Vaccine લગાવ્યા પછી અહીં વૃદ્ધો કરી રહ્યાં છે પાર્ટનરની શોધ! આવી Love એટ ‘સેકન્ડ’ Sight અને Dating ની મૌસમ
દુનિયાભરના લોકોને કોરોનાએ જીવનની કદર સમજાવી દીધી છે. સાથે જ જે લોકો કોઈ દિવસ એક સાથે એક ઘરમાં નહોંતા રહેતા તેમને લોકડાઉનની સ્થિતિમાં લાંબા સમય સુધી ઘરમાં એક સાથે પુરાઈ રહેવાનું પણ કોરોનાએ શિખવ્યું. તો કોઈના સ્વજનો સાથ છોડી ગયા ત્યારે નવા સાથી સાથે નવી ઈનિંગ શરૂ કરીને જીવન છે ત્યાં સુધી જીવી લેવાનું પણ હવે કોરોના જ શિખવી રહ્યો છે. એકલા રહેતાં વડીલોને એકલાં સતાવે છે અને તેમને પણ કોઈનો પ્રેમ અને હૂૂંફ જોઈએ છે તેથી તેઓ પણ પ્રેમની શોધમાં નવા સાથીની શોધમાં લાગી ગયા છે.
ઘણાં લોકો લાઈફની નવી ઈનિંગ નવા પાર્ટનર સાથે શરૂ કરવાનો વિચાર કરતા હોવાનું જોવા મળ્યું. એક રિસર્ચ મુજબ મહામારીના દોરમાં વૃદ્ધોએ જ સૌથી વધુ તણાવ અને એકલતા સહન કરી છે, પરંતુ વેક્સિન લાગી ગયા પછી તેઓ પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા છે. હવે તેમને એકલાં નથી રહેવું તેથી કરી રહ્યાં છે પાર્ટનરની શોધ.
જીહાં, અમે વાત કરી રહ્યાં છીએ અમેરિકાની. અમેરિકામાં એકલા રહેતા વૃદ્ધો કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા પછી હવે પ્રેમની શોધમાં લાગી ગયા છે. હવે તેઓ પોતાને સંપૂર્ણ સુરક્ષિત માની રહ્યા છે. હકીકતમાં મહામારીના કારણે ગયા વર્ષે અનેક વૃદ્ધો ઘરમાં એકલા રહેવા મજબૂર હતા. આ ગાળામાં તેમણે અનુભવ્યું કે, જીવનમાં એક પાર્ટનરની પણ કેટલી જરૂર હોય છે!
દક્ષિણ અમેરિકામાં રહેતા 60 વર્ષીય સ્ટીફન પાસ્કી 4270 કિ.મી.નો પ્રવાસ ખેડીને કેલિફોર્નિયામાં રહેતી 57 વર્ષીય મિસ લેંજ સાથે લગ્ન કરવા આવ્યા. અમેરિકામાં 65 વર્ષના 80% વૃદ્ધોને કોરોના વેક્સિન અપાઈ ચૂકી છે. હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે, ત્યારે એકલા રહેલા વૃદ્ધો પોતાનો તણાવ ઘટાડવા માટે જેમ બને તેમ ઝડપથી લાઈફ પાર્ટનર શોધી લેવા ઈચ્છે છે. અમેરિકામાં આજકાલ ડેટિંગ સાઈટો પર પણ વૃદ્ધોની સંખ્યા 15% વધી ગઈ છે.
64 વર્ષીય શિક્ષિકા કેથરિન પામર 8 એપ્રિલે વેક્સિનનો બીજો ડોઝ લઈ ચૂક્યા છે. તેઓ દર શનિવારે માસ્ક પહેરીને ડેટિંગ પર જાય છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતું ધ્યાન રાખે છે. તેમનું કહેવું છે કે, આ મહામારીએ પ્રેમ મેળવવાની ફરી એક તક આપી છે. એટલે આપણે સમય બગાડવો ના જોઈએ. જીવનમાં પતિ ના હોય તો લાગે છે કે, જીવન કેટલું નાનું થઈ ગયું છે. હું ફરી તણાવયુક્ત સમય સહન કરવા તૈયાર નથી. એટલે ઝડપથી એક સારા લાઈફ પાર્ટનરની શોધમાં છું.
આ જ રીતે કેલિફોર્નિયામાં રહેતી ગ્રાફિક ડિઝાઈનર મિસ લેંજ કહે છે કે, જ્યારે લૉકડાઉન હતું, ત્યારે હું મારા પિતા સાથે ફિલાડેલ્ફિયામાં હતી. તેઓ અલ્ઝાઈમરના દર્દી છે. એ વખતે મને ખબર પડી કે, જીવન એકલા પસાર કરવું કેટલું અઘરું છે. ત્યારે મેં ડેટિંગ સાઈટ પર મારી પસંદના ઘણાં પ્રસ્તાવ જોયા. એક પ્રસ્તાવ સ્ટીફન પાસ્કીનો હતો. મારા માટે બોલી-ભાષા કે રંગનું કોઈ જ મહત્ત્વ નથી, પરંતુ સ્ટીફન મારા માટે આટલા દૂરથી પ્રવાસ ખેડીને આવ્યા. તે પણ બધું જ છોડીને, એ મને ખૂબ જ સારું લાગ્યું.