મોદી સરકાર 2.0: જૂઓ આર્થિક સરવેમાં રજૂ કરવામાં આવેલી મુખ્ય બાબતો, આંકડાકીય માહિતી તસવીરોમાં

Thu, 04 Jul 2019-6:41 pm,

દેશના પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સિતારમણે ગુરૂવારે સંસદમાં આર્થિક સરવે 2018-19 રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "ભારતે વર્ષ 2018-19 દરમિયાન વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રનો ટેગ જાળવી રાખ્યો છે. ભારતના વિકાસ દર (GSP)માં સાધારણ ઘટાડો નોંધાયો છે, વર્ષ 2017-18માં જે 7.2 ટકા હતો તે વર્ષ 2018-19માં ઘટીને 6.8 ટકા થઈ ગયો છે. સામે પક્ષે વર્લ્ડ આઉટપૂટ ગ્રોથ પણ 2017ના 3.8 ટકાની સરખામણીએ ઘટીને 3.6 ટકા થયો છે."

આર્થિક સરવેમાં જણાવાયું છે કે, ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવેલા 'સ્વચ્છ ભારત અભિયાન' થકી મહિલાઓના આત્મસન્માનમાં વધારો થયો છે. શાળાઓમાં છોકરીઓના પ્રવેશની સંખ્યામાં વધારો થયો છે, તો દેશમાં આરોગ્યની સ્થિતિમાં પણ સુધારો થયો છે. 

આર્થિક સરવેમાં જણાવાયું છે કે, સેવા ક્ષેત્રનો વિકાસ દર વર્ષ 2017-18ના 8.1 ટકાથી ઘટીને 2018-19માં 7.5 ટકા પર આવી ગોય છે. સેવા ક્ષેત્ર(બાંધકામ સિવાય)નું ભારતના GVAમાં 54.3 ટકાનું યોગદાન છે અને વર્ષ 2018-19ના નાણાકિય વિકાસદરમાં GVA વિકાસ દર 50 ટકા કરતાં વધુ રહ્યો છે. 

આર્થિક સર્વેક્ષણ 2018-19ના આંકડા દર્શાવે છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો ભેગી મળીને નાણાકિય મજબૂતી અને નાણાકિય શિસ્તના માર્ગે આગળ વધી રહી છે. સરવે દર્શાવે છે કે, સરકારની મહેસુલી આવકમાં વધારો થઈ રહ્યો છે. નાણાકિય સુધારાના કારણે ખર્ચની પુનઃપ્રાપ્તિ અને સુયોજન પણ વધી રહ્યું છે. જોકે, સામે ફુગાવો વધવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે. 

આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યા મુજબ, "ભારત વિશ્વનું સૌથી ઝડપી ગતિએ આગળ વધતું અર્થતંત્ર બની રહ્યું છે. દેશના સરેરાશ વૃદ્ધિ દર (GSP)માં 2017-18ના 7.2 ટકાની સરખામણીએ 2018-19માં ભલે ઘટાડો થયો હોય અને તે 6.8 ટકા પર પહોંચ્યો હોય. 2019-20માં ભારતીય અર્થતંત્ર 7.0 ટકાના દરે વૃદ્ધિ કરશે."

આર્થિક સર્વેક્ષણના આંકડા અનુસાર ભારતનો વિદેશ વિનિમય સંગ્રહ (ફોરેન એક્સચેન્જ રિઝર્વ) 400 બિલિયન ડોલરથી વધુ રહ્યો છે. વર્ષ 2017-18 દરમિયાન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયાનો વિનિમય દર 65-68 રહ્યો હતો, પરંતુ 2018-19માં તે વધીને 70-74 સુધી પહોંચી ગયો હતો. વર્ષ 2018-19 દરમિયાન રૂપિયાનો વિનિમય દર અસંતુલિત રહેવાનું મુખ્ય કારણ ક્રૂડની કિંમતોમાં રહેલી ઉથલ-પાથલ છે, નેટ પોર્ટફોલિયોમાં કોઈ ખાસ વધારો-ઘટાડો નોંધાયો ન હતો.   

સંસદમાં રજુ કરાયેલા આર્થિક સર્વેક્ષણ 2018-19 મુજબ આ નાણાકિય વર્ષ દરમિયાન દેશમાં 283.4 મિલિયન ટન અનાજનું ઉત્પાદન થવાનો અંદાજ છે. ખાદ્ય ચીજ-વસ્તુઓનો ફુગાવો કે જે 'કન્ઝ્યુમર ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ' (CFPI)ના આધારે નક્કી કરવામાં આવે છે કે, સળંગ પાંચમા નાણાકિય વર્ષ દરમિયાન નીચો જ રહ્યો છે અને છેલ્લા બે વર્ષથી તે 2.0 ટકાની નીચે છે. 

આર્થિક સરવે અનુસાર કેન્દ્ર સરકારની નાણાકિય ખાધ વર્ષ 2017-18ના GDPના 3.5 ટકાની સરખામણીએ 2018-19માં 3.4 ટકા રહી છે. આગામી નાણાકિય વર્ષ 2019-20 દરમિયાન ખાનગી ક્ષેત્રમાં રોકાણ અને વપરાશમાં વધારો થતાં દેશના વિકાસ દરમાં વધારો થવાની સંભાવના છે.

ભારતમાંથી થતી વિવિધ ચીજ-વસ્તુઓની નિકાસનો દર જે 2017-18માં 4.7 ટકા હતો તે વધીને 12.5 ટકા થઈ ગયો છે. સામે પક્ષે વિદેશમાંથી કરવામાં આવતી ચીજ-વસ્તુઓની આયાત જે 2017-18માં 17.6 ટકા હતી તે ઘટીને 15.4 ટકા થઈ ગઈ છે.   

ભારતનું કૃષિ ક્ષેત્ર ઋતુઓ પર આધારિત છે અને તેના ઉપર જ તેના વિકાસ દરનો આધાર રહે છે. કૃષિ ક્ષેત્રનો ગ્રોસ વેલ્યુ એડેડ દર જે 2014-15માં અત્યંત નકારાત્મક હતો અને 0.2 ટકા પર આવી ગયો હતો, તે 2016-17માં વધીને 6.3 ટકા પર પહોંચી ગયો હતો. જોકે, 2018-19માં તે ઘટીને ફરી પાછો 2.9 ટકા પર આવી ગયો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link