જેના એક ટહુકાથી વાદળા વરસે...જેની એક ઝલક જોવા લોકો તરસે...શું આવો મોજીલો મોરલો તમે જોયો છે?
આજ ફરી પાછા મોરલા બોલે... હીમસા ઠંડા વાયરાઓના સૂરની વચ્ચે, દૂર સુ દૂરે નદીયું કેરા નમતા પૂરે, વિહંગ ટોળા ઉડતા અને ઝાડવા પેલાં ઘેનમાં ડોલો, આજ ફરી પાછા મોરલા બોલે...
આભના ચોકે વાદળીઓની ગોપીઓ લેતી રાસ, મલ્હાર છેડે ઘનશ્યામ અને ત્યાં ગુંજતું રે આકાશ, ટોપ ઘટા ટોપ વાદળ ભીતર, સુરજ રાણા થાક ખાવાને ચઢતા જોને, આજ ફરી પાછા મોરલા બોલે...
ઉરે ઉરે ઉત્સાહ ભરીને માનવી કેવા ડોલવા લાગ્યા ધમ ધમાધમ ધરતી ધણી, મેઘના નાદે લઈને સાથી દોરી, ખેતર ભણી ચાલવા લાગ્યાં, તાલમાં વેળા, ભોય ભંડારેલ, બીજ રૂપાળા ફૂલસા હૈડું કોમળ ખોલે, આજ ફરી પાછા મોરલા બોલે...
આજ પાણીડા ધરતી ઉપર વાંકા ચુકા થાય, કાલનો ગરમ વાયરો આજે શિતલ શિતલ વાય, દૂરની કોઈ વાડ વચાળે મોરલા પહેલાં ચણ બચ્ચાની ચાંચથી ખોલે, આજ ફરી પાછા મોરલા બોલે... ( નોંધઃ જાણીતા કવિ- કનુ અંધારિયાની કવિતા અહીં લેવામાં આવી છે.)