સ વાપરવા કે ખરીદવા એ માટે ગરીબ વર્ગના લોકો માટે સંભવ નથી. બજારમાં વેચાતાં આ નેપકીન્સ કિંમતમાં મોંઘા હોવાથી તે ગરીબ અને શ્રમિક લોકોને પરવડે તેમ પણ નથી. આવા સમયે પ્રીતિ દ્વારા શરૂ કરાયેલ અભિયાનને સ્ત્રી રોગના જાણકાર તબીબ પણ આવકારે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link