Mukesh Ambani House: એક સમયે આ ઘરમાં ભાડે રહતો અંબાણી પરિવાર, મુકેશ અંબાણી માટે ખૂબ જ ખાસ છે આ ઘર
અંબાણી પરિવાર મૂળ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામનો છે. અહીં તેમનું વર્ષો જૂનું પૈતૃક ઘર છે. તે અંબાણી પરિવાર દ્વારા ભાડે લેવામાં આવ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પાયો નાખનાર ધીરુભાઈ અંબાણીનો જન્મ આ ઘરમાં થયો હતો. આ બે માળની હવેલીને વર્ષ 2011માં સ્મારકમાં પરિવર્તિત કરવામાં આવી હતી.
આ ઘરનો એક ભાગ મુકેશ અંબાણીના દાદા જમનાદાસ અંબાણીએ 20મી સદીની શરૂઆતમાં ભાડે લીધો હતો. આ ઘર ગુજરાતી શૈલીનું ઉદાહરણ છે. ઘરની વચ્ચે એક આંગણું છે અને ઘણા રુમ બનાવવામાં આવ્યા છે. અંબાણી પરિવારની આ પૈતૃક સંપત્તિ 1.2 એકરમાં ફેલાયેલી છે.
ત્રણ ભાગમાં વહેંચાયેલા આ ઘરની ચારે બાજુ હરિયાળી છે. ઘરનો એક ભાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. બીજા ભાગમાં નાળિયેર અને ખજૂરનો બગીચો છે અને ત્રીજો ભાગ ખાનગી કોર્ટયાર્ડ છે.
ધીરુભાઈ અંબાણી યમનથી પરત આવ્યા બાદ આ ઘરમાં મોટા થયા હતા. મુંબઈમાં સ્થાયી થઈને સફળ બિઝનેસમેન બન્યા પછી પણ તેઓ અહીં આવતા હતા. તેમનાં પત્ની કોકિલાબેન પણ અવારનવાર અહીં આવે છે.
અંબાણી પરિવારે 2002માં આ આખી પ્રોપર્ટી ખરીદી લીધી હતી. તેનું ઉદ્ઘાટન વર્ષ 2011માં થયું હતું. મુકેશ અંબાણી માટે આ ઘર ખૂબ જ ખાસ છે. કારણ કે આ ઘર સાથે તેમની નાનપણની યાદો જોડાયેલી છે. તે ઉનાળામાં પોતાના દાદા-દાદી અને પરિવાર સાથે સમય પસાર કરવા અહીં આવતા હતા.
આજના સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા વિશ્વના સૌથી મોંઘા ઘરમાંથી એક છે. લોકો તેને અંદરથી જોવા ઈચ્છે છે. પરંતુ અંબાણી પરિવારના આ ઘરને અંદરથી જોવું દરેક માટે શક્ય નથી. પરંતુ ગુજરાતમાં આવેલું અંબાણી પરિવારનું પૈતૃક ઘર કોઈપણ જોઈ શકે છે.