વરસાદમાં સાપ કરડે તો વળગાડ કરવાને બદલે સીધા કરજો આ કામ, નહીં તો પળવારમાં રમી જશે તમારા રામ
SNAKE BITES: ગામડાઓમાં આજે પણ જો કોઈને સાપ કરડે તો લોકો વળગાડમાં માને છે. તેઓ તબીબના બદલે ભુવા જાગરિયા પાસે જાય છે કાંતો સાપના ઝેરને ઓછું કરાવવા મંત્ર તંત્ર કરતા લોકો પાસે જાય છે. જોકે, આ વસ્તુ કોઈ પણ રીતે સાયટિફિક નથી. નિષ્ણાતોની માનીએ તો, સર્પદંશ બાદ સમય બગાડ્યા વિના તુરંત જ પીડિતને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ.
જો દર્દીને હોસ્પિટલમાં લઈ જવામાં મોડું થાય, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેનાથી ચારથી પાંચ કલાક સુધી જીવ જવાનું જોખમને ટાળી શકાય છે.
સર્પદંશ પછી લોકો ગભરાટ અનુભવે છે, પીડિત વ્યક્તિએ તેનાથી બચવું જોઈએ નહીં તો બીપીમાં વધ ઘટ થઈ શકે છે. ગભરાટને કારણે હાર્ટ અટેક પણ આવી શકે છે. સર્પદંશના કિસ્સામાં ધ્યાનમાં રાખવાની સૌથી મહત્વની બાબત એ છે કે, જો કોઈ સાપે આંગળીઓ પર ડંખ માર્યો હોય, તે હાથના ઉપરના ભાગથી કાંડા સુધી પાટો બાંધવો જોઈએ.
પાટાને બને તેટલી ચુસ્ત રીતે બાંધવાથી લોહીનો પ્રવાહ ઓછો થઈ શકે છે. તે એટલો પણ ચુસ્ત ન બાંધવો જોઈએ કે લોહીનો પ્રવાહ બંધ થઈ જાય. તેનાથી ચેપનું જોખમ વધી શકે છે. જેથી હાથ વાદળી થઈ શકે છે. આવા ભાગને પાછળથી કાપવાની નોબત આવે છે. જો ઘૂંટણ અથવા કોણી પર સાપ કરડ્યો છે, તો તેને અમુક લાકડાની મદદથી પાટો બાંધવો જોઈએ. જેથી હાથ કે પગ ન વળે. કારણ કે હાથને વાળવાથી સાપનું ઝેર બે ભાગમાં વહેંચાઈ જાય છે.
સર્પદંશ પછી કરડેલા શરીરના ભાગની નજીક કોઈપણ પ્રકારનો કાપ કે ચીરો ન કરવો જોઈએ. મોંને સ્પર્શ કરીને ક્યારેય લોહી ખેંચવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. તેનાથી ઈન્ફેક્શન વધે છે, જો કોઈ સાપ તમારા હાથને કરડે તો તરત જ કોઈપણ પ્રકારની વીંટી, બ્રેસલેટ અથવા બંગડી કાઢી નાખો. નહિંતર, સર્પદંશ પછી શરીરના ભાગ પર સોજો આવે છે. જેના કારણે ઈન્ફેક્શન વધે છે અને તે ભાગને પણ કાપવાની નોબત આવે છે. જે હાથ પર સાપે ડંખ માર્યો હોય, તો હાથને ક્યારેય હૃદયની ઉપર ન રાખવો જોઈએ. આમ કરવાથી ઝેર હૃદય સુધી પહોંચી શકે છે. જેના કારણે જોખમ વધી શકે છે. જો આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે ચારથી પાંચ કલાક સુધી સર્પદંશના ભયથી બચી શકો છો.
નિષ્ણાતોની માનીએ તો, ઉનાળામાં જમીન તપેલી હોય છે. ચોમાસામાં એ જમીનમાં પાણી જતા સાપના દરમાં પાણી જાય છે. જેમાં તેને ગરમી, ગભરામણનો અનુભવ થતો હોવાથી સાપ ચોમાસામાં પોતાના દરમાંથી બહાર આવી જાય છે. એ જ કારણ છે કે, ત્યારે સાપ કરડવાના કેસ વધારે બનતા હોય છે.
ચોમાસામાં દેડકા વધારે જોવા મળતા હોવાથી શિકાર કરવા સાપ ગમે ત્યાં પહોંચી જતા હોય છે. જેથી દેડકાની પાછળ સાપ ઘરમાં પણ આવી જતા હોય છે અને સર્પ દંશના બનાવ બને છે. એટલું જ નહીં ગામડાઓમાં લાઇટના અજવાળામાં ગરોળી, દેડકા, માખી-મચ્છર, કિડી, મકોડા ખાવા આવતા હોય છે. આથી સાપ પણ તેમની પાછળ પાછળ આવી જતા હોય છે. ત્યારે જાણે-અજાણએ લોકોનો પગ સાપ પર પડી જતો હોય છે. સાપ પોતાના બચાવ માટે કરડતો હોય છે. ખેતરમાં પણ આવી જ રીતે સર્પદંશના બનાવ બનતા હોય છે.
આમ તો રાજ્યભરમાં સાપ કરડવાના કેસ નોંધાતા હોય છે.પરંતુ સૌથી વધુ વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, નવસારીમાં સાપ કરડવાના કોલ આવે છે. ચોમાસામાં સાપના દરમાં વરસાદી પાણી ઘૂસી જતા સાપ બહાર આવી જતા હોય છે.
સાપ કરડે તો સૌથી પહેલાં તો 108ને જાણ કરી દર્દીને હોસ્પિટલ પહોંચાડવો જોઈએ. 70 સાપ બિનઝેરી હોય છે જેથી સાપ ઝેરી છે કે બિનઝેરી તેની ઓળખ કરવી જોઈએ. સાપ કરડે ત્યારે ઘરગથ્થુ સારવારના ભરોશે ન રહેવું જોઈએ. સર્પદંશ થાય તે સમયે દર્દીને ચત્તા સુવડાવી રાખવા જોઈએ. સ્થિર રાખી બિલકુલ હાથ-પગ વાળવા ન જોઈએ. સાથે જ હાથ-પગમાં લોહીનું પરિભ્રમણ બંધ થાય તેનું ધ્યાન રાખવું. ચારે બાજુથી નાડી, દોરી બાંધીને દબાણ આપીને વધારે થાય તેવું ન કરવું. તેનાથી હાથ અને પગને કાપવો પણ પડી શકે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગે પુષ્ટી કરતું નથી. સાપ કરડવાના કિસ્સામાં નિષ્ણાતોની સલાહ અચૂક લેવી.)