IPL: ધોનીએ આ ખેલાડી સામે મૂકી હતી શરત! 20 કિલો વજન ઓછું કરો તો ટીમમાં લઈશ

Fri, 08 Dec 2023-6:05 pm,

દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. તેમના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ આઈપીએલના 5 વખત ખિતાબ જીત્યા છે. હવે ધોની વિશે અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટને મોટો ખુલાસો કર્યો છે. 

ધોની જ્યારે પણ કોઈ ખેલાડીને તક આપે છે ત્યારે તેને ખાસ જવાબદારી પણ સોંપે છે. જો કઈ ભૂલ થઈ જાય તો તે ખેલાડીને વઢ પણ પડે છે. એ બધા જાણે છે કે તેઓ ફિટનેસ માટે કેટલા સજાગ છે અને ફિલ્ડિંગમાં ભૂલ થઈ જાય તો ગુસ્સો પણ આવી જાય છે. આથી તેમને મોટાભાગે ટીમમાં ફીટ ખેલાડીઓ જ પસંદ છે. 

અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન અસગર અફગાને દિગ્ગજ ખેલાડી ધોની વિશે ખુલાસો કર્યો છે. અસગર અફઘાને જણાવ્યું કે એક સમયે ધોનીએ કહ્યું હતું કે જો વિકેટકિપર મોહમ્મદ શહજાદ (Mohammad Shahzad) પોતાનું 20 કિલો વજન ઘટાડે દે તો તેઓ તેમને ચેન્નાઈ સુપર કિંગ્સમાં લઈ લેશે. આ વાત 2018 એશિયા કપ વખતે થઈ હતી.   

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એશિયા કપ 2018ની મેચ ટાઈ થઈ હતી. તે મેચમાં મોહમ્મદ શહજાદે 116 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 124 રન કર્યા હતા. અફઘાનિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટે 252 રન કર્યા હતાં. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 252 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શહજાદને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ મેચ બાદ અસગર અફઘાન અને ધોની વચ્ચે વાત થઈ હતી. 

અસગર અફઘાને TOI સાથે વાતચીતમાં કહ્યું કે "મેચ ટાઈ થયા બાદ મારી ધોની સાથે લાંબી વાતચીત થઈ હતી. તેઓ એક શાનદાર કેપ્ટન છે અને ભારતીય ક્રિકેટ માટે ઈશ્વરની ભેંટ છે. તેઓ એક સારા માણસ છે. અમે મોહમ્મદ શહજાદ વિશે ઘણી વાતો કરી હતી. મે ધોનીભાઈને કહ્યું કે શહજાદ તમારો મોટો ફેન છે. ધોનીએ કહ્યું કે શહજાદનું વજન ખુબ છે, જો તે 20 કિલો વજન ઓછું કરી લે તો તેને આઈપીએલમાં પસંદ કરીશ પરંતુ જ્યારે શહજાદ સિરીઝ બાદ અફઘાનિસ્તાન પાછો ફર્યો તો તેનું વજન બીજુ 5 કિલો વધી ગયું."

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link