અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ઉષ્માભેર સ્વાગત
ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂકની જાહેરાત 15 જુલાઈ, 2019ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતના પદનામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના રાજ્યપાલ તરીકે સોમવારે યોજાનારા શપથ સમારોહની વિધાનસભાના અધ્યક્ષ દ્વારા જાહેરાત કરાઈ હતી.
અમદાવાદ આવી પહોંચેલા પદનામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તેમને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાચાર્ય ડો.દેવવ્રત આચાર્ય ભાજપના સક્રિય સદસ્ય હતા. તેમનુ કોઈ રાજનીતિ કરિયર ન હતું. આર્ય સમાજી હોવાને કારણે તેમના પ્રૂવ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે સારા સંબંધ હતા. તેથી તેમને હિમાચલના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેમના યોગગુરુ રામદેવ બાબા સાથે પણ સારો પરિચય છે. તેમણે 12 ઓગસ્ટ 2015ના રોજ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો હતો. રાજ્યપાલ બનતાં પહેલાં આચાર્ય દેવવ્રત હરિયાણાના કુરુક્ષેત્રની ગુરુકુળના પ્રધાનાચાર્ય હતા. 18 જાન્યુઆરી 1959, સમાલખા હરિયાણામાં તેમનો જન્મ થયો હતો. તેઓ વર્તમાનમાં પણ હરિયાણાની ગુરુકુલના પ્રધાનાચાર્ય છે. તેઓ સામાજિક જીવનમાં આર્ય સમાજના પ્રચારક પણ રહી ચૂક્યા છે. હિમાચલના રાજ્યપાલ બન્યા બાદ તેમણે ડ્રગ અબ્યુઝ અને અસહિષ્ણુતા મુદ્દે તાત્કાલિક ધોરણે અધિકારીઓ સાથે બેઠક કરી યોગ્ય પગલાં લેવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત, ભ્રૂણ હત્યા અને બેટી બચાઓ બેટી પઢાઓ યોજના સાથે તેઓ લાંબા સમયથી જોડાયેલા છે.
શિક્ષણ ક્ષેત્રને વધુ સારુ બનાવવા માટે તેમને 19 જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે. જેમાં ભારત જ્યોતિ એવોર્ડ, અમેરિકન મેડલ ઓફ ઓનર પણ સામેલ છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપથી, નવી દિલ્હીથી 2002માં ડોક્ટર ઓફ નેચરોપથી એન્ડ યૌગિક સાયન્સની ડિ્ગ્રી પ્રાપ્ત કરનારા દેવવ્રત વેદ પ્રચાર માટે સ્વિટ્ઝલેન્ડ, નેધરલેન્ડ, હોલેન્ડ, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, ઈટલી, વેટિકન સિટી, નેપાળ અને ભૂટાન જેવા અનેક દેશોની સફર ખેડી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, સમાજસેવાને મેં મારો ધર્મ માનીને કામ કર્યું છે. દેશની સભ્યતા અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે ગુરુકૂળમાં યુવા શક્તિને તૈયાર કરવી જોઈએ.
અમદાવાદ એરપોર્ટ પર પદનામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અમદાવાદ શહેરના મેયર શ્રીમતી બીજલ પટેલે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.