આનંદો! ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 132.54 મીટરે, જુઓ છલોછલ થયેલા ડેમની PHOTOs
ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. હાલમાં જ રિપોર્ટ મળી રહ્યાં છે કે નર્મદા ડેમ જળ સપાટી હાઇએસ્ટ લેવલ પર એટલે કે, જળસપાટી 132.54 મીટરે પહોંચી છે.
હાલમાં મળતી માહિતી પ્રમાણે, નર્મદા ડેમની સપાટી 132.54 મીટર સુધી પહોંચી છે, અને જળસપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, હવે મહત્તમ સપાટીથી તે માત્ર 6 મીટર દૂર છે.
નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી ટુંક સમયમાં ભરાય એવી આશા હાલમાં ઇજનેરો કરી રહ્યા છે. હાલ 3570 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. ડેમમાં પાણીની આવક સતત રહેતા તમામ rbph chph પાવર હાઉસ ચાલુ રખાયા છે. પાવર હાઉસ ચાલુ થતા રોજની 2.85 કરોડની વીજ આવક થઈ રહી છે. જે ગુજરાત વાસીઓ માટે સારા સમાચાર છે. ગુજરાતમાં વરસાદ બંધ રહેતા ખેડૂતો સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યા છે. જોકે પાણીની તમામ જરૂરિયાત માટે નર્મદા બંધ સક્ષમ છે.
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 79.83 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.80, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 71.17 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 18.97 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 72.37 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.23 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.70 ટકા જળસંગ્રહ થયો છે.