Photos : જાણો એ કંપનીની હિસ્ટ્રી, જેણે મોરબીમાં સૌથી પહેલી ઘડિયાળ બનાવી હતી

Tue, 05 Feb 2019-4:11 pm,

ભારત દેશને આઝાદી મળી તે સમયે મોટાભાગના લોકો ખેતી આધારિત રોજગારી મેળવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જો કે, મોરબી નજીકના હળવદ તાલુકામાં આવતા ટીકર ગામેથી તે સમયે બાબુભાઈ શિવલાલ મિસ્ત્રી, જેઓએ માત્ર ચાર ચોપડી સુધીનો જ અભ્યાસ કર્યો હતો, તેઓ 1942માં રોજગારીની શોધમાં મોરબી આવ્યા હતા અને ત્યારે નાના મોટા મિસ્ત્રી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ દરમ્યાન તેમનું ધ્યાન વિદેશથી આયાત કરાતી અને ઘરે-ઘરે ટીંગાડાતી દિવાલ પર કેન્દ્રિત થયું હતું.  પોતાની કોઠાસૂઝથી તેમણે પોતાના બનેવીને સાથે રાખીને ઘડિયાળ બનાવવાનું શરૂ કર્યું હતું અને મહિનામાં માંડમાંડ એક કે બે ઘડિયાળ તે બનાવી શક્તા હતા. જોકે, ત્યાર બાદ તેમને 1946માં મોરબીના મહાજન ચોક તરીકે જાણીતા વિસ્તારમાં સાયન્ટીફીક ક્લોકનો પાયો નાંખ્યો હતો. તે સમયે વેપારી એડવાન્સમાં રૂપિયા લઈને માલ લેવા આવે તો પણ ત્રણ મહિને માલ મળે તેવું માર્કેટ સાયન્ટીફિક ક્લોક પાસે હતું અને આજની તારીખે ગ્રાન્ડ ફાધર ક્લોક, ટાવર ક્લોક અને વુડન ક્લોકમાં તેના નામના દેશ અને વિદેશમાં ડંકા વાગી રહ્યા છે.   

બદલાયેલા સમયની સાથે ઘડિયાળના પણ ઘણા બધા રંગ રૂપ બદલાયા છે. જો વાત કરીએ તો, મોરબીના ઘડિયાલ ઉદ્યોગની સ્થાપનાની તો પહેલાના સમયમાં સાયન્ટીફિક ક્લોકમાં ચાવીવાળા વોલ ક્લોક અને આલારામ ઘડિયાળ બનાવવાનું શરુ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ધીમેધીમે દર એક કલાકે ડંકા વાગે તેવા ઘડિયાળ, ટ્રાન્ઝીસ્ટર ક્લોક, સોલાર ઘડિયાળ, કવાટઝ સહિતની અનેક વેરાઈટી ઘડિયાળ ઉદ્યોગમાં આવી છે અને હાલમાં દેશ તેમજ વિદેશમાં મોરબીથી પ્લાસ્ટિક બોડીવાળા મુમેન્ટવાળા ઘડિયાળ સપ્લાઈ કરવામાં આવી રહ્યા છે. 

છેલ્લા ૭૩ વર્ષથી સાયન્ટીફિક ક્લોક મોરબીમાં કાર્યરત છે. તેની ખાસિયત એ છે કે, માર્કેટમાં આવતા પરિવર્તનને તે બીફોર ટાઈમ એક્સેપ્ટ કરે છે અને હંમેશા ગ્રાહકના સંતોષને નજર સમક્ષ રાખીને પોતાની પ્રોડક્ટ તૈયાર કરે છે. તેમજ સાયન્ટીફીક ક્લોક દ્વારા ગ્રાન્ડ ફાધર અને ટાવર ક્લોક જે બનાવવામાં આવે તેના જેવી ગુજરાતતો ઠીક ભારતમાં આજની તારીખે કોઈ જગ્યાએ ઘડિયાળ બનતી નથી. 

સાયન્ટીફિક ક્લોકના માલિક અર્જુનભાઈ મિસ્ત્રીએ કહ્યું કે, દરેક ધંધામાં હરીફાઈ હોય અને ચડતી-પડતી પણ આવતી હોય છે. તેવી જ રીતે સાયન્ટીફીક કલોક પણ અનેક ચડતી પડતીનું સાક્ષી રહ્યું છે. ત્યારે આઝાદીના સમયથી લઈને આજની તારીખ સુધીની વાત કરીએ તો તે સમયે એડવાન્સમાં રૂપિયા લઈને આવતા વેપારીને ત્રણ મહીને માલની ડિલિવરી આપવામાં આવતી નથી. આજની તારીખે માર્કેટમાં ટકી રહેવા માટે મોરબીના ઘણા ઘડિયાળના ઉદ્યોગકારો વેપારીઓને ત્રણ મહિના કે તેથી વધુની ઉધારીમાં માલ આપી રહ્યા છે. જો કે, સાયન્ટીફીક ક્લોક આજે પણ ઘડિયાળનો ઉદ્યોગ વટથી કરે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link