એક વિવાહ ઐસા ભી! લગ્નમાં પીરસાયા પ્રાકૃતિક ખેત પેદાશોથી બનેલા વ્યંજનો, આપ્યો મોટો સંદેશ

Mon, 02 Jan 2023-9:49 am,

વાતાવરણમાં આવતો બદલાવ ગ્લોબલ વોર્મિંગને કારણે છે. જેમાં રાસાયણિક ખેતીનો પણ મોટો હાથ હોવાનું કૃષિ વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ફરી પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાતમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી છે.

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પૂર્વ વડા અને પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટીંબડિયાએ ખેડૂતો સાથે સમાજ પણ પ્રાકૃતિક ખેત પેદાશોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતો થાય અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પણ પ્રોત્સાહન મળે એ હેતુથી પોતાના પુત્રના લગ્નમાં તમામ વ્યંજનો પ્રાકૃતિક રીતે પકવેલ ખેત પેદાશોથી બનાવી મહેમાનોને પીરસ્યા હતા, જેને મહેમાનોએ મન ભરીને માણ્યા અને પ્રાકૃતિક સ્વાદ વખાણ્યો હતો. સાથે જ કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ પણ પ્રાકૃતિક ખેત પેદાશોને લગ્નમાં સ્થાન આપી સમાજમાં નવી પ્રેરણા આપવા બદલ ડૉ. ટીંબડિયાને અભિનંદન પાઠવ્યા હતા. 

ડૉ. સી. કે. ટિંબડિયા પ્રાકૃતિક ખેતીને ખેડૂતો અપનાવે એના પ્રયાસો કરતા રહે છે, ત્યારે પુત્રના લગ્નમાં મહેમાનોને પ્રાકૃતિક રીતે પકવેલ ખેત પેદાશોનો સ્વાદ ચખાડવાના વિચાર સાથે પ્રાકૃતિક ખેત પેદાશોમાંથી બનેલ ભોજન બનાવાયું. જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને મહારાષ્ટ્રમાંથી પણ ખેત પેદાશો મેળવવામાં આવી હતી. ઘી અને દૂધ સૌરાષ્ટ્ર તથા બનાસકાંઠાથી લાવવામાં આવ્યું, તો શાકભાજી, કઠોળ, મસાલા અને અન્ય સામગ્રી ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી લાવવામાં આવી અને લગ્નમાં મહેમાનોને પ્રાકૃતિક અને સાત્વિક ભોજન પીરસવામાં આવ્યું હતુ.

વધતી વસ્તી સામે જરૂરિયાતને પહોંચી વળવા 1960 માં હરિત ક્રાંતિ થઈ અને ખેતીમાં રસાયણોનો ઉપયોગ શરૂ થયો હતો. પરંતુ ખેતીમાં વધુ પડતાં રસાયણોનો ઉપયોગ માનવ જીવન પર અસર પાડી રહ્યો છે. ત્યારે વૈજ્ઞાનિક અભિગમ સાથે ફરી પ્રાકૃતિક ખેતી તરફ વળવું માનવ જીવન માટે જરૂરી બની ગયુ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link