આજથી દરિયાનું બળ ઘટશે, માછીમારોએ શ્રાવણી પૂનમે દરિયા દેવની પૂજા કરીને માછીમારી સીઝનની શરૂઆત કરી
પવિત્ર નાળીયેરી પૂનમના દિવસે સાગરખેડુ એવા માછીમાર સમુદાય દ્વારા પરંપરાગત રીતે આજે દરિયા દેવનું પૂજન અર્ચન કરી પોતાની દરિયામાં મચ્છીમારી માટે જવાની તૈયારી કરી હતી. સાથે જ વર્ષ દરમિયાન દરિયો શાંત રહે અને માછીમારોના રક્ષણ સાથે જ પૂરતી રોજગારી પણ મળી રહે એવા ભાવ સાથે નારિયેળ પધરાવી પ્રાર્થના કરી.
નવસારી જિલ્લાને 52 કિમીનો લાંબો દરિયો મળ્યો છે અને દરિયા કાંઠે વસેલા લાખો માછીમારો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. નવસારીના ધોલાઈ બંદરેથી નવસારી અને વલસાડ જિલ્લાની 1200 બોટ દરિયામાં માછીમારી કરવા જાય છે. ત્યારે આજે માછીમારોએ વર્ષો જૂની પરંપરા મુજબ નાળિયેરી પૂનમના પવિત્ર દિવસે ઉજવણી કરી. માછીમારોના પરિવારજનોએ કળશ યાત્રા કાઢી, વિધિ વિધાન સાથે નારિયેળ પધરાવી દરિયાદેવનું પૂજન કર્યું હતું. સાથે જ સમગ્ર વર્ષ દરમિયાન દરિયા દેવ શાંત રહે અને મબલખ મચ્છી આપવા સાથે માછીમારી કરવા જતા માછીમારોની રક્ષા કરે એવા ભાવ સાથે પ્રાર્થના કરી હતી.
નવસારીના ધોલાઈ બંદરેથી નવસારી અને વલસાડ જિલ્લાની 1200 થી વધુ ફિશિંગ બોટ કાર્યરત થઈ છે. બંદરથી 4 હજારથી થી વધુ માછીમારોને રોજગારી આપે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અંદાજે 25 હજાર માછીમારો દરિયા થકી રોજગારી મેળવે છે. ત્યારે આ વર્ષે અધિક માસ હોવાથી થોડા માછીમારોએ તારીખ પ્રમાણે માછીમારી આરંભી હતી. ત્યારે આજથી વિધિવત માછીમારોએ બોટની પૂજા કરી, કરિયાણું, બરફ વગેરે જરૂરી સમાન ભરાવીને દરિયામાં જવાની તૈયારી કરી હતી.
જમીન પર ખેતીની જેમ માછીમારો દરિયો ખેડીને દરિયાઈ મેવાની ખેતી કરતા હોય છે. ત્યારે આજથી દરિયાનું જોર એટલે કે બળ ઘટતું હોય છે. જેથી શ્રાવણી પૂનમને બળેવ પણ કહેવાય છે. ત્યારે 9 મહિના દરિયો માછીમારોને સાચવે અને ધંધો રોજગારી સારા પ્રમાણમાં આપે એ કામના સાથે આજથી માછીમારો મચ્છીમારી માટે દરિયો ખેડશે.