નીરજ ચોપડાથી લઈને મનુ ભાકર સુધી, પેરિસ ઓલિમ્પિક્સમાં મેડલ જીતનારને કેટલા પૈસા મળ્યા? જાણો

Fri, 09 Aug 2024-9:39 pm,

શૂટર ગર્લ મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતના મેડલની શરૂઆત કરી હતી. આ પછી તેણે શૂટિંગના અન્ય ફોર્મેટમાં વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો. આ રીતે મનુએ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. મનુની આ સિદ્ધિ પછી, ભારત સરકારના રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ તેને 30 લાખ રૂપિયાના રોકડ પુરસ્કારથી સન્માનિત કર્યા.

માત્ર 22 વર્ષની ઉંમરે અંબાલાના સરબજોત સિંહે 10 મીટર મિશ્ર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકર સાથે બ્રોન્ઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો. મિક્સ્ડ એર પિસ્તોલમાં ભારતનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. સરબજોત સિંહને રમતગમત મંત્રી માંડવિયા દ્વારા 22.5 લાખ રૂપિયાના ચેકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પુણેના રહેવાસી સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કુસલે માટે 1 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.

ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઐતિહાસિક જીત બાદ, હોકી ઈન્ડિયાએ ટીમના દરેક સભ્ય માટે 15 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફના દરેક સભ્ય માટે 7.5 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પંજાબ અને ઓડિશાના મુખ્યમંત્રીઓએ પણ રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી.

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ ઓડિશાના વતની એવા ડિફેન્ડર અમિત રોહિદાસને 4 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. સાથે જ ટીમના દરેક ખેલાડી માટે 15 લાખ રૂપિયા અને દરેક સપોર્ટ સ્ટાફ મેમ્બરને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે.

તે જ સમયે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને હોકી ટીમમાં સામેલ પંજાબના દરેક ખેલાડીને 1 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. કેપ્ટન હરમનપ્રીત સિંહ પંજાબ રાજ્યનો છે.

ટોક્યો ઓલિમ્પિક 2020ના ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. જો કે નીરજ ચોપરા માટે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ટોક્યો ઓલિમ્પિક પછી જે રીતે તેમના પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો, આ વર્ષે પણ એવી જ અપેક્ષા છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ચોપરાને હરિયાણા સરકાર દ્વારા 6 કરોડ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ એસોસિએશન મેડલ વિજેતાઓને રોકડ પુરસ્કાર આપતું નથી. પરંતુ દરેક દેશનું ઓલિમ્પિક્સ એસિસોએશન સામાન્ય રીતે એથલીટોને રોકડ પુરસ્કાર આપે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓલિમ્પિક્સ મેડલ વિજેતાઓ માટે ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશને પણ રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. ગોલ્ડ મેડલ વિજેતા માટે 1 કરોડ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતા માટે 75 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ જીતનારને 50 લાખ રૂપિયા આપવામાં આવશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link