Ram Mandir: 73 વર્ષના દિગ્ગજ મુસ્લિમ અભિનેતાએ કહ્યું- રામ મારા નામમાં છે, જે કઈ છું તે તેમના કારણે છું
અયોધ્યામાં શ્રીરામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની લાખો લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા લોકોનું ધ્યાન હાલ અયોધ્યા પર છે. જ્યાં 5 હજાર વર્ષ બાદ ફરીથી મંદિરમાં શ્રીરામ બિરાજમાન થશે. તેમના મંદિર નિર્માણને લઈને રાજકારણ ગરમાયું છે. જ્યાં એક બાજુ રામ મંદિર નિર્માણથી કેટલાક લોકોને પરેશાની થઈ રહી છે અને તેઓ એલફેલ બોલી રહ્યા છે ત્યાં બીજી બાજુ મોટાભાગના લોકો શ્રીરામના પાછા આવવાની ખુશીમાં ઝૂમી રહ્યા છે. અનેક સેલિબ્રિટીઓને પણ પ્રાણ પ્રતિષ્ઠામાં આવવાનું આમંત્રણ મળ્યું છે. પરંતુ જેમને આમંત્રણ નથી મળ્યું તેઓ પણ શ્રીરામના આવવાથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. પછી ભલે તે બીજા ધર્મના કેમ ન હોય.
જાવેદ અખ્તર કહી ચૂક્યા છે કે તેમને મંદિર નિર્માણમાં કોઈ આપત્તિ નથી. તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરે છે. જાવેદ અખ્તર બાદ હવે ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા રઝા અલી મુરાદે પણ ભગવાન શ્રીરામ સાથે પોતાનું કનેક્શન બતાવ્યું છે.
રઝા મુરાદે કહ્યું કે ભગવાન રામે તેમને હંમેશા આશીર્વાદ આપ્યા છે. પોતાના નામ વિશે વિસ્તારથી જણાવતા અભિનેતાએ કહ્યું કે તેમના શરૂઆતના અક્ષર RAM સાથે જોડાય છે. અત્રે જણાવવાનું કે તેમનું આખું નામ રઝા અલી મુરાદ છે. નામના પહેલા ત્રણ અક્ષરથી રામ બને છે. આ જ કારણ છે કે તેઓ પોતાનું કનેક્શન શ્રીરામ સાથે જણાવે છે.
રઝા મુરાદનું કહેવું છે કે શ્રીરામનો તેમના જીવન પર ખુબ પ્રભાવ છે. તેમનું માદરે વતન પણ શ્રીરામના નામ પર છે. જેનું નામ રામપુર છે. તમની પહેલી હિટ ફિલ્મ પણ રામના નામ પર છે. અત્રે જણાવવાનું કે 14 વર્ષની આકરી મહેનત બાદ તેમને રામ તેરી ગંગા મેલી ફિલ્મમાં બ્રેક મળ્યો અને આ ફિલ્મ લોકોને આજે પણ પસંદ છે.
દિગ્ગ્જ અભિનેતાએ વર્ષ 2021માં પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે મારા જીવનમાં પ્રભુ રામનું ખુબ મહત્વ છે. તેમની કૃપાથી જ હું આજે આ મુકામ પર છું. રામપુર પહોંચીને ખુબ ખુશી થઈ રહી છે. કારણ કે શહેર પણ શ્રીરામના નામ પર જ છે. આ વાત તેમણે ત્યારે કહી હતી જ્યારે તેઓ ઉત્તરાખંડમાં આવેલા હનુમાન મંદિર પરિસરમાં એક દુકાનના ઉદ્ધાટન માટે પહોંચ્યા હતા.
રામ તેરી ગંગા મેલી ફિલ્મ એ જ ફિલ્મ છે જેણે રઝા મુરાદની કરિયરની કાયાપલટ કરી હતી. અભિનેતાના જણાવ્યાં મુજબ તેઓ ધર્મેન્દ્રની જેમ હીરો બનવા માંગતા હતા પરંતુ હાલાતના કારણે વિલન બની ગયા. તેમણે એકવાર એમ પણ કહ્યું હતું કે કોઈ પણ અભિનેતા વિલન બનવા માંગતા નથી પરંતુ હાલાત આગળ મજબૂર થઈને જે પણ રોલ મળે તે નિભાવ્યા કરે અને આજે તેઓ આ મુકામ પર છે.
નોંધનીય છે કે હાલ અયોધ્યામાં ઉત્સાહ ચરમસીમા પર છે. કારણ કે રામ નગરી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના મહત્વપૂર્ણ અવસરને ઉજવવાની તૈયારી કરી રહી છે. પીએમ મોદીએ લોકોને આ દિવસને દીવાળી તરીકે ઉજવવા ઘરમાં ખાસ દીવા શ્રી રામ જ્યોતિ પ્રજ્વલીત કરવાની અપીલ કરી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ છે.