Photos : 9 પાસ ગુજરાતી યુવકે બનાવ્યું એવું બાઈક ટ્રેક્ટર, જેનાથી ખેતીનો ખર્ચો સીધો 90% ઘટ્યો
ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. જો કે, ઉદ્યોગના વિકાસ માટે જેટલા સંશોધન કરવામાં આવે છે તેટલા સંશોધન ખેતીના વિકાસ કે પછી ખેતી માટે કરવામાં નથી આવતા. આવામાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા સિંધાવદર ગામે રહેતા શબ્બીર માણાસીયા નામના યુવકે જુના બાઈકને મોડિફીકેશન કરીને ખેતીમાં ઉપયોગમાં લઇ શકાય તેવું મલ્ટિપર્પઝ બાઈક ટ્રેક્ટર બનાવ્યું છે. તે બાઈક ટ્રેક્ટરથી છેલ્લા 10 વર્ષથી ખેતી કરી રહ્યો છે. એટલું જ નહિ, અત્યાર સુધીમાં ન માત્ર મોરબી જિલ્લામાં પરંતુ ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કુલ મળીને 45૦ જેટલા ટ્રેક્ટર બાઈક તેણે ખેડૂતોને તૈયાર કરી આપ્યા છે. જેને કારણે ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટ્યો છે. જેને કારણે ખેડૂતોની બચત વધી છે. હાલ શબ્બીર દ્વારા જે બાઈક ટ્રેકટર બનાવવામાં આવી રહ્યા છે, તેમાં પાછળના ભાગે દાંતી, રાપ, ઓટોમેટીક ઓરણી, દવા છાંટવાનું મશીન, મીની ત્રોલીમ બેલી અને સુપડી જેવા ખેત ઓજારો લગાવીને ખેતી કામ કરી શકાય છે.
શબ્બીરનો પરિવાર વર્ષોથી ખેતી વ્યવસાય સાથે જોડાયેલ છે. જ્યારે તેના પિતા ખેતી કરતા હતા ત્યારે ખેતીમાં ખર્ચ વધુ થાય છે તેવું તે કહેતા હતા. જેથી ખેતીને કેવી રીતે સસ્તી બનાવી શકાય તેના માટેના વિચારો શબ્બીર સતત કરતો. જે કામ બળદની જોડીને જોતરીને તેમજ ટ્રેક્ટર વડે ખેતરમાં કરી શકાય છે, તેવું જ કામ બીજી કઈ રીતે કરી શકાય તેમ છે તેનો વિચાર કરતો. આ દરમ્યાન તેની નજર પોતાની જ બાઈક પર પડી હતી અને તેણે બાઈકને ખોલીને જુદીજુદી ઓટો મોબાઈલ કંપનીઓ દ્વારા જે કંપની ફીટીંગ બાઈક બજારમાં આપવામાં આવે છે તેમાંથી પાછળના વ્હીલનો ભાગ અલગ કરીને તેની જગ્યાએ મોટા બે ચક્કર તેમજ રીક્ષામાં આવતી ચેઈન ફીટ કરી. બાઈકમાં પાછળના ભાગે મિની ટ્રેક્ટરના બે ટાયર ફીટ કર્યા હતા. ત્યાર બાદ પહેલા પોતાના જ ખેતરમાં તેણે પોતાની જાતે અને વિચાર શક્તિ મુજબ બનાવેલા બાઈકનો ઉપયોગ કર્યો હતો અને તેમાં તે સફળ થયો હતો. આ જોઈને અન્ય ખેડૂતો પણ તેની પાસે બાઈક ટ્રેક્ટર બનાવી આપવાની માંગણી કરતા હતા.
આજે ન માત્ર મોરબીમાં પરંતુ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં શબ્બીર દ્વારા બનાવવામાં આવેલા 450થી વધુ બાઈક ટ્રેક્ટરનો ઉપયોગ કરીને ખડૂતો ખેતી કરે છે. શબ્બીર કહે છે કે, એક ટ્રેક્ટરની કિંમત 4થી 5 લાખ રૂપિયા છે. ત્યાર બાદ ખેત ઓજારો લેવા માટેના ખર્ચા પણ કરવા પડે છે. જોકે, જુના બાઇકમાંથી જ બાઈક ટ્રેકટર બનાવવામાં આવે છે. જેથી માત્ર 25 હજારના ખર્ચમાં ખેડૂતોને એક ટ્રેક્ટર કે પછી એક જોડી બળદ કામ આપે તેટલું કામ લઇ શકાય તેવી બાઈક ટ્રેકટર મળી જાય છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રેક્ટરથી ખેતી કરવામાં આવતી હોય કે પછી બળદ રાખીને ખેતી કરવામાં આવતી હોય તો તેમાં વધુ માણસો રાખવાની જરૂર પડે છે. જોકે, બાઈક ટ્રેકટરની ખેતી કરવા માટે માત્ર બાઈક ચલાવવા એક વ્યક્તિની જ જરૂર છે. બીજી મોટી વાત એ છે કે, એક ટ્રેક્ટર કે પછી એક જોડી બળદ રાખીને જે ખેતી કરવામાં આવતી હોત તેના કરતા ૯૦ ટકા ખર્ચા બાઈક ટ્રેકટરનો ઉપયોગ કરવાથી ઘટી જાય છે. શબ્બીર દ્વારા જે બાઈક ટ્રેકટર બનાવવામાં આવે છે તેનો ઉપયોગ કરવામાં આવે તો એક એકર જમીનમાં ખેડ સહિતનું ખેતી કામ કરવા માટે ૧૦૦ રૂપિયા કરતા પણ ઓછો ખર્ચ થાય છે. જો કે તેની જગ્યાએ એક ટ્રેક્ટર કે પછી એક જોડી બળદ રાખીને ખેતી કરવામાં આવતી તો તેમાં ૩૦૦ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે અને જેટલા મજુરોને કામે રાખવામાં આવ્યા હોય છે તેના પગાર સહિતના ખર્ચા પણ વધતા હોય છે. આમ, શબ્બીરનું બાઈક ટ્રેક્ટર ખેડૂતો માટે આર્શીવાદ સમાન બન્યું છે.