મહાકુંભથી મોટા સમાચાર, આ લોકોને નહિ મળે પ્રયાગરાજના મેળામાં પ્રવેશ
13 જાન્યુઆરી 2025થી પ્રયાગરાજની પાવન ધરતી અને સંગમના પવિત્ર કિનારે મહાકુંભની શરૂઆત થશે. પરંતુ 2025ના મહાકુંભ પર શરૂઆતથી જ વિવાદોનો પડછાયો મંડરાઈ રહ્યો છે. અને હવે તાજો વિવાદ મહાકુંભ મેળા વિસ્તારમાં મુસ્લિમ સમુદાયના લોકોની દુકાન લગાવવાને લઈને છે. ત્યારે શું મહાકુંભના મેળામાં મુસ્લિમો ભાગ લઈ શકે?
હિન્દુઓની આસ્થાનું મહાપર્વ એટલે મહાકુંભ. શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણનો મેળો એટલે મહાકુંભ. સનાતન ધર્મના પૌરાણિક મહત્વને સમેટનારું પર્વ એટલે મહાકુંભ. 13 જાન્યુઆરી 2025થી પ્રયાગરાજની પાવન ધરતી અને સંગમના પવિત્ર કિનારે મહાકુંભની શરૂઆત થવાની છે. પરંતુ મહાકુંભ 2025નો મેળો શરૂઆત પહેલાં જ વિવાદોમાં આવી ગયો છે. જેમાં હવે નવો વિવાદ મહાકુંભના મેળા વિસ્તારમાં મુસ્લિમ સમુદાયના લોકોની દુકાન લગાવવાને લઈને છે.
અખાડા પરિષદે બિન હિંદુઓને દુકાન લગાવવાની અનુમતિ નહીં આપે. જેના માટે અખાડા પરિષદ પ્રયાગરાજમાં બેઠકનું આયોજન કરશે. આ બેઠકમાં બિન હિંદુઓને પરમિશન ન આપવાના નિર્ણય પર ઔપચારિક મહોર લગાવાશે. મહાકુંભના મેળામાં મુસ્લિમોને નો એન્ટ્રી પર બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન મળ્યું છે.
અખિલ ભારતીય અખાડા પરિષદનો આ નિર્ણય મૌલાના અને ઉલેમાઓ માટે મોટો ઝટકો છે. મૌલાનાઓનો તર્ક છે કે જો મહાકુંભના મેળામાં મુસ્લિમોની દુકાનને એન્ટ્રી નહીં મળે તો તણાવ વધશે. તેનાથી સમાજમાં નફરત ફેલાશે.
મહાકુંભના વિસ્તારમાંથી મુસ્લિમોને દૂર રાખવાની પાછળનું કારણ મેળામાં થતો વેપાર પણ છે. એક આંકડા પ્રમાણે કુંભના મેળામાં 45 હજાર પરિવારોને સીધો રોજગાર મળે છે. વિદેશી મહેમાન આવવાથી વેપારનો આંકડો ઘણો ઉપર જશે.
2025ના મહાકુંભમાં 40 કરોડ લોકો આવશે તેવું અનુમાન છે. એવામાં જો 40 કરોડ લોકોના 500 રૂપિયાનો સરેરાશ ખર્ચ ગણીએ તો 20 હજાર કરોડનો વેપાર થાય. એટલે મહાકુંભના મેળામાંથી મુસ્લિમોને દૂર રાખવાનો નિર્ણય મુસ્લિમો માટે મોટા ઝટકા સમાન છે.