Photos : ગત ચૂંટણીમાં PM મોદીએ જે ચાવાળાને ટેકેદાર બનાવ્યા હતા, તેણે લોકસભા માટે નોંધાવી દાવેદારી

Sat, 16 Mar 2019-3:44 pm,

લોકસભાની ચૂંટણી અંગે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. લોકશાહીમાં મહાપર્વની ઉજવણી કરવા મતદારોમાં પણ ખૂબ ઉત્સાહ દેખાય રહ્યો છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા લોકસભાની ટીકીટ માટે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા ભાજપા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ભાજપા પ્રદેશ દ્વારા નક્કી કરેલ ત્રણ નિરીક્ષકોએ ગઈકાલે વડોદરાના કાર્યકરો અને ટિકિટના દાવેદારોને સાંભળ્યા હતાં. સમગ્ર પ્રક્રિયામાં મહત્વની એક વાત સામે આવી તે એ હતી કે, વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેકેદાર રહી ચૂકેલા અને ચાની લારી ચલાવતાં કિરણ મહિડાએ પણ લોકસભાની ઉમેદવાર તરીકેની દાવેદારી નોંધાવી છે. ટેકેદાર પોતે લોકસભાના ઉમેદવાર માટે દાવેદાર બન્યાની આ ઘટના આજે વડોદરા ભાજપામાં ચર્ચાનો વિષય બન્યો છે. 

વડોદરા ખાતે આવેલ ભાજપના નિરીક્ષકો સામે અનેક કાર્યકરોએ પોતાના માનીતા નેતાઓને લોકસભાના ઉમેદવારના દાવેદાર તરીકે રજૂ કરી પ્રતિભાવ આપ્યા હતા. ત્યારે વડોદરાના સિનિયર નેતાઓ જેવા કે પૂર્વ સાંસદ બાળુ શુક્લ, ધારાસભ્ય જીતુ સુખડીયા, પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર લાખાવાલા, પૂર્વ મેયર ભરત ડાંગર, વર્તમાન મેયર ડો.જીગીષાબેન શેઠ, વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડો જ્યોતિ પંડ્યાએ દાવેદારી નોંધાવી છે. આ તમામ ચહેરાઓ વચ્ચે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના ટેકેદાર રહી ચૂકેલા કિરણ મહિડાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે. 

કિરણ મહિડા પોતે ચા વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. કિરણ મહિડા પણ ઘણા વર્ષોથી ભાજપામાં જોડાયેલા છે. તેઓએ લોકસભાના ઉમેદવાર તરીકેની દાવેદારી નોંધાવ્યા બાદ તેમના ટેકેદારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ટેકેદારો અને કાર્યકરોએ જણાવ્યું કે, કિરણભાઈને ટીકીટ મળશે તો એટલા જ ઉત્સાહ સાથે તેમની લોકસભાની ચૂંટણીમાં જીતાડવાના પ્રયાસ કરવામાં આવશે. 

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પ્રશાંત પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યો છે. ભાજપાના ગઢ સમાન વડોદરાની બેઠકની ટિકીટ કોને અપાશે તેનું સસ્પેન્સ હજી યથાવત રહ્યું છે. શહેરમાં અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યાં છે. ત્યારે, વડોદરા બેઠકના ઉમેદવારને નક્કી કરવાની કવાયતના ભાગરૂપે ત્રણ પ્રદેશ નિરીક્ષકો દ્વારા કાર્યકરો અને દાવેદારોને સાભળ્યાં હતા. હોદ્દેદારો અને અગ્રણીઓએ એવી રજૂઆત કરી છે કે, વડોદરા બેઠક પર આયાતી ઉમેદવારને બદલે સ્થાનિક ઉમેદવારની પસંદગી થવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાથી લડશે તો કોઈ વાંધો નથી. પરંતુ, જો આયાતી ઉમેદવારને ટિકીટ અપાશે તો તેનો વિરોધ થશે. વડોદરાના મતદારો લોકસભાની ચૂંટણીમાં ભાજપાને ખોબે ખોબા મત આપે છે. કેસરીયાં રંગે રંગાયેલી વડોદરા બેઠક પર કોને ઉમેદવારી સોંપવામાં આવશે તેની ચર્ચા શહેરમાં થઈ રહી છે. આ વખતે વડાપ્રધાન મોદીના ટેકેદાર તરીકે ઓળખાતા કિરણ મહિડાએ દાવેદારી નોંધાવી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link