દેવદિવાળીની સંધ્યાએ 1.25 લાખ દીવડાથી ઝગમગી ઉઠ્યું નડિયાદનું સંતરામ મંદિર, જુઓ તસવીરો
સાંજના સમયે મંદિર પરિસરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભવ્ય આતશબાજી સાથેનો આ અલૌકિક નજારો જોવા ભક્તો મંદિરમાં જ્યાં જગ્યા મળે ત્યાં જોવા ઊભા થઈ ગયા હતા. સૌપ્રથમ ભક્તોએ સંતરામ મંદિરના પટાંગણમાં ગરબા ગાઈ હોતપ્રોત બન્યા હતા.
નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પર આવેલ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી ૫. પૂ. પ્રાતઃસ્મરણિય રામદાસજી મહારાજની નિશ્રામાં કરવામાં આવી છે. સોમવારે સંધ્યા ટાંણે મંદિરના શિખરથી લઈને પરિસર તથા આગળ સર્કલ સુધી હજારોની સંખ્યામાં દીપમાળાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. અસંખ્ય દીપમાળાઓથી મંદિર સજી ઉઠતાં ભવ્ય નજારો જોવા મળ્યો છે.
લગભગ 1 લાખ 25 હજારના દીપમાળાઓથી મંદિર સજી ઉઠ્યું છે. જેમાં તેલના, દિવેલના અને મીણના કોડિયાનો ઉપયોગ કરાયો છે. મંદિરમાં ભવ્ય રોશની થતાં સમગ્ર વાતાવરણને સૌ ભાવિક ભક્તોએ આ પળને પોતના મોબાઇલમાં કેપ્ચર કરી હતી. તો બીજી બાજુ મંદિર પરિસર 'જય મહારાજ'ના નાદ સાથે ભક્તોથી ગૂંજી ઊઠ્યું હતું.
શ્રી સંતરામ મહારાજ જ્યોત સ્વરૂપે અહીંયા બીરાજે છે. 192 વર્ષ પહેલા મહારાજે સમાધિ લીધી ત્યારે તેમની ઉર્જાથી અહીંયા દીવા પ્રગટેલા છે. વર્ષોની પરંપરા મુજબ દેવદિવાળીના પર્વે અહીંયા તેલ, ઘી અને મીણના દીવાઓથી રોશની કરી મંદિરને ઝગમગાટ કરવામાં આવે છે. આ દિવસ દરમિયાન પુરા ગુજરાતમાંથી ભક્તો અહીંયા આવે છે અને મહારાજશ્રીના આર્શીવાદ મેળવે છે.