રેતીનું વાવાઝોડું અને કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોની વધી ગઈ ચિંતા! હવે છે આ ખતરો

Tue, 14 May 2024-4:22 pm,

છેલ્લા થોડા વર્ષોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યુ છે. ડીસેમ્બરમાં આંબાવાડીઓમાં આમ્ર મંજરી આવતી હતી, પણ ગરમીને કારણે ઋતુચક્ર પર થયેલી અસરથી બે ત્રણ વર્ષોમાં જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી મહિનામાં મોર ફૂટી રહ્યા છે. જેની સાથે જ માર્ચમાં ગરમીઓ પારો ઉંચો રહેવાથી કેરીમાં જે અંકુરણ થવુ જોઈએ એને પણ અસર થાય છે. જેની સાથે જ મોરવા ગરમી સહન ન કરી શકતા, ખરણ પણ વધ્યુ હતુ. 

ખરણ થવા સાથે જ ફળમાખીઓ ઉપદ્રવ અને ફૂગ જન્ય રોગથી આંબાવાડીને બચાવવા ખેડૂતોએ જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો. પરંતુ વધેલી ગરમીને કારણે આંબાવાડીઓમાં 40 થી 50 ટકા જ કેરી રહી હતી. પરંતુ ત્યારબાદ પણ એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 42 ડીગ્રી સુધી રહેતા કેરીના ફળ નાના જ રહીને પરિપક્વ થતા બજારમાં કેરીની આવક પણ ઓછી રહી હતી. 

જોકે ખેડૂતોને કેસરનો પ્રતિ મણ 2200 રૂપિયાથી વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પરંતુ ફરી હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી થતા ખેડૂતોની ચિંતા વધી છે. કારણ જે ફાલ મે અને જુનના મધ્ય સુધીમાં આવવાનો હતો. એમાં તોફાની પવનને કારણે ખરણ થવાની સંભાવના જોવાઈ રહી છે. સાથે જ માવઠુ થાય તો ભેજ વાડીમાં ભેજ વધશે, પણ ગરમીને કારણે ફળ નાનું રહી જવાથી યોગ્ય ભાવ મળવા મુશ્કેલ થશે.

બદલાતા વાતાવરણ અને તેમાં પણ છેલ્લા 7 વર્ષોમાં વધેલી ગરમી કેરી અને ચીકુના પાક ઉપર મોટી અસર કરી રહી છે. નવસારી કૃષિ યુનીવર્સીટીના બાગાયત વિભાગના નિષ્ણાંતોના મતે કેરીને તૈયાર થવામાં પાયાનું તાપમાન 18 ડીગ્રી અને તેનાથી વધુ તાપમાન હોય, જે હીટ યુનિટ સ્ટોર કરે છે. 

કેરીના ફળને 950 હીટ યુનિટ મળે એટલે પરિપક્વ થઇ જાય છે. પરંતુ છેલ્લા થોડા મહિનામાં વાતાવરણમાં ગરમી 35 થી 42 ડીગ્રી રહેતા ફળને વધુ હીટ યુનિટ મળતા કેરીના ફળનું કદ નાનું રહેવા પામ્યુ છે. જેની સાથે જ વહેલું પરિપક્વ થાય છે. એક રીતે માવઠું આંબાવાડીને બહુ નુકશાન કરતુ નથી, પણ પવનો વધુ હોય તો ખરણ થવાની શક્યતા વધે છે. 

સાથે જ જીવાત થવાને કારણે પણ નુકશાની વેઠવી પડે છે. જયારે ચીકુમાં કળીને કોરી ખાનારી ઈયળ થવાથી ઉત્પાદન ઉપર અસર થાય છે. એક અંદાજ મુજબ ઋતુચક્રમાં 1 મહિનાનો તફાવત આવ્યો છે. જેથી કેરીના પાકને બચાવવા સેન્દ્રીય ખાતર અથવા નોવેલ ખાતરનો ઉપાયોગ હિતાવહ છે. 

ખેતી સૂર્યની ગરમી ઉપર નિર્ભર છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં વધેલી ગરમીએ ઋતુચક્ર બદલી નાખ્યુ છે. તેની સીધી અસર ખેતી ઉપર થઇ રહી છે. જેનાથી આખું વર્ષ રાહ જોવાતી હોય, એવી કેરી પણ બાકાત રહી નથી. જેથી આ વર્ષે કેરી રસિયાઓને કેરીની મીઠાશ નિરાશા આપે એવી સંભાવના જોવાઇ રહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link