શિક્ષક હોય તો આવો, બચત બેંકના આઈડિયાથી આજે ગરીબ બાળકો કરી શકે છે પ્રવાસ

Fri, 08 Sep 2023-11:56 am,

કહેવાય છે કે, શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. આજે આપણે વાત કરીશું એક એવા જ અસાધારણ શિક્ષકની, જેમણે તેમના વિદ્યાર્થીઓને જિંદગી માટે સૌથી મહત્વના એવા બચતના પાઠ ભણાવ્યા છે. નવસારીની છાપરા પ્રાથમિક શાળાના રાજેશ ઝાલરિયાએ આ કામ કર્યું છે. શ્રમિક વિસ્તારમાંથી આવતા બાળકો પ્રવાસ ફી ન આપી શકતા નવસારીની છાપરા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશ ઝાલરિયા મૂંઝાયા હતા. રૂપિયાની કિંમત જ્યારે ન હોય ત્યારે સમજાય છે. એટલે જ વડીલો કહે છે કે જે કમાવો એમાંથી થોડી બચત કરવી જરૂરી છે. જે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે. કારણ બાળકોના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક પ્રવાસ જરૂરી છે. શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસે આવવા આર્થિક સંકડામણ ન નડે તે માટે ખાસ બચત બેંક શરૂ કરી.

શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસે આવવા આર્થિક સંકળામણ ન નડે એ હેતુથી શિક્ષક રાજેશને વિચાર સ્ફૂર્યો કે શાળામાં વિદ્યાર્થીઓ માટે બચત બેંક શરૂ કરીએ, જેના માટે શાળાના અન્ય શિક્ષકો અને વાલીઓ સાથે બેઠક કરી અને ચર્ચા વિચારણાને અંતે શરૂ થઈ છાપરા બચત બેંક. આ બેંકનું બંધારણ પણ ઘડવામાં આવ્યુ, નિયમો પણ બન્યા અને બેંકની સમિતિ પણ રચાય. શાળાના ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ પોતાના વર્ગ શિક્ષકને એક રૂપિયાથી લઈ 100 રૂપિયા સુધીની રકમ બચત તરીકે જમા કરાવે છે. 

ઘરે આવતા સંબંધીઓ પાસે મળતા રૂપિયા, શાળાએ આવતી વખતે માતા-પિતા પાસેથી મળતી પોકેટ મનીમાંથી બાળકો આજે બચત કરતા થયા છે. હવે વિદ્યાર્થીઓ ઘરે માતા પિતા પાસે ફક્ત પ્રવાસની મંજૂરી માંગે છે. બાકી પ્રવાસ ફીની વ્યવસ્થા તેમની બચતમાંથી જ થઈ જાય છે. સાથે જ શાળાએ શીખવેલા બચતના ગુણથી વિદ્યાર્થીઓ ખુશ છે.

આજે ધોરણ 3 થી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ પોતાની બચત જમા કરાવે છે. પોકેટ મનીમાંથી પૈસા બચાવીને બાળકો આ બેંકમાં જમા કરાવે છે અને જ્યારે શાળા પ્રવાસનું આયોજન કરાવે છે ત્યારે એમાંથી જ પ્રવાસ ફી ભરે છે. સાથે જ 8માં ધોરણમાં જ્યારે વિદ્યાર્થીઓ શાળા છોડીને જાય ત્યારે આ પૈસા તેમને પાછા આપવામાં આવે છે. 

કોરોના કાળમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને આ બચતનું મહત્વ સમજાયું હતું. આ પહેલના કારણે  દસ વર્ષોમાં શાળાના ઘણા વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને રાજસ્થાનનો પ્રવાસ પણ ખેડ્યો છે. શાળાના શિક્ષકો દ્વારા શરૂ કરાયેલી બચત બેંકમાં 400 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ટીપે ટીપે કરાયેલી બચત વર્ષે દોઢ લાખ સુધીના સાગરમાં પરિણામી છે. ત્યારે નાની વયે બાળકોમાં બચતની આદત કેળવનારા શિક્ષક રાજેશ ઝાલરિયાની શિક્ષણ વિભાગમાં સરાહના થઈ રહી છે. 

પ્રતિ વિદ્યાર્થી સરેરાશ 400 રૂપિયાથી વધુની બચત પ્રતિ વર્ષ થાય છે. ત્યારે વર્ષ 2019/20 માં ત્રણ દિવસના પ્રવાસમાં 61 વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હતા. જેમાં થયેલા કુલ ખર્ચ માંથી 24,000 થી વધુ રૂપિયા શાળાની બચત બેંકમાંથી વિદ્યાર્થીઓએ પ્રવાસ ફી પેટે ભર્યા હતા. જ્યારે ધોરણ 8 માંથી વિદાય લેતા વિદ્યાર્થીઓને પણ તેમની બચતના રૂપિયા પરત આપવામાં આવ્યા હતા. ત્યાર પછીના બે વર્ષ કોરોના કાળમાં ગયા, ત્યારે વાલીઓને પણ બચતનો ગુણ સમજાયો હતો. જેથી ગત વર્ષે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી બચતમાંથી ફક્ત 5,000 થી વધુ રૂપિયા જ બચત બેંકમાંથી વિદ્યાર્થીઓએ વાપર્યા હતા. કારણ વાલીઓએ વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી બચત તેમને અભ્યાસમાં કામ લાગશે તેવી આશા વ્યક્ત કરી હતી. 

10 વર્ષ અગાઉ જે શાળાના વિદ્યાર્થીઓ એક દિવસીય પ્રવાસની ફી ભરવાનું પણ વિચારતા હતા, ત્યાં આજે શાળાના શિક્ષક રાજેશ દ્વારા શરૂ કરાયેલી શાળાની છાપરા બચત બેંક, ફી નહીં ભરી શકતા વિદ્યાર્થીઓને ત્રણથી ચાર દિવસનો પ્રવાસ કરાવે છે. દસ વર્ષોમાં શાળાના ઘણા વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને રાજસ્થાનનો પ્રવાસ પણ ખેડયો છે. ત્યારે નાની વયે બાળકોમાં બચતની આદત કેળવનારા શિક્ષક રાજેશ ઝાલરિયાની શિક્ષણ વિભાગમાં સરાહના થઈ રહી છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link