Pics : કચ્છમાં માઈગ્રેટેડ પક્ષીઓને જોઈને લોકો ખુશ, સારો વરસાદને કારણે વધુ પક્ષી આવે તેવી શક્યતા

Tue, 15 Oct 2019-4:08 pm,

કચ્છ એક એવો જિલ્લો છે જ્યાં રણ, દરિયો અને જંગલ વિસ્તાર એકસાથે જોવા મળે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ કચ્છમાં આવતાં હોય છે. છેલ્લા ચાર વર્ષથી નહિવત વરસાદને કારણે યાયાવર પક્ષીઓની સંખ્યામાં કચ્છમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ચાલુ વર્ષે સારા એવા વરસાદથી યાયાવર પક્ષીઓએ મોટા પ્રમાણમાં કચ્છમાં આવવાનું શરૂ કરી દીધું છે. હાલ કચ્છમાં સાઈબેરીયાથી કુંજ નામના પક્ષીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. અન્ય પક્ષીઓની વાત કરીએ તો સુરખાબ, પેલિકન, યુરોપિયન રોલર, સમડી, બાજ જેવા યાયાવર પક્ષીઓ પણ કચ્છમાં આવી ગયા છે. 

પક્ષીવિદ નવીન બાપટ કહે છે કે, ગત વર્ષે નહિવત વરસાદ હોતા જળાશયો સૂકાયા હતા. જેના લીધે રૂપકડા પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. જ્યારે શિકારી પક્ષીઓનું આગમન મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું. કચ્છમાં છારીઢંઢ અને રણ વિસ્તારમાં પાણી સૂકાતા ઉંદરની સંખ્યામાં વધારો થયો હતો. જેના લીધે શિકારી પક્ષીઓનું આગમન મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું. 

પક્ષીવિદ રોનક ગજ્જર કહે છે કે, ગ્રેટ રણ ઓફ કચ્છ એટલે મોટા રણમાં 7506.22 ચો. કિમી વિસ્તાર સાથે તે રાજ્યનું સૌથી મોટું અભયારણ્ય છે. ફેબ્રુઆરી 1986 માં સંરક્ષિત વિસ્તાર તરીકે આ ક્ષેત્ર જાહેર થયું. એશિયાની એકમાત્ર વિશ્વ પ્રખ્યાત ફ્લેમિંગો સિટી અહી આવેલી છે, જે સુરખાબનું પ્રજનન સ્થાન છે. આ અભયારણ્ય જાહેર કરવા પાછળ મુખ્ય હેતુ સુરખાબના માળાઓના મેદાનને સંરક્ષિત કરવાનો હતો. અહી લાખોની સંખ્યામાં સુરખાબ દર વર્ષે આવે છે. 

છારીઢંઢ રાજ્યનું પ્રથમ સંરક્ષણ ક્ષેત્ર બન્યું, જે બન્ની અને ભુજ વચ્ચે આવેલું છે. આ વિસ્તારમાં છીછરા તળાવો છે. આ વિસ્તાર પ્રવાસી પક્ષીઓ અને શિકારી પક્ષીઓના માળાઓ અને રહેણાંક માટે અતિ ઉત્તમ છે. આ વિસ્તારમાં 2008માં 82,580 પક્ષીઓની હાજરી નોંધાઈ હતી. વિદેશથી સ્થળાંતરિત કરીને આવતા પ્રવાસી પક્ષીઓનું હાલ કચ્છમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. તો છારીઢંઢ તેમજ વેકારીયાના રણમાં જે રીતે ઘાસ ઊગી નીકળ્યા છે, તેને જોતા યાયાવર પક્ષોઓ શિયાળો ગાળવા લાખોની સંખ્યામાં આવનારા દિવસોમાં કચ્છના મહેમાન બનશે તેવું પક્ષીવિદો માની રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link