નમામિ દેવી નર્મદે! નર્મદા મૈયાના જન્મ જયંતીએ 1100 ફૂટની ચુંદડી ઓઢાવાઈ, અદભૂત દ્રશ્ય જોનારા મોહી ગયા
ભારતમાં એકમાત્ર જે પવિત્ર નદીની પરિક્રમા થાય છે એ નર્મદા મૈયાની આજે જન્મ જયંતી છે. ત્યારે નર્મદા જયંતી નિમિતે નર્મદા જિલ્લાના માંગરોળ ગામમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદામૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરાઈ હતી. નર્મદા મૈયાની ‘નમામિ દેવી નર્મદે’ ના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થઈને નર્મદા મૈયાને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે પહોંચ્યા હતા.
આ નજારો દરેક માટે અદભૂત બની રહ્યો હતો. એકબીજાના હાથની મદદથી નર્મદા મૈયાને સાડી અર્પણ કરવામાં આવી હતી. નર્મદા મૈયાને 1100 ફૂટ જેટલી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. દસથી વધારે નૌકાઓની મદદ લઇ શ્રધ્ધાળુઓ નાવડીમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી હતી.
આ એ જ માંગરોળ ગામ છે, જે 6 મહિના પહેલામાં નર્મદા નદીમાં આવેલા પૂરને કારણે ડૂબી ગયું હતું અને ખેડૂતોને મોટાપાયે નુકશાન પણ થયું હતું. આ ગામના ગામજનોમાં માં નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા છે. દર જયંતીએ મા નર્મદાની પૂજા કરી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
તમે ગુજરાતી ફિલ્મ રેવામાં આવુ દ્રશ્ય જોયું હશે, જ્યાં ફિલ્મના અંતે નર્મદા નદીને ચુંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ બતાવવામાં આવે છે.