આ રીતે વરસાદને બોલાવે છે ગુજરાતના પારસી : ઘી-ખીચડી સાથે જોડાયેલી આ પરંપરા
ઈરાનમાં પારસીઓ પર આવી પડેલી આપત્તિને પગલે ભારતમા આવીને વસેલા પારસીઓ આજે ભારતના રંગેરંગાઈ ગયા છે. દયાળુ અને દાનવીર ગુણો ધરાવતા પારસીઓ જનસમુદાયના હિત માટે સદાય પુણ્ય કાર્ય કરવા તત્પર રહેતા હોય છે. હાલ પારસી સમાજનો પવિત્ર મહિનો ગણાતો બમન મહિનો ચાલી રહ્યો છે. દેશમા વરસાદની પેટર્ન પ્રમાણે જુન માસ અડધો વીતી ગયો છે અને લોકો વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે વરસાદની વહેલા પધરામણી માટે પારસીઓ આ પારંપારિક ધી ખીચડીનો કાર્યક્રમ કરી રહ્યા છે. દેશમા સારો વરસાદ વરસે અને સારુ અનાજ પાકે તેના માટે વરુણ દેવતાને રીઝવવા પારસી અદામા ગીતો ગાઈને મેધરાજાને રીઝવી રહ્યાં છે.
આ પરંપરા વિશે નવસારીના પારસી યુવકે શાહવીર સુરાઈવાલા જણાવે છે કે, પ્રકૃતિના પૂજક એવા પારસીઓ આ માસ દરમિયાન હિન્દુ ધર્મમા વર્જ્ય ગણાતી તમામ વસ્તુઓના ત્યાગ કરે છે. પ્રકૃતિ પ્રેમી ગણાતો પારસી સમાજ સમગ્ર વિશ્વની શાંતિ માટે સમયસર વરસાદ વરસે તેના માટે ઘર ઘર ફરીને પારસી સમાજે તૈયાર કરેલા પારંપારિક ગીતો ગાતા-ગાતા સમાજના તમામ ઉંમરના યુવાનો ટોળામા નીકળે છે અને પારસી સમાજના ઘરોમાથી ચોખા, દાળ, તેલ અને ઘી ઉધરાવીને સમુહમાં ખીચડી બનાવી ઘી ખીચડીનો જમણવાર કરે છે.
પારસી સમાજની આ પરંપરા અંદાજીત 120 વર્ષ જૂની છે અને વારસાગત આ પરંપરા આમ જ ચાલતી રહે છે. આ પરંપરા માત્ર નવસારી ખાતે જ ઉજવવામાં આવે છે. જેમાં નવસારીના પારસી સમાજના લોકો ભેગા મળી અને વરુણ દેવને રીઝવવાના પ્રયાસો કરે છે. ત્યારે ઘી ખીચડી થકી પારસી સમાજના યુવાનો જ નહીં, પણ આબાલવૃદ્ધ તમામ એક થઈ સમાજની એકતાનો સંદેશ આપે છે.
તો પારસી અગ્રણી વિવાન કાસદ કહે છે કે, અન્ન હોય તો જ જીવન ટકી શકે તેના માટે વરસાદ વર્ષે તો જ અનાજ પાકે અને ધરતી પર માનવજીન ટકી શકે તેવા શુભ આશયથી વર્ષા રાણીને રીઝવવા માટે પારસી સમાજની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જેને આજે પણ ટકાવી રહ્યા છે.
નવસારીમાં આજે અંદાજીત 3000 થી વધુ પારસી પરિવાર વસે છે અને પોતાની પરંપરાને જાળવી રાખવા માટે અને આવનારી પેઢીને આ પરંપરાનું મહત્વ સમજાય એવા પ્રયાસો કરી રહી છે.