Pics : અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલા દાહોદના આ શિવ મંદિરમાં કરાયો અનોખો પ્રયોગ
દ્રષ્ટિકોણ ગ્રૂપ દ્વારા આ મંદિરમાં રાતના અંધારામાં એક ખાસ ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરાયું હતું. ‘Game of Lights’ સબ્જેક્ટ હેઠળ 6 ઓક્ટોબરના રોજ અહીં એક વર્કશોપ યોજાયો હતો. જેમાં ફોટોગ્રાફીને અલગ લેવલ સુધી લઈ જવા માટેની વિવિધ ટેક્નિક્સનો ઉપયોગ કેવી રીતે થાય એ સમજાવવામાં આવ્યું.
આ ઉપરાંત આ વર્કશોપનો મુખ્ય હેતુ મંદિરને ફરીથી વેગવંતુ કરવાનો હતો. આવી એક્ટિવિટી સતત થતી રહે, તો અસામાજિક તત્વો મંદિરથી દૂર રહે તે એકમાત્ર હેતુ આ વર્કશોપનો હતો.
દ્રષ્ટિકોણ એ 2006થી દાહોદ/પંચમહાલ ખાતે ફોટોગ્રાફી માટે કાર્યરત નોન-પ્રોફિટ લર્નિંગ પ્લેટફોર્મ પૂરુ પાડતું ગ્રૂપ છે. દ્રષ્ટિકોણના પ્રતીક જૈન અને સમીર ચાંપાનેરીયાના માર્ગદર્શનમાં આ વર્કશોપ યોજાયો હતો. નાઈટ ફોટોગ્રાફી માટે લાઈટ પોલ્યુશન રહિત જગ્યા જોઇએ. જેથી દાહોદથી 12 કિમી દૂર આવેલા આ શિવ મંદિરને પસંદ કરાયું હતું. જેથી એનું મહત્વ પણ વધે.
આ વર્કશોપમાં નાઈટ ફોટોગ્રાફી માટે લોંગ એક્સપોઝર ટેકનિકનો ઉપયોગ કરાયો હતો. જે કેમેરાના શટરને ખોલ-બંધ કરીને ક્લિક્સ કરવામાં આવે છે. ઈતિહાસને પરિપ્રેક્ષ્યમાં રાખીને લેવામાં આવેલી આ તસવીરો અદભૂત છે.
દાહોદથી 11 કિલોમીટર દૂર આવેલ બાવકા ગામમાં આ પ્રાચીન શિવ મંદિર આવેલું છે. આ મંદિર સોલંકી યુગની યાદ અપાવે છે. આ મંદિર 10મી સદીમાં બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. જે હાલ પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત કરાયું છે. આ મંદિરને દ્વિઅંગી ગણાય છે. આ મંદિરની ચારે બાજુ કંડારવામાં આવેલ નૃત્યમુદ્રાવાળી અપ્સરાઓ અપ્સરાઓની અંગભંગીનીઓ મનમોહક છે.
આ મંદિર ગુજરાતના ખજૂરાહો તરીકે પણ પ્રખ્યાત છે. સ્થાનિક દંતકથા અનુસાર આ મંદિર એક દેવદાસીએ એક જ રાતમાં બાંધ્યું હતું. ઈતિહાસમાં ઉલ્લેખ છે કે, મહંમદ ગઝનીએ આ મંદિરને પણ નુકસાન પહોંચાડ્યું હતું. કેટલાય વર્ષો સુધી આ મંદિર ઉપેક્ષિત રહ્યું હતું અને તેની ઘણી કલાકૃતિઓની ચોરી થઈ ગઈ હતી. આ મંદિર રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કરાયું છે. પુરાતત્વ વિભાગ દ્વારા વર્ષ 2009માં તેને રિનોવેટ કરાયું હતું. (તસવીર સાભાર વીકિપીડિયા)
ગુજરાતમાં આવા અનેક હેરિટેજ સ્થળો છે, જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓ થતી રહે છે, તેથી જો આવી એક્ટિવિટી કરીને અવેરનેસ લાવવામાં આવે તો અસામાજિક ત્તત્વોમાંથી મુક્તિ મેળવી શકાય છે.