Photos : ગરીબોને સસ્તામાં ‘દેશી ફ્રિજ’ બનાવીને આપવાનું શ્રેય આ ગુજરાતીને જાય છે

Fri, 28 Jun 2019-9:51 am,

“મીટ્ટી કૂલ” આ નામ સાંભળતાની સાથે જ માટીની ખુશ્બુનો અહેસાસ થવા લાગે છે અને માટીમાંથી કોઈ પ્રોડક્ટ બનાવી હશે તેવો અંદાજ આવી જાય છે. મૂળ મોરબી તાલુકાના નીચી માંડલ ગામના રહેવાસી અને વર્ષોથી વાંકાનેર શહેરમાં રહેતા મનસુખભાઈ પ્રજાપતિનો પરિવાર ત્રણ ચાર પેઢીથી માટીમાંથી માટલા બનાવવાની તેમજ અન્ય વાસણો બનાવવાની કામગીરી કરે છે. જોકે, મનસુખભાઈએ મોરબી આસપાસના વિસ્તારમાંથી મળતી દેશી કાળી માટીનો ઉપયોગ કરીને વર્ષ 2004થી માટીના ફ્રિજ બનાવવાની શરૂ કર્યું હતું અને આજે તેના આ ફ્રિજ દેશના દરેક રાજ્યમાં વેચાઈ રહ્યા છે.

કુંભારનો દીકરો હોય એટલે માટીમાં જ રમીને મોટો થયો હોય તેમ શંકાને કોઈ સ્થાન નથી જો કે, મનસુખભાઈએ તેના બાપદાદાના ધંધાને અપનાવીને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને માટીમાંથી માટલા અને તાવડી જ નહિ, પરંતુ ફ્રિજ બનાવવાનું વિચાર્યું હતું અને આ કામ જ્યારે શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે સંશોધન સહિતના કામમાં ઘણા રૂપિયા વપરાઈ ગયા હતા. જેથી મનસુખભાઈ તે સમયે 19 લાખના દેણમાં આવી ગયા હતા, તેમ છતાં પણ તેમણે કામને છોડવાના બદલે ગરીબોને પણ ઠંડુ પાણી મળે તેના માટે ફ્રિજ બનાવવાની મહેનત ચાલુ રાખી હતી અને આજે આ ફ્રિજની ઠંડક લોકોને તો મળે જ છે, પરંતુ તેનાથી વધુ ઠંડક હાલમાં પ્રજાપતિ પરિવારને મળી રહી છે. કેમ કે, માટીના આ ફ્રિજે “મીટ્ટી કૂલ”ના નામથી તેમને દેશ અને વિદેશમાં નામના અપાવી છે.

રાઘવજી પ્રજાપતિ કહે છે કે, વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ વખતે અમે બનાવેલ તમામ માટલા તૂટી ગયા હતા. જેથી કોઈએ એવું કહ્યું હતું કે, ગરીબોના ફ્રિજ તૂટી ગયા હતા. જેથી મને વિચાર આવ્યો હતો કે, જો માટીમાંથી બધું જ બનતું હોય તો પછી માટીના ફ્રિજ કેમ ન બને. ત્યાર બાદ મેં વર્ષ 2004માં કાળી માટીનો ઉપયોગ કરીને ફ્રિજ બનાવવાનું કામ શરૂ કર્યું છે અને આજની તારીખે મહિલા કામદારો સહીત કુલ મળીને 50થી વધુ લોકોને “મીટી કુલ” થકી રોજગાર મળે છે અને અત્યાર સુધીમાં તેમના દ્વારા 100 જેટલા લોકોને માટીમાંથી અવનવી ચીજ વસ્તુઓ બનાવવા માટેની તાલીમ દેવામાં આવી છે. જેથી તે લોકો પોતાનો ધંધો કરીને પગભર થઇ ગયા છે. 

ચમચીથી લઈને ફ્રિજ સુધીની જુદીજુદી વસ્તુઓ અત્યાર સુધીમાં આ પ્રજાપતિ પરિવાર દ્વારા બનાવવામાં આવી છે. જેથી રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી સહિતના જુદાજુદા વિભાગો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આટલું જ નહિ મીટી કુલ પ્રોડક્ટ માટે પેરિસમાં પણ મનસુખભાઈનું સન્માન કરવામાં આવ્યું છે. દેશ અને વિદેશમાં મોરબીની માટીની ખુશ્બુને પ્રસરાવનારા મનસુખભાઈના અભ્યાસની વાત કરીએ તો તેઓએ માત્ર દસમાં ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે અને ત્યાર બાદ તેમના પરંપરાગત વ્યવસાયને અપનાવી લીધો હતો. જોકે માત્ર ચાકડાની મદદથી માટલા બનાવવાની કામગીરી કરવાના બદલે સમયની સાથે તાલ મિલાવીને મનસુખભાઈએ જે તે સમય માટીમાંથી જુદીજુદી વસ્તુઓ બનાવવાનું શરૂ કરી દીધું હતું અને ઓછો અભ્યાસ હોવા છતાં પણ તેના મેનેજમેન્ટ પાવરના લીધે તેમણે આજે નામના મેળવી છે. એટલું જ નહી તેઓ આઈઆઈએમ અને આઇટીની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લેક્ચર આપવા માટે પણ જાય છે.

હાલમાં મીટીકુલના નામથી માટીના ફ્રિજ બનાવતા મનસુખભાઈ પ્રજાપતિ હંમેશા ગરીબ પરિવારોને ધ્યાનમાં રાખીને જ પ્રોડક્ટ બનાવે છે અને તેમાં તેમને સફળતા પણ મળે જ છે. હવે આગામી દિવસોમાં તે મીટીકુલ હાઉસ બનાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે અને ગરીબ પરિવારોને તેના ઘરમાં ફેન(પંખો) ન હોય તો પણ ઠંડક મળતી રહે તેવું “મીટીકુલ હાઉસ” તૈયાર કરવાનું કામ કરવા માટે તે ઈચ્છી રહ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link