શું ગુજરાતમાં ફરી ચક્રવાતની સંભાવનાઓ છે? ક્યાં શું થશે તેની તારીખો સાથે અંબાલાલ પટેલની આગાહી
ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા દિવસોમાં પહાડો પર હળવી હિમવર્ષા અને વરસાદ ફરીથી શરૂ થઈ શકે છે. જ્યારે મેદાની વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ પશ્ચિમી હિમાલયી વિસ્તારોમાં 11થી 13 માર્ચ સુધીમાં હળવો વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. જ્યારે 12 અને 13 માર્ચના રોજ મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. પરંતુ ગુજરાતમાં તો હવામાનનો કઈક અલગ જ મિજાજ જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં હવામાનનો મિજાજ બદલાયેલો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દેશના તથા રાજ્યના હવામાનમાં કેટલાક ફેરફારો થવાની આગાહી વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 10 તારીખથી પશ્ચિમ વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ની અસર થવાની આગાહી કરી છે. 15 તારીખ સુધીમાં પશ્ચિમ વિક્ષોભની અસર દેશના ઉત્તરના પર્વતિય પ્રદેશો, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ ગુજરાતના ભાગોમાં અસર થઈ શકે છે. ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળવર્ષા કે હળવો વરસાદ થઈ શકે છે, પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતમાં 20 કિલોમીટર પ્રતિ કલાક (kmph), કચ્છમાં 20kmph કરતા વધું, ઉત્તર ગુજરાતમાં 15-20kmph, ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિ રહેશે. આંચકાનો પવન 30 કિલોમીટર પ્રતિ કલાક કે તેની ઉપર જવાની શક્યતાઓ રહેલી છે.
રાજ્યના હવામાન ખાતા દ્વારા ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે. 2 થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે. હાલ પવનની દિશા ઉત્તર થી ઉત્તર પૂર્વ તરફ જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન આગામી સમયમાં યથાવત રહે તેવી શક્યતા છે.
હવામાન અંગેની આગાહી કરતી ખાનગી એજન્સીના જણાવ્યાં મુજબ 10 માર્ચ બાદ ગરમીમાં વધારો થઈ શકે છે. આગામી 11 માર્ચથી 29 માર્ચ સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રી સુધી જઈ શકે તેવી આગાહી કરાઈ છે. જેના પગલે 11-12 માર્ચના 35, 13થી 16 માર્ચ દરમિયાન 34, 17થી 29 માર્ચ દરમિયાન 36થી 39 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળી શકે છે. ત્યારે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ખાસ કાળજી લેવાની જરૂર છે. કારણ કે ગુજરાતમાં બોર્ડની પરીક્ષા પણ 11 તારીખથી શરૂ થઈ રહી છે.
18થી 20-21 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમ વિક્ષોભ (ઉત્તર ભારતના ભાગોમાં) આવવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે. માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમદ્રમાં હલચલ થવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે.
IMD ના જણાવ્યાં મુજબ જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં 10થી 12 માર્ચ સુધીમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની આગાહી છે. આ ઉપરાંત પંજાબમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. IMD એ પોતાના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે 12થી 13 માર્ચના રોજ હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 13 માર્ચના રોજ વરસાદ પડી શકે છે.
9 અને 10 માર્ચના રોજ રાજસ્થાનને બાદ ક રતા ઉત્તર પશ્ચિમી ભારતના મેદાની વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. IMD એ 13 અને 14 માર્ચના રોજ હિમાલયી રાજ્યોમાં છૂટોછવાયો વરસાદ કે હિમવર્ષાની આગાહી કરી છે. વીજળી પણ પડી શકે છે. 11થી 13 માર્ચ સુધી હિમાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળોમાં વીજળી પડવાની સાથે તોફાન માટેનું યલ્લો એલર્ટ પણ જાહેર કરાયું છે. પંજાબમાં 12 અને 13 માર્ચે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
તબીબોના મતે પરીક્ષાર્થીઓએ આ દરમિયાન નિયમિત રીતે પાણી પીતા રહેવું જોઈએ. પરીક્ષાના દબાણમાં વિદ્યાર્થીઓ પાણી પીવાનું ટાળતા હોય છે પરંતુ તેવું બિલકુલ ન કરવું. આવી ગરમીમાં શરીરમાં ડિહાઈડ્રેશન ન થાય તે ધ્યાન રાખવું જરૂરી છે. ઘરે પહોંચ્યા પછી પણ લીંબુ પાણી કે ઓઆરએસ વગેરે લઈ લેવું જોઈએ તથા બહારની ખાણીપીણીથી દૂર રહેવું જોઈએ.